Select Page

વિસનગરમાં ડોર ટુ ડોરની નવી ૧૩ વાન અદ્રશ્ય

વિસનગરમાં ડોર ટુ ડોરની નવી ૧૩ વાન અદ્રશ્ય

આરોગ્ય મંત્રીએ લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યુ હતુ

  • માર્કેટો આગળ કચરાના કલેક્શન માટે વાન ઉભી રહેતી નહી હોવાની વેપારીઓની ફરિયાદ

વિસનગર પાલિકાના ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટરે પાલિકા તંત્ર સહીત શહેરના લોકોને ઉલ્લુ બનાવ્યા હોય તેમ જણાય છે. નવા કોન્ટ્રાક્ટમાં ડોર ટુ ડોર માટે કોન્ટ્રાક્ટર ૧૩ નવી વાન લાવતા આરોગ્ય મંત્રીના હસ્તે તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. કોન્ટ્રાક્ટરે આરોગ્ય મંત્રીના શહેર માટે ખાસ કિસ્સામાં નવી વાન લાવ્યો હોવાનો દેખાય કર્યો હતો. પરંતુ લોકાર્પણ બાદ અત્યારે ડોર ટુ ડોરમાં નવી વાન જોવા મળતી નથી. આ કોન્ટ્રાક્ટમાં વૈદ ગાંધીના હૈયારા જેવી શંકા સેવાઈ રહી છે. ટેન્ડરમાં દરેક મિલ્કતમાંથી ડોર ટુ ડોર કચરો લેવાની શરત છે. જ્યારે બજારમાં માર્કેટો તથા કેટલાક મહોલ્લામાં કચરા માટે વાન જોવા મળતી નથી. હાલની પરિસ્થિતિ એવી છેકે ૫૦ ટકા મિલ્કતોને ડોર ટુ ડોર સેવા મળતી નથી. જ્યારે ડોર ટુ ડોર કલેક્શનમાં શહેરમાં આવેલી તમામ મિલ્કતોની સંખ્યા પ્રમાણે બીલ ચુકવાય છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમાં સ્વચ્છતાની સુદ્‌ઢ સેવાઓ માટે વિસનગર પાલિકા દ્વારા પર પ્રોપર્ટી પર ડે ના ડોર ટુ ડોરના ભાવોની વહીવટી મંજુરી લઈ આરસીએમ પાસે મંજુરી કરાવી ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે લગભગ એક કરોડ રૂપિયા ઉપરાંત્તની રકમનુ આ ટેન્ડર છે. સુરતની કરણી કોર્પોરેશન નામની એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ એજન્સીએ આરોગ્ય મંત્રીના શહેરમાં સ્વચ્છતા અંતર્ગત સારામાં સારી સેવાઓ મળી રહે તે માટે ડોર ટુ ડોર કલેક્શનની નવી ૧૮ વાન ખાસ વિસનગર માટે ખરીદી હતી. જેમાંથી ૧૩ વાન તૈયાર થઈને આવતા તા.૯-૮-૨૦૨૫ ના રોજ પાલિકા ભવનમાં આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીએ લીલી ઝંડી આપી ડોર ટુ ડોર ૧૩ વાનને શહેરની સેવા માટે અર્પણ કરી હતી. આરોગ્ય મંત્રી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, સ્વચ્છતાના ચેરમેન જગદીશભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પીનાબેન શાહ તથા કોર્પોરેશનની ઉપસ્થિતિમાં કચરા કલેક્શનના સ્પીકર વગાડતી ૧૩ વાન રવાના થઈ હતી. આ વાન રૂા.૧.૨૫ કરોડ ઉપરાંત્તના ખર્ચે કોન્ટ્રાક્ટરે નવી ખરીદી હોવાનુ કહેવાતુ હતુ. જોકે વાર્ષિક એક કરોડ ઉપરાંત્તના ટેન્ડરમાં રૂા.૧.૨૫ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરે સ્પેશ્યલ આરોગ્ય મંત્રીના શહેર માટે વાન ખરીદી હોવાની વાત ગળે ઉતરતી નહોતી.
જાણવા મળ્યા પ્રમાણે આરોગ્ય મંત્રીએ લીલી ઝંડી આપ્યા બાદ લગભગ પંદરેક દિવસમાંજ એક પછી એક નવી વાન શહેરમાંથી અદ્રશ્ય થઈ ગઈ હતી. જે નવી ૧૩ વાનનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તેમાંથી મોટાભાગની વાન અત્યારે જોવા મળતી નથી. વિસનગર પાલિકામાં ડોર ટુ ડોરનુ નવુ ટેન્ડર લઈ ફક્ત દેખાવ કરવા માટે કોન્ટ્રાક્ટરે નવી વાન વિસનગર માટે ખરીદી હોવાનુ નાટક કર્યુ હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે.
મહત્વની બાબત તો એ છેકે પર પ્રોપર્ટી પર ડેના ડોર ટુ ડોરના ભાવોની વહીવટી મંજુરી લઈને ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. એટલે કે શહેરની તમામ મિલ્કતોને ડોર ટુ ડોરનો લાભ આપવાની ટેન્ડરમાં શરત છે. ત્યારે શહેરના મોટાભાગની કોમર્શીયલ મિલ્કતો એટલે કે માર્કેટો અને દુકાનો આગળ ડોર ટુ ડોરની વાન ઉભી રહેતી નથી. શહેરના એવા ઘણા મહોલ્લા કે શેરીઓ છે જ્યા ડોર ટુ ડોર વાનનો લાભ મળતો નથી. એક અંદાજ પ્રમાણે શહેરની ૫૦ ટકા મિલ્કતોને ડોર ટુ ડોર સેવાનો લાભ મળતો નથી. જ્યારે ટેન્ડરની શરત પ્રમાણે બીલ ૧૦૦ ટકા મિલ્કતોનુ ચુકવાય છે. ડોર ટુ ડોર નવા કોન્ટ્રાક્ટરની આ સેવા શહેરના લોકો માટે ચાલી રહી છેકે લાગતા વળગતાઓના લાભ માટે ચાલી રહી છે તેવી શંકા ઉપજાવતા પ્રશ્નો થઈ રહ્યા છે.