Select Page

તિરૂપતી માર્કેટમાં અસામાજીક તત્વોના ત્રાસથી વેપારીઓનુ આવેદન

તિરૂપતી માર્કેટમાં અસામાજીક તત્વોના ત્રાસથી વેપારીઓનુ આવેદન

ટ્રુ કૉલરમાં ACB ગાંધીનગર લખાઈને આવતુ હોવાથી તપાસનો વિષય

વિસનગરના હાર્દસમા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે આવેલા માર્કેટમાં અસામાજીક તત્વોનો ત્રાસ એ પોલીસ માટે શરમજનક છે. માર્કેટમા એક વ્યક્તિ દારૂ પી આવી મહિલાઓને છેડતી કરતો હોવાથી વેપારીઓ ત્રાસી ગયા છે. આ વ્યક્તિ મોબાઈલ નંબરમા સામેના ફોન ધારકના ટ્રુ કોલમાં એસીબી ગાંધીનગર લખાયેલ આવતુ હોવાથી પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે. માર્કેટના ૫૦ ઉપરાંત વેપારીઓએ આ અસામાજીક તત્વ સામે કાર્યવાહી કરવા તથા માર્કેટમા પોલીસ પોઈંટ મુકવા માટે આવેદન આપ્યુ હતુ.
વિસનગરના ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના બીલ્ડર સમયના કાર્યકાળમા બનેલ તિરૂપતિ માર્કેટ અત્યારે પોલીસની રહેમનજરને કારણે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયુ છે. માર્કેટમા ૧૦૩ જેટલી દુકાનોમાં નાના મોટા શો-રૂમ છે. માર્કેટમા યુવતીઓ, મહિલા, સહિતના ગ્રાહકોની ખુબજ અવર જવર રહે છે. આવનાર ગ્રાહકોને પાર્કિંગની કે અન્ય કોઈ અગવડ ઉભી ન થાય તે માટે વેપારીઓ દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવે છે. શહેરના ગૌરવ પથ રોડ ઉપર ધમધમતા માર્કેટમાં અસામાજીક તત્વોનો ત્રાસ એ શહેરની સુરક્ષા તથા વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉભા કરે છે.
તિરૂપતિ માર્કેટમા છેલ્લા ઘણા સમયથી મહેશ નાયી ઉર્ફે બબન નામનો શખ્સ દારૂ પી આવી મોટા અવાજે અપશબ્દો બોલી દાદાગીરી અને મહિલાઓને છેડતી કરતો હોવાથી વેપારીઓ ત્રાસી ગયા છે. આવા અસામાજીક તત્વોના કારણે માર્કેટના ધંધા રોજગાર ઉપર અસર થતી હોવાથી લગભગ ૫૦ જેટલા વેપારીઓ દ્વારા સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.એન.ગઢવીને આવેદન આપવામાં આવ્યુ હતુ. આવેદનપત્રમાં રજુઆત કરાઈ હતી કે, પોલીસવાળાઓ સાથે મોટા સબંધો હોવાથી પોલીસનો વટ મારતો ફરે છે. જેના મોબાઈલ નંબરથી અન્ય કોઈને ફોન કરેતો ટ્રુ કોલરમા એસીબી ગાંધીનગર લખાઈને આવે છે. આ વ્યક્તિ ઘણી વખત લોકોને આ નંબર આપી પોલીસનો દમ મારે છે. આ અસામાજીક તત્વના મોબાઈલ નંબરમા એસીબી ગાંધીનગર કેમ લખાઈને આવે છે તે પોલીસ માટે તપાસનો વિષય છે. પોલીસ સાથે સાઠગાંઠ હોય તોજ મોબાઈલ નંબરમા આ વ્યવસ્થા થઈ શકે છે. માર્કેટમાં સવારે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમ્યાન તથા રાત્રે અંધારામા કેટલાક શખ્સો સગીર યુવતીઓને લઈને આવતા હોવાથી તેમજ અજાણ્યા શખ્સો માર્કેટની રેકી કરતા હોવાથી પોલીસ પોઈંટ મુકવા માટે પણ વેપારીઓએ રજુઆત કરી હતી.