Select Page

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદમા ગુજરાતીઓ ઉપર અત્યાચારમાં ગુજરાતની નેતાગીરી કેમ ચુપ?

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદમા ગુજરાતીઓ ઉપર અત્યાચારમાં ગુજરાતની નેતાગીરી કેમ ચુપ?

તંત્રી સ્થાનેથી…

હિન્દી એ ભારત દેશની રાષ્ટ્રભાષા છે. જેને રાષ્ટ્રીય ભાષા તરીકે પ્રસ્થાપિત કરવા મહારાષ્ટ્રની કેટલીક હસ્તીઓનો મોટો ફાળો છે. ૧૯૦૫ મા લોકમાન્ય તિલકે વારાણસી સુધી બંગ ભંગની યાત્રા કરી કહ્યુ હતું કે હિન્દી દેશની સંપર્ક અને રાજભાષા બની શકે છે. ૧૯૬૦ પહેલા ગુજરાત જ્યારે મહારાષ્ટ્રનો ભાગ હતો તે વખતે કવિ નર્મદે હિન્દીને રાજભાષા તરીકે સ્થાપીત કરવા ભલામણ કરી હતી. ૧૯૧૮ માં ઈન્દોરમાં આયોજીત હિન્દી સાહિત્ય સંમેલનમાં મહાત્મા ગાંધીએ પણ હિન્દીને રાજભાષા સ્વિકારવા કહ્યુ હતુ. પરંતુ જ્યારથી કેન્દ્ર સરકારે ત્રણ ભાષાની ફોર્મ્યુલાને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી દેશમા ભાષાવાદનુ ગંદુ પોલીટીક્સ ચાલી રહ્યુ છે. એક દિવસ અંગ્રેજી બોલનારને શરમ આવશે એમ કહી કેન્દ્ર સરકારની ત્રણ ભાષાની ફોર્મ્યુલા સામે પ્રથમ દક્ષિણમાં વિરોધ થયો. જેને કેન્દ્રીય ગૃહમંત્રીએ ફક્ત પ્રાદેશિક રાજકારણ તરીકે ગણાવ્યો હતો. પરંતુ દક્ષિણના રાજ્યો જેને હિન્દી કોલોનીઝમ તરીકે ઓળખાવે છે તે વિરોધ ભાજપની જ્યા મજબુત સરકાર છે તે મહારાષ્ટ્ર સુધી પહોચી ગયો છે. બાલા સાહેબ ઠાકરે દ્વારા સ્થાપીત પ્રખર હિન્દુવાદી શીવસેનામા આધિપત્ય મેળવવાના ઝઘડામાં ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ૨૦ વર્ષ પહેલા છુટા પડ્યા. બાદ રાજ ઠાકરેએ રાજકીય પ્રભુત્વ જમાવી રાખવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી. મહારાષ્ટ્રમાં રાજકીય પગદંડો જમાવવામાં શીવસેનાના ઉધ્ધવ ઠાકરે આગળ નીકળી ગયા અને રાજ ઠાકરેનુ રાજકારણ ઠંડુ પડી ગયુ હતુ. હમણા એક વર્ષ પહેલાજ બન્ને ભાઈઓ વચ્ચે રાજકીય દુશ્મનાવટ એટલી વિકરાળ બની ગઈ હતી કે સોપારીનો જવાબ શ્રીફળથી આપ્યો હતો. એકનાથ સીંદેએ બળવો કરતા મહારાષ્ટ્રમાંથી ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી. ત્યારબાદની મહારાષ્ટ્રની ચુંટણીમાં ભાજપ અને એકનાથ સીંદેની શીવસેનાએ સત્તા સંભાળતા ઉધ્ધવ ઠાકરેના રાજકારણનો પણ અંત આવી ગયો. બે ભાઈઓના ઝઘડામાં મહારાષ્ટ્ર હાથમાંથી જાય તેમ લાગતાજ મુંબઈ વર્લીના નેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડોમમા ૨૦ વર્ષ પછી ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે જોવા મળ્યા. હાથ મિલાવ્યા બાદ દેશના અને કેન્દ્રના રાજકારણના નજરમાં આવવા મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ભાષાવાદનુ ગંદુ રાજકારણ શરૂ કર્યુ. જેનો પ્રથમ ભોગ ગુજરાતના વેપારી બન્યા. મીરા રોડના સીલ્વર પાર્ક વિસ્તારમાં મીઠાઈની દુકાન ચલાવતા બાબુલાલ ચૌધરી નામના વેપારી હિન્દી બોલતા આ મહારાષ્ટ્રની ભાષા નથી તેમ કહી મનસેના કેટલાક કાર્યકરોએ થપાટો મારી હતી. આ વીડીયો સોશિયલ મીડિયામા વાયરલ થતાની સાથેજ ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની જે મેલી મુરાદ હતી તે બર આવી. હકિકતમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે પ્રાયમરી સ્કુલમાં દાખલ કરવાનો જે નિર્ણય હતો તે ખરેખર તો ઉધ્ધવ ઠાકરેની સરકારમાજ લેવાયો હતો. પરંતુ જેમ સત્તા બદલાય તેમ નીતિઓ પણ બદલાઈ જાય છે અને અંતે રાજકારણ હાવી થઈ જાય છે. મહારાષ્ટ્રમા અગાઉની જેમ પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે મથી રહેલા ઠાકરે કુટુંબ માટે હિન્દીનો વિરોધ કરવાનો માર્ગ એ સૌથી મહત્વનો બની ગયો. મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં હિન્દીને ફરજીયાત બનાવતો તે પણ ધોરણ એકથી પાંચ સુધીમાં અમલ થાય તે રીતના પરિપત્રનો વિરોધ કરવાનુ કોઈ કારણ નહોતુ. પ્રારંભમાં મરાઠી બાદ હિન્દી ભાષાને પ્રાથમિકતા આપવાની વાત હતી. ત્યારબાદ વિરોધનો સુર ઉઠતા ત્રીજી ભાષા તરીકે સ્વિકારવાનો નિર્ણય લેવાયો. રાજ્ય સરકારે સ્થાનિક ભાષા મરાઠીને પ્રાથમિકતા તો આપીજ હતી. જેથી મરાઠીને નજરઅંદાજ કરવાનો કે પ્રાદેશીક ભાષાના ભોગે હિન્દીને પ્રાધાન્ય આપવાનો કોઈ પ્રશ્નજ નહોતો. છતા મુંબઈ મહાનગરપાલિકાની ચુંટણી આવતાજ મહારાષ્ટ્રમાં મરાઠી માનુષનુ રાજકારણ શરૂ થયુ અને એમા ગુજરાતી વેપારીઓ ભોગ બન્યા. મુંબઈને આર્થિક રાજધાની બનાવવામાં પ્રથમથીજ ગુજરાતીઓની ભૂમિકા મહત્વની રહી છે. ૧૯૬૦ મા ભાગલા સમયે મુંબઈ મહારાષ્ટ્રને સોંપી દેવાયુ. ગુજરાતીઓના સાહસિક અને વ્યાપારીક કલ્ચરના કારણે આજે મુંબઈનો વિકાસ થયો. તેમ છતાં ઠાકરે પરિવાર મરાઠી ભાષાનુ રાજકારણ રમી ગુજરાત અને ગુજરાતીઓનો ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે. મરાઠી માનુષના રાજકારણના કારણે આજે પણ વર્ષોથી ત્રણ પેઢીથી રહેતા ગુજરાતીઓ બીચારા બાપડા બનીને મુંબઈમાં પોતાના ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. કેટલાક રાજકારણ સાથે સંકળાયેલા ગુજરાતીઓને મરાઠી વાદનો સામનો કરવો પડતો નથી. પરંતુ વર્ષે કરોડોનુ ટર્નઓવર કરતા ગુજરાતીઓ સાથે સામાન્ય ધંધો રોજગાર કરતા અનેક ગુજરાતી વેપારીઓ શીવસેના અને મનસેનાના કાર્યકરોના રાજકારણનો ભોગ બની રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખાસ કરીને ભાજપ સહિતની ગુજરાતના રાજકીય નેતાઓ આ વિવાદમાં કેમ ચુપ બેસી રહ્યા છે.