વિસનગર તાલુકામાં સરપંચના ૧૧૯ – સભ્યના ૧૪૯ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં
૨૨ જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં
- ગામડાઓમાં રાજકીય જૂથવાદના કારણે ગ્રામ પંચાયતોની ચુંટણીમાં વિધાનસભાની ચુંટણી જેવો માહોલ છવાયો છે
- કાંસા, ઉમતા, કંસારાકુઈ, પાલડી અને રંગાકુઈ ગામમાં સરપંચના ઉમેદવાર માટે રાજકીય વર્ચસ્વની લડાઈ હોવાથી અહી ભારે રસાકસી જોવા મળશે
વિસનગર તાલુકામાં યોજાનાર ૫૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી અને એક ગામની પેટા ચુંટણીમાં રસાકસી ભર્યો ચુંટણી જંગ ખેલાયો છે. જેમાં ૧૭ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. જ્યારે ઘાઘરેટ, રાવળાપુરા ગામમાં જાતિગત ઉમેદવારો નહી હોવાથી સરપંચ અને વોર્ડના સભ્યોને અંશત બિનહરિફ જાહેર કરાયા છે. એટલે કે આ બંન્ને ગ્રામ પંચાયતો પણ સમરસ થઈ કહેવાય. જ્યારે જેતલવાસણામાં માત્ર સરપંચના ઉમેદવાર બિનહરિફ જાહેર કરાયા છે. આમ અત્યારે વિસનગર તાલુકાના ૫૭ ગામો પૈકી ૩૭ ગામમાં સરપંચના ૧૧૯ અને સભ્યના ૧૪૯ ઉમેદવારો ચુંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે.
વિસનગર તાલુકામાં અત્યારે કુલ ૫૭ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. જેમાં ૫૬ ગામમાં સામાન્ય ચુંટણી અને કાંસાગામમાં સરપંચ સહિત પાંચ ગામની પંચાયતોમાં પેટાચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દરેક ગામના સરપંચ અને વોર્ડના સભ્યોના ઉમેદવારોએ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં સરપંચના ૨૪૯ અને સભ્યના ૬૩૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ ઉમેદવારોની ફોર્મની ચકાસણીમાં સરપંચના ૬ અને સભ્યના ૧૦ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે સરપંચના ૧૦૪ અને સભ્યના ૮૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતો સીધી સમરસ થઈ હતી. તેમજ ઘાઘરેટ અને રાવળાપુરામાં પંચાયતોમાં જ્ઞાતિગત સમીકરણમાં ઉમેદવારી નહી નોંધાવતા સરપંચ સહિત સભ્યોને ચુંટણી પંચના નિયમ પ્રમાણએ અંશત બિનહરિફ ગ્રામ પંચાયતો જાહેર કરવામાં આવી હતી. જ્યારે જેતલવાસણા ગામના સરપંચના ઉમેદવારને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા. સરપંચ અને સભ્યોના ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા બાદ ગ્રામ પંચાયતનોનુ ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ થયુ હતુ. જેમાં ૫૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી અને કાંસા સહિત પાંચ ગામની પેટા ચુંટણીમાં ૩૭ ગ્રામ પંચાયતોમાં ૧૧૯ સરપંચના અને ૧૪૯ સભ્યના ઉમેદવારો ચુંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે. જોકે ગામડાઓમાં રાજકીય જૂથવાદના કારણે આ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં વિધાનસભાની ચુંટણી જેવો માહોલ ઉભો થયોછે. જેમાં કાંસા, ઉમતા, કંસારાકુઈ, પાલડી અને રંગાકુઈ ગામમાં સરપંચના ઉમેદવારો માટે રાજકીય વર્ચસ્વની લડાઈ હોવાથી અહીં ભારે રસાકસી જોવા મળશે. અત્યારે સરપંચના ઉમેદવારોએ ચુંટણી જીતવા પોતાના ટેકેદારો સાથે રાજકીય કાવાદાવા શરૂ કર્યા છે. જોકે ગ્રામ પંચાયતોની ચુંટણી આવનારી વિધાનસભા-૨૦૨૭ની ચુંટણી માટે એસિડ ટેસ્ટ સાબિત થશે તેવુ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.