વિસનગર એપીએમસીના ચેરમેન-વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષ ઉપરાંતની મુદ્દત પુર્ણ થયા બાદ બાકીના ૧૩ મહિના માટે ગુરુવારના રોજ નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં એ.પી.એમ.સી.ના ચેરમેન પદે કાંસાના વતની ડા.જયંતિભાઈ ગોપાળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે રંગાકુઈના ભરતભાઈ જીવણભાઈ ચૌધરીની સર્વાનુમત્તે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારે ચેરમેન-વાઈસ ચેરમેને ભાજપના મોવડી મંડળનો આભાર માની માર્કેટયાર્ડના વેપારીઓ અને ખેડુતોના હિતમાં વિકાસકામો અને નિર્ણયો લેવાની ખાત્રી આપી હતી.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે આવનારી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં બાવન કડવા પાટીદાર સમાજનો લાભ લેવા કાંસાના ડા.જયંતિભાઈ પટેલને
૧૩ મહિના માટે એ.પી.એમ.સી.ના ચેરમેન બનાવ્યા હોવાની ચર્ચા
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ પ્રેરિત પેનલ ચુંટાઈ હતી. ત્યારે ભાજપ હાઈકમાન્ડે પ્રથમ અઢી વર્ષના ચેરમેન તરીકે વાલમના યુવા નેતા પ્રિતેશભાઈ પી.પટેલ અને વાઈસ ચેરમેન તરીકે મગરોડાના અગ્રણી હરેશભાઈ એલ.ચૌધરીને મેન્ડેટ આપ્યુ હતુ. આ ચેરમેન અને વાઈસ ચેરમેનના નેતૃત્વમાં ખેડુતો અને વેપારીઓના હિતમાં અનેક વિકાસકામો અને સુવિધાઓ ઉપલબ્ધ થઈ. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ અને વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થવા છતાં નવા ચેરમેન-વાઈસ ચેરમેનની ચુંટણી નહી યોજાતા સહકારી આગેવાનોમાં તર્કવિતર્ક ઉભા થયા હતા. ત્યારે ગાંધીનગરના નાયબ નિયામક દ્વારા બીજી ટર્મના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગાંધીનગર નાયબ નિયામક દ્રષ્ટિ ચૌધરીની અધ્યક્ષતામાં ગુરુવારના રોજ ૧૨-૦૦ કલાકે બોર્ડ મિટીંગના હોલમાં ૧૩ મહિના માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે એ.પી.એમ.સી.ના ચેરમેન પદે કાંસાના ડા.જયંતિભાઈ ગોપાળદાસ પટેલ અને વાઈસ ચેરમેન પદે રંગાકુઈના ભરતભાઈ જીવણભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો. ત્યારે ભાજપ હાઈકમાન્ડના નિર્ણયને તમામ ડીરેક્ટરોએ આવકારી ચેરમેન-વાઈસ ચેરમેનની સર્વાનુમત્તે બિનહરીફ વરણી કરી હતી.
એ.પી.એમ.સી.ના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થયા બાદ માર્કેટયાર્ડમાં એવી ચર્ચા હતી કે આ ચુંટણીમાં વર્તમાન ચેરમેન પ્રિતેશભાઈ પટેલને યથાવત રાખવા ડીરેક્ટરોએ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને ભલામણ કરી હતી. જેથી પ્રિતેશભાઈ પટેલને ચેરમેન તરીકે યથાવત રાખવાનુ નક્કી હતુ. પરંતુ ચુંટણીના દિવસે સવારે ભાજપ હાઈકમાન્ડે મતોના સમીકરણને ધ્યાને રાખી ચેરમેન બદલવાનો નિર્ણય લીધો. કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આવનારી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં બાવન કડવા પાટીદાર સમાજના મતો મેળવવા કાંસાના ડા.જયંતિભાઈ પટેલને ૧૩ મહિના માટે એ.પી.એમ.સી.ના ચેરમેન બનાવ્યા હોવાનુ ચર્ચાય છે.