ઈન્કમટેક્ષની રેડમાં મદદના બહાને રૂા.૨૧.૬૫ લાખની છેતરપીંડી
કાંસાના કોન્ટ્રાક્ટરને સુરતના પિતા-પુત્રએ છેતર્યા
- આઈ.એ.એસ. અધિકારીની ઓળખ આપી કોન્ટ્રાક્ટર પાસે બીજા રૂા.૭૯,૦૦૦ પડાવ્યા
વિસનગર કાંસા હોટલ હીલટોન વાળા મારૂતિ પ્લાઝા મર્કેટના માલિક ને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરનાર સુરતના પિતા-પુત્રએ રૂા.૨૧.૬૫ લાખમાં છેતરતા ચાર વિરુધ્ધ ફરિયાદ થવા પામી છે.
કાંસા ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા અને હોટલ હીલટોનવાળા મારૂતિ પ્લાઝા માર્કેટના માલિક દિનેશભાઈ બાબુલાલ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જેમની સુરતમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરનાર જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ અને તેમનો પુત્ર કૌશીકભાઈ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. જેઓ અવાર નવાર દિનેશભાઈ પટેલને મળવા આવતા હોઈ મિત્રતા ગાઢ સબંધમાં ફેરવાઈ હતી. જયંતિભાઈ પટેલ અને તેમનો પુત્ર આવી ઈન્કમટેક્ષની રેડ પડી છે, દેવામાં આવી ગયા છીએ અને કેસ લડવા વકીલને પૈસા આપવાના હોવાનુ જણાવી ઉછીના પૈસાની મદદ માગી હતી. ત્યારે દિનેશભાઈ પટેલે ટુકડે ટુકડે પૈસા આપી રૂા.૨૧.૬૫ લાખની મદદ કરી હતી. ત્યારબાદ આ પિતા પુત્ર આવી ગાંધીનગર સચીવાલયમાં આઈ.એ.એસ. અધિકારી રૂષભ રેડ્ડી કેસમાં મદદ કરતા હોવાનુ જણાવી તેમની સાથે વાત કરાવી હતી. અધિકારીની ખોટી ઓળખ આપનાર વ્યક્તિએ ઈન્કમટેક્ષના કેસમાં મદદ કરતા હોવાનુ જણાવી કેસ લડવા પૈસાની મદદ માટે ભલામણ કરી હતી.
દિનેશભાઈ પટેલે મદદની ભાવનાથી આપેલા પૈસાની ઉઘરાણી કરતા મહિન્દ્રા થાર ગાડી કરાર લેખથી આપી હતી. જે ગાડી પણ બીજાના નામે હોવાનુ માલુમ પડતા ઉઘરાણી કરતા ગાડીનો વેચાણ લેખ મોકલી આપ્યો હતો. પૈસાની કડક ઉઘરાણી કરતા અર્પિત પિયુષભાઈ શાહના નામનો રૂા.૨૫ લાખનો ચેક આપ્યો હતો. અર્પિત શાહે અમદાવાદ કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર હોવાનુ તથા પિતા-પુત્રના ભાગ પેટે ચેક આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ. જે ચેક ભરતા સ્ટોપપેમેન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેની જાણ કરતાજ કૌશિકભાઈ પટેલે રૂા.૧૯ લાખનો ચેક આપ્યો હતો તે પણ પરત ફર્યો હતો. વારંવાર ઉઘરાણી કરતા પિતા પુત્રએ પોત પ્રકાશ્યુ હતુ અને થાય તે કરી લેવાના ઉધ્ધત જવાબ આપ્યા હતા. અધિકારીની ઓળખ આપનાર રૂષભ રેડ્ડીએ પણ દિનેશભાઈ પટેલ સાથે વાત કરી જયંતિભાઈ અને કૌશિકભાઈ કેસ જીતી ગયા છે. ૫૦૦ કરોડ આર.બી.આઈ.માં પડ્યા છે. ટુંક સમયમાં મળી જશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ. ત્યારબાદ રૂષભ રેડ્ડીએ પણ કાંસાના આ કોન્ટ્રાક્ટરને ખોટ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી રૂા.૭૯,૦૦૦ પડાવ્યા હતા. કોન્ટ્રાક્ટર દિનેશભાઈ પટેલે વિસનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે કૌશિકભાઈ પટેલનુ નિવેદન લેતા તમામ હકીકત કબુલી હતી અને લીધેલા પૈસા પેટે જે ચેક આપ્યો હતો તે પણ પરત ફર્યો હતો. છેવટે દિનેશભાઈ પટેલની ફરિયાદ આધારે પોલીસે જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ, કૌશિકભાઈ જયંતિભાઈ પટેલ, અર્પિત પિયુષભાઈ શાહ તથા રૂષભ રેડ્ડી વિરુધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો યુનો નોધી તપાસ હાથ ધરી છે.