Select Page

કિસાન સંઘના ખેડૂતોનો સરકારની પ્રક્રિયા સામે ભારે રોષ

કિસાન સંઘના ખેડૂતોનો સરકારની પ્રક્રિયા સામે ભારે રોષ

વિસનગર માર્કેટયાર્ડમાં ભારતીય કિસાન સંઘની મીટીંગ મળી

તા.૧૦-૧૨-’૨૫ સોમવારના દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી હોલમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિસનગર તાલુકાના ખેડૂતોની મીટીંગ યોજવામાં આવી. મીટીંગનો મુખ્ય હેતુ કમોસમી વરસાદ તથા અનિયમિત વરસાદના કારણે ખેતીના પાકમાં થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર આપવા માટેનો હતો. ગુજરાત સરકાર તરફથી રાત્રિના બદલે દિવસની વીજળી કરવામાં આવી. તારની વાડની મર્યાદા ઘટાડીને બે હેક્ટર કરવામાં આવી તેમજ બીજી ઘણી બધી યોજનાઓમાં ખેડૂતો માટે કામગીરી કરવા માટે ભારતીય કિસાન સંઘ પ્રતિબધ્ધ છે. કિસાન સંઘ સતત ખેડૂતોની સહાયની કામગીરી માટે સતત જાગૃત રહ્યો છે. મિટિંગમાં એપીએમસીના ચેરમેન ડૉ.જયંતીભાઈ પટેલ અને વાઈસ ચેરમેન ભરતભાઈ જીવણભાઈ ચૌધરીની નવા ટર્મમાં વરણી થતાં સન્માન કરવામાં આવ્યું.
મિટિંગમાં ૮૦ જેટલા અતિ ઉત્સાહી ખેડૂત ભાઈ બહેનોએ હાજરી આપી હતી. ખેતરમાં ભારે વીજ લાઈન જતી હોય તેમ જ ખેડૂતના ખેતરમાં વીજળીના થાંભલા
નાખવામાં આવે તો આ માટે ખેડૂતોએ જાગૃત બનવાની જરૂર છે જીઇબી દ્વારા ખેતરમાં
નાખવામાં આવેલ થાંભલા નું વળતર તેમજ ખેતર વચ્ચે થાંભલો હોય અને વધારે વીજભાર પસાર થતો હોય તો દર વર્ષે તેનું વળતર જીઈબી મારફતે ખેડૂતોને આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ. આ બાબતે કડી દ્વારા ચલાવવામાં આવતી પાવર ચેનલમાં સભ્ય થવા પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત તાલુકા પ્રમુખ ડી.જે.પટેલે જણાવ્યું હતું કે, એપીએમસી વિસનગર દ્વારા પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ માટે દુકાન ચલાવવા માટે ૪૦ ફૂટ બાય ૨૦ ફૂટનુ ગોડાઉન ફાળવેલ છે, ઉપરાંત ખેડૂતો માટે એપીએમસી ગણીજ જાગૃત છે. ખેડૂતોએ સંગઠન શક્તિ વધારવી જોઈએ અને મિટિંગમાં વધુમાં વધુ ખેડૂતો હાજરી આપે, દરેક ગામમાં ખેડૂતોની ગ્રામ સમિતિ નિમાય એ ખૂબજ જરૂરી છે. સરકાર કોઈ પણ હોય પણ જો સંગઠિત થઈને તાકાત બતાવીએ તો સરકાર તરફથી પ્રશ્નો ઉકેલવામાં ઘણી જ સરળતા રહે. ઉપરાંત પ્રમુખે જણાવ્યું હતું કે, વિસનગર તાલુકાનું ફાર્મર પ્રો પ્રોડ્યુસર (એફ પી ઓ) મંજૂર થઈ ગયેલ છે. આ એફપીઓમાં સભ્ય થવા માટે રૂપિયા ૨૧૦૦ જમા કરવાના છે. જે ખેડૂતો તેમાં જોડાવા માગતા હોય તેમને ૮ થી ૧૦ દિવસમાં તાત્કાલિક તાલુકા પ્રમુખ ડીજે પટેલને મોબાઈલ નંબર ૯૪૨૯૨ ૬૪૩૬૭ ઉપર તાત્કાલિક જાણ કરવી, પછી નામ સ્વીકારવામાં આવશે નહીં. એફપીઓ દ્વારા વિવિધ કાર્યવાહી કરી ખેડૂતો દ્વારા સારામાં સારો બિઝનેસ કરી શકાય તેમ છે. કડી તાલુકામાં એફ પી ઓ માં ૧૧૦૦ ખેડૂત જોડાયેલા છે. વિસનગર તાલુકામાં પણ એફ પી ઓના સભ્યો થાય તો સભ્ય થનારને ભવિષ્યમાં મોટો ફાયદો થનાર છે. બાસણા ગામના વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગામડાઓમાં ગ્રામ સેવકો નિયમિત આવતા નથી અને અનિયમિત વરસાદથી કે ખરાબ હવામાન તેમજ આબોહવાથી જે કંઈ નુકસાન થાય છે તેનુ વળતર સરકાર દ્વારા મળતું હોય તે મળતું નથી. ઓફિસમાં બેઠા બેઠા ત્રણ ચાર જણને પૂછીને પાકોની પરિસ્થિતિ લખી દેવામાં આવે છે. તેથી સરકારે ગ્રામ સેવકોની સંખ્યા વધારવી જોઈએ. અને કોઈપણ ખેતરના સર્વેના કામનો અહેવાલ લખવાનો હોય તો ખેતરોની મુલાકાત લઈને કામગીરી થવીજ જોઈએ. તેઓએ જણાવ્યું કે આ સહાય અપૂરતી છે અને દરેક ખેડૂતોને બેંકો/ સહકારી મંડળીઓ દ્વારા લેવામાં આવેલ ધિરાણ તદ્દન માફ કરવું જોઈએ આપણે આ ધિરાણ માફ ન થાય ત્યાં સુધી લડત ચલાવી જોઈએ.
ખરવડાના રાજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અગાઉ ના વર્ષોમાં પણ ખેતી પાકોને નુકસાન થવા છતાં સરકાર તરફથી બે વખત મહેસાણા જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો હતો, તેમજ ગુજરાત સરકાર મહેસાણા જિલ્લા પ્રત્યે ઓરમાયુ વર્તન રાખતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી છે તે ગણીજ મોડી હોવાથી મોટા ભાગના કપાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે અને નિષ્ફળ ગયેલા પાકમાં ખેડૂતોએ પોતાના ખેતર ખેડી નંખાવ્યા છે. તો હવે સર્વે કેવી રીતે કરવામાં આવશે?