દૂધસાગર ડેરીની ચુંટણીના પડઘમ વાગતા ઉમેદવારો મેદાનમાં
ખેરાલુ,સતલાસણા અને વડનગર-વિજાપુર સીટમા ભાજપનો મેન્ડેટ મેળવવા લોબિંગ શરૂ
દૂધસાગર ડેરીની ચુંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખેરાલુ-સતલાસણા સીટમા એક પુરુષ અને એક મહિલાને ભાજપ મેન્ડેટ આપે તેવી શક્યતાઓ જોવા મળી છે. વડનગર વિજાપુર સીટમા બન્ને પુરુષોને મેન્ડેટ મળશે, ગત ટર્મમા અશોકભાઈ ચૌધરીના વાવાઝોડામા પણ વડનગર-વિજાપુર સીટ સરળતાથી વિપુલભાઈ ચૌધરી ગ્રૃપ જીતી ગયુ હતુ. આ વખતે વિપુલભાઈ ચૌધરીને બે વર્ષ કરતા વધુ સમયની સજા થઈ હોવાથી દૂધસાગર ડેરીની ચુંટણી ન લડી શકે તેવા નીચલી કોર્ટના હુકમને હાઈકોર્ટમા પડકારવામા આવ્યો છે. જો હાઈકોર્ટ વિપુલભાઈ ચૌધરીને ચુંટણી લડવા પરમીશન આપશે તો દૂધ સાગર ડેરીની ચુંટણીમા કાંટાની ટક્કર થશે.
ખેરાલુ-સતલાસણા સીટ માટે અત્યારથી સોગઠા ગોઠવાઈ ગયા છે. આ સીટ ઉપર દાવેદારો પણ વધુ છે. ખેરાલુ-વિધાનસભામા વિપુલભાઈ ચૌધરીનુ વર્ચસ્વ અકબંધ છે. જેથી ભાજપના મેન્ડેટ સામે જો વિપુલભાઈ ચૌધરી ચુંટણી લડશે તો તેમને કોઈ હરાવનાર નહી હોય તે નિશ્વિત મનાય છે. ગત ટર્મમા વિપુલભાઈ ચૌધરીની ગેર હાજરીમા સરળનાથી જીત મળી હતી. આ વખતે વિપુલભાઈ ચૌધરી જો પોતે ઉમેદવાર હોય તો કાંટાની ટક્કર થશે. ખેરાલુ-સતલાસણા સીટમા સંભવીત ઉમેદવારો જોઈએ તો સહકારી ક્ષેત્રમા જેમની મજબુત પકડ છે તેવા ખેરાલુ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેનના પતિ તથા નિવૃત ડી.વાય.એસ.પી એમ.ડી. ચૌધરી, દૂધસાગર ડેરીના પૂર્વ ડિરેક્ટર દિનેશભાઈ ચૌધરી (મોટી હિરાવાણી), ખેરાલુમા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જેમને વર્તમાન ધારાસભ્ય સાથે બીજા ધારાસભ્ય તરીકેની જવાબદારી આપી છે તેવા પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, રાકેશભાઈ ચૌધરી (વિઠોડા), ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ખેરાલુ વિધાનસભામા યુવા નેતા તથા અયોધ્યા પદયાત્રા કરનાર શ્રીરામના સેવક પવનભાઈ ચૌધરીના નામો ચાલે છે. સતલાસણામા સતલાસણા એપીએમસીના ચેરમેન તથા ગઢવાડાના ગાંધી સ્વ.કે.પી.ઠાકોર સાહેબના પુત્ર વિરેન્દ્રસિંહ ઠાકોર, સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ચૌધરી (જસપુરીયા)ની પત્નીનુ નામ ડિરેક્ટર પદની હોડમા ચાલી રહ્યુ છે.
વડનગર વિજાપુર સીટ ગત ટર્મમા વિપુલભાઈ ચૌધરીની પેનલ સાથે અકબંધ રહેતા દશરથભાઈ જોષી (મઢાસણા) તથા કમલેશભાઈ પટેલ (હસનાપુર તા.વિજાપુર) ૧૧મતની લીડથી જીત્યા હતા. ગત ટર્મની ચુંટણીમા વિપુલભાઈ ચૌધરીએ ૧૧ર ગામમા એક બ્રાહ્મણ મત હતો ચાર તાલુકાના ૧૧ર ગામોમા ૩૯ પટેલ, ર૦ ઠાકોર, ૧૪ ચૌધરી, ૧૦ રાજપુતો અને ૭ મુસ્લીમો હતા છતા વિપુલભાઈ ચૌધરીના સમર્થનથી દશરથભાઈ જોષી અને કમલેશભાઈ પટેલ જીત્યા હતા. આ વખતે વિપુલભાઈ ચૌધરી ભલે ચુંટણી ન લડી શકે પણ વિપુલભાઈ ચૌધરી જે ઉમેદવાર ઉભા રાખશે તેમા કાંટાની ટક્કર થશે તેવુ દશરથભાઈ જોષીનુ કહેવુ છે. વડનગર-વિજાપુર સીટમા ડિરેક્ટરપદના દાવેદારો જોઈએ તો અગ્રણી બિલ્ડર એન.ડી.ચૌધરી (ઊણાદ) દૂધ સાગર ડેરીના પૂર્વ ડિરેક્ટર તથા ખેરાલુ વિધાનસભાના અગ્રણી ભાજપી આગેવાન ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ ચૌધરી (વઘવાડી), પ્રહલાદભાઈ ચૌધરી (ગોરીસણા), જગતસિંહ ચૌહાણ (છેલપુરા) પ્રવિણભાઈ પટેલ (રણસીપુર) તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરેમન રાજુભાઈ પટેલના નામો ચર્ચાય છે.
દૂધ સાગર ડેરીમા આ વખતે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામા આવશે જેથી ભાજપના નેતાઓ ઉમેદવારનો જાહેરમા વિરોધ કરી શકશે નહી. મેન્ડેટ મેળવવા માટે અત્યારથી લોબિંગ શરુ થઈ ગયુ છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પોતે ઉમેદવાર હોવાથી લોકોમા ઉત્સુક્તા વધી ગઈ છે.