માધ્યમિક શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્ત કરવા રજુઆત
મહેસાણા જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા
- ધો.૧૦ અને ૧૨ના શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્ત કરવામાં નહી આવે તો બોર્ડની પરિક્ષાના પરિણામ ઉપર તેની માઠી અસર પડી શકે છે
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમગ્ર મહેસાણા જીલ્લાના શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO) ની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં માધ્યમિક શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી સોંપતા ધો.૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર તેની મોટી અસર પડી રહી છે. ત્યારે મહેસાણા જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘે બાળકોનુ શિક્ષણકાર્ય ન બગડે તે માટે માધ્યમિક શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્ત કરવા તેમજ વૈકલ્પીક વ્યવસ્થા કરવા જીલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં શિક્ષકોને ન્યાય નહી મળે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની શિક્ષક સંઘે ચિમકી ઉચ્ચારી છે.
ગુજરાતમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમગ્ર રાજ્યના શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં સૌથી વધુ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના ઓર્ડર થતા શિક્ષકોમાં ભારે રોષ ઉભો થયો છે. બી.એલ.ઓ.ની કામગીરીથી બાળકોનું શિક્ષણકાર્ય બગડી રહ્યુ હોવાનો શિક્ષકો રોષ ઠલવી રહ્યા છે. જેમાં મહેસાણા જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનુ શિક્ષણ ન બગડે તે માટે માધ્યમિક શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્ત કરવા તેમજ બી.એલ.ઓ.ની કામગીરી માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા મહેસાણા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. જેમાં શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યુ કે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષાના પરિણામ ઉપર તેની માઠી અસર પડી શકે છે. બી.એલ.ઓ.ની કામગીરીના કારણે શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે. ત્યારે શાળામાં બાળકોનુ શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્ત કરવા અથવા વૈકલ્પીક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જો આ રજુઆતમાં શિક્ષકોને સંતોષકારક ન્યાય આપવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ માધ્યમિક સંઘે ચિમકી ઉચ્ચારી છે.