Select Page

વિસનગરમાં કપાસિયા તેલમાં ભેળસેળ કરતા વેપારીઓ સક્રિય

વિસનગરમાં કપાસિયા તેલમાં ભેળસેળ કરતા વેપારીઓ સક્રિય

દિવાળીના તહેવારોમાં વધુ નફો મેળવવાની લાલચમાં

  • અગાઉ મહેસાણા ફૂડ વિભાગની રેડમાં ગુંજા રોડ ઉપર આવેલ એક ફેક્ટરીમાંથી ભેળસેળવાળું અખાધ તેલ પકડાયુ હતુ

નવરાત્રિના પાવન પર્વથી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે.અને હવે દિવાળીના આડે ગણતરીના દિવસો બાકી છે.દિવાળીના તહેવારોમાં અવનવી વાનગીઓ બનાવવા લોકો તેલની ખરીદી કરે છે.ત્યારે તેલના ભેળસેળિયા વેપારીઓ કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલિન તેલની ભેળસેળ કરી લોકોને છેતરી રહ્યા છે.વિસનગરમાં તેલના કેટલાક વેપારીઓ કપાસિયા તેલમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું ચર્ચાય છે.અગાઉ મહેસાણા ફૂડ વિભાગની તપાસમાં વિસનગરના ગુંજા રોડ ઉપર આવેલ તેલના એક વેપારી કપાસિયા તેલમાં ભેળસેળ કરતા ઝડપાતા આ વેપારીને મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ત્યારે સરકાર લોકોના આરોગ્યની ચિંતા કરી વિસનગરમાં ભેળસેળિયા તેલના વેપારીઓના ત્યાં તપાસ કરે તેવી લોકોની માગણી છે.
દિવાળીના તહેવારોમાં ફૂડ વિભાગની તપાસમાં ખાદ્ય તેલમાં ભેળસેળના કૌભાંડ બહાર આવતા હોય છે. ફૂડ વિભાગના અધિકારીઓ ખાધતેલમાં ભેળસેળ કરતા ઉત્પાદકો અને કંપનીઓ વિરુદ્ધ સેમ્પલ લેવાથી માંડીને દંડ અને કેસ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરે છે.પરંતુ વેપારીનું ફૂડ વિભાગનું લાયસન્સ રદ કરતા નથી.જેના કારણે તેલના વેપારીઓ કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલિન તેલનું ભેળસેળ કરી ગ્રાહકોની આંખમાં ધૂળ નાખી લાખો કરોડો રૂપિયાનો નફો રળી લેતા હોય છે.ગુજરાતમાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા દસ વર્ષમાં તેલમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટલાય વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.પરંતુ તેમના લાયસન્સ કેમ રદ કરવામાં આવતા નથી તે મોટો સવાલ છે.અત્યારે વિસનગર તાલુકાના લોકો દિવાળીના તહેવારોમાં વિવિધ પ્રકારની શુદ્ધ વાનગીઓ બનાવવા માટે કપાસિયા તેલને શુદ્ધ તેલ માની સસ્તામાં ખરીદી રહ્યા છે.પરંતુ ગ્રાહકોને ખબર નથી હોતી કે તેઓ જે બ્રાન્ડનું કપાસિયા તેલ ખરીદી રહ્યા છે તે સોયાબીન અને પામોલિનની ભેળસેળવાળું આરોગ્યને હાનિકારક તેલ છે.અગાઉ મહેસાણા ફૂડ વિભાગની તપાસમાં ગુંજા રોડ ઉપર આવેલ એક કંપનીમાંથી ભેળસેળવાળુ કપાસિયા તેલ પકડાયું હતું.ત્યારે ફૂડ વિભાગે તેલનું ઉત્પાદન કરતા આ વેપારીને મોટી રકમનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી હતી.છતાં આજે તેલના વેપારીઓ વધુ નફો મેળવવાની લાલચમાં તેલમાં ભેળસેળ કરી રહ્યા હોવાનું ચર્ચાય છે.ત્યારે ગાંધીનગર ફૂડ વિભાગના અધિકારીઓ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના શહેર વિસનગરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તેલના અગાઉ પકડાયેલા ભેળસેળીયા વેપારીઓના ત્યાં અચિંતી તપાસ હાથ ધરે તેવી લોકલાગણી છે.