Select Page

સતલાસણામાં આવાસ યોજનામાં મોટુ કૌભાંડ થયાની ચર્ચા

સતલાસણામાં આવાસ યોજનામાં મોટુ કૌભાંડ થયાની ચર્ચા

સરકારી યોજનામાં મકાન ન બનાવ્યુ હોય તેવા લોકોને લાભાર્થી બતાવી

  • સતલાસણા તાલુકામાં અધિકારી અને કર્મચારીઓની મિલીભગતથી ઘરવિહોણા સાચા લાભાર્થીઓ સાથે તૈયાર મકાન ધરાવતા લાભાર્થીનુ નામ સર્વેમાં દર્શાવવામાં આવ્યુ હોવાની ચર્ચા

સતલાસણા તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓની મિલીભગતથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલાક ગામોમાં ખોટો સર્વે કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ચર્ચાય છે. છતાં આ વાત ભાજપના સ્થાનિક આગેવાનોના કાને પહોંચી નથી. ત્યારે સરકાર આ મામલે ઉડી તપાસ કરે તો ભ્રષ્ટાચારમાં કયા અધિકારી અને કર્મચારીના હાથ ખરડાયેલા છે તેનો પર્દાફાશ થશે.
કેન્દ્ર સરકારે ઘરવિહોણા ગરીબ પરિવારોને પોતાના ઘરનું સપનું પુર્ણ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. સરકારની આ જન કલ્યાણકારી યોજનાનો લાખ્ખો ઘરવિહોણા પરિવારોએ લાભ લીધો હતો. જેમાં સતલાસણા તાલુકા પંચાયત દ્વારા અગાઉ તાલુકાના ગામોમાં ઘરવિહોણા પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં PMAY શાખાના કર્મચારીઓએ મોટા કોઠાસણા, નવા સુદાસણા, ભીમપુર, ધરોઈ સહિત અન્ય ગામોમાં તૈયાર મકાનનો સર્વે કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ચર્ચાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે સરકાર ઘરવિહોણા પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે રૂા.૧.૨૦ લાખ, સ્વચ્છ ભારત મિશન યોજનામાં શૌચાલય બનાવવા રૂા.૧૨,૦૦૦ તથા મનરેગા યોજનામાં મકાનની મજુરી પેટે રૂા.૨૩,૦૦૦ મળી કુલ રૂા.૧,૫૫,૦૦૦ સહાય આપે છે. પરંતુ સરકારની આ ગરીબલક્ષી યોજના ઉપર ભ્રષ્ટાચારી બાબુઓનો સતત ડોળો રહેતો હોવાથી ઘર વિહોણા સાચા લાભાર્થીઓને અન્યાય થાય છે. સતલાસણા તાલુકામાં પણ કંઈક આવુ જ બન્યુ છે. આ તાલુકામાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી ઘરવિહોણા સાચા લાભાર્થીઓની સાથે તૈયાર મકાન ધરાવતા લાભાર્થીઓનું નામ પણ સર્વેમાં દર્શાવવામાં આવ્યુ હતુ. જેમાં તૈયાર મકાન ધરાવતા લોકોને સરકારની PMAYનો લાભ આપવા માટે વ્યવહારો પણ થયા છે. જેના કારણે આજે કેટલાક ઘરવિહોણા સાચા પરિવારોને સરકારની PMAYનો લાભ મળ્યો નથી. ત્યારે સરકાર આ તાલુકામાં જેટલા લાભાર્થીઓએ PMAYનો લાભ લીધો છે તેની સાચી દિશામાં ઉંડી તપાસ કરે તો PMAY યોજનાનું મોટુ કૌભાંડ બહાર આવે તેવી પુરેપુરી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, કેન્દ્ર સરકારની PMAY યોજનામાં ઘરવિહોણા લાભાર્થીઓને ત્રણ તબક્કામાં સહાયનો હપ્તો ચુકવવામાં આવે છે. જેમાં લાભાર્થીઓના મકાનનું કામ ક્યાં સુધી પહોચ્યુ તેનુ તાલુકા પંચાયત દ્વારા નિરિક્ષણ કરાય છે. મકાનના ફોટા કોમ્પ્યુટરમાં અપલોડ કરવામાં આવે છે.ત્યારે તૈયાર મકાન ધરાવતા લાભાર્થીઓને સરકારી સહાયોનો લાભ આપવા માટે કર્મચારીઓએ મકાનની કામગીરીના ફોટા કેવીરીતે બતાવ્યા છે તેની તપાસ થાય તો કયા અધિકારી અને કર્મચારીના હાથ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા છે તેનો પર્દાફાશ થશે. આ સાથે તાલુકા પંચાયતના કયા કર્મચારી નોકરીની સાથે મનરેગા યોજનાના કામો કરી રહ્યા છે તેની પણ તપાસ જરૂરી છે.