વિસનગર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પાલડીના અરજદારનો બળાપો અમે તલાટી દિક્ષિત પટેલથી કંટાળ્યા છીએ-હું એસીબી કરીશ
વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૮ (આઠ) અરજદારોએ પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. આ તમામ પ્રશ્નોનો મામલતદારે હકારાત્મક નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમાં પાલડી ગામના અરજદારે ગામના તલાટી દિક્ષિત પટેલ સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ કે સાહેબ અમે આ તલાટીના વાણી વર્તનથી કંટાળ્યા છીએ. હું તેની ઉપર એ.સી.બી. કરીશ. આ અરજદારનો આક્રોશ જોઈ ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરીએ તમામ તલાટીઓને ગામના તેમજ અરજદારોના પ્રશ્નોનો ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા કડક સુચના આપી હતી.
પાલડીના અરજદારનો આક્રોશ જોઈ ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરીએ અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા તલાટીઓને સુચના આપી
સામાન્ય કામમાં અરજદારોને કેમ ધક્કા ખવડાવો છો? તલાટીઓની બહુ ફરિયાદો આવે છે-મામલતદાર એફ.ડી.ચૌધરી
વિસનગર તાલુકા સેવાસદનમાં બુધવારના રોજ મામલતદાર એફ.ડી.ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કયા ગામના અરજદારે શું રજુઆત કરી તે જોઈએ તો, પાલડી ગામના ચૌધરી ભરતભાઈ ઘેમરભાઈએ ગામના સ.નં.૨૦૫/૧ વાળી જમીનમાં નમૂના નં.૧૬માં કુવાની નોંધણી કરવા બાબત, ખરવડા ગામના ચૌધરી રામજીભાઈ બબાભાઈએ ગામઠાણના ઘર નં.૧૮૮ અને ૧૮૯ની પાછળ થયેલ બિનઅધિકૃત ચણતર દુર કરવા બાબત, કડા ગામના પટેલ શીરીષકુમાર બાબુલાલ વિગેરેએ ગામના સ.નં.૨૬૦૧ અને ૨૬૦૬ વાળી જમીનમાં નમૂના નં.૧૨માં ચંદનના વૃક્ષોના વાવેતરની નોંધ કરવા બાબત, કડા ગામના પટેલ ઈશ્વરલાલ ત્રિભોવનદાસે ગામના સ.નં.૨૬૦૦, ૨૬૦૨ અને ૨૬૦૪ વાળી જમીનમાં તેમજ સદુથલા ગામના સર્વે નં.૬૨૪ ને ૬૨૫ વાળી જમીનમાં નમૂના નં.૧૨માં ચંદનના વાવેતરની નોંધ કરવા બાબત, વાલમ ગામના પટેલ કૃણાલ સુરેશભાઈે ગામના સ.નં.૩૩૩૭ માટે નમૂના નં.૯નું પ્રમાણપત્ર મેળવવા બાબત, તરભ ગામના ચૌધરી ઈશ્વરભાઈ લવજીભાઈ વિગેરે ગ્રામજનોએ ગામના ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા બાબત તથા મગરોડા ગામના ચૌધરી વિષ્ણુભાઈ ખુમજીભાઈએ ગામની ગૌચર જમીનના સ.નં.૧૦૫૫/૧ અને ૧૦૫૫/૨ વાળી જમીનમાં થયેલ ગેરકાયદેસર છાપરા દુર કરવા બાબત મામલતદારશ્રીને રજુઆત કરી હતી. ત્યારે મામલતદાર એફ.ડી. ચૌધરીએ ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા ટી.ડી.ઓ. અને જે તે ગામના તલાટી કમ મંત્રીને સુચના આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં પાલડી ગામના અરજદારે ગામના તલાટી દિક્ષિત પટેલની કામગીરી સામે બળાપો કાઢતા કહ્યુ કે, સાહેબ આ તલાટી રાજકીય વગવાળા હોવાથી અમને ઉડાઉ જવાબ આપે છે. આ તલાટીના વાણી-વર્તનથી અમે કંટાળ્યા છીએ. હું કંટાળીને હવે આ તલાટી વિરૂધ્ધ એ.સી.બી. કરીશ. પાલડીના આ અરજદારે તલાટી દિક્ષિત પટેલ વિરૂધ્ધ એ.સી.બી.માં ફરિયાદ કરવાની ચિમકી આપી તેની સામે ભ્રષ્ટાચારનો જાહેરમાં આક્ષેપ કર્યો હતો. જ્યારે તરભ ગામના ગ્રામજનોએ રજુઆત કરતા કહ્યુ કે સાહેબ અમારા વિસ્તારમાં લેવલીંગ કર્યા વગર ગટર લાઈન નાખવામાં આવી છે. અને ગટરલાઈનનું કામ અધુરૂ છે. જો આ ગટરલાઈનનું કામ કરવામાં નહી આવે તો ચોમાસામાં વરસાદમાં ગ્રામજનો હેરાન થશે. ગ્રામ્યના અરજદારોની રજુઆત સાંભળ્યા બાદ ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરીએ તાલુકાના દરેક ગામના તલાટી કમ મંત્રીઓને પોતાના ગામના પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપી હકારાત્મક નિકાલ કરવા તેમજ કોઈપણ અરજદારને ખોટીરીતે હેરાન નહી કરવા કડક સુચના આપી હતી. જોકે ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌૈધરીએ અગાઉ વિસનગર વિકાસશાખામાં મદદનીશ ટી.ડી.ઓ. તરીકે ફરજ બજાવી હોવાથી તેઓ મોટાભાગના તલાટીઓથી પરિચીત છે. જેથી તેમને કયા ગામના તલાટી ફરજ ઉપર અનિયમિત હશે અને ગ્રામજનોને ઉડાઉ જવાબ આપતા હશે તેની ખબર હશે? જોકે હાલમાં તો તાલુકાના ત્રણ-ચાર તલાટીઓ સિવાય બીજા કોઈ તલાટીની ફરિયાદો સાંભળવા મળી નથી.