પાણીના કનેક્શનમાં વોટર મીટર-રિડ્યુસર લગાવવા વિચારણા
ચીફ ઓફીસરની પાણીનો બગાડ અટકાવવા કવાયત – ૧૦૦ ઉપરાંત્ત કનેક્શન કાપ્યા
- વહેલી સવારે ૫-૩૦ કલાકે ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીની પાલિકા ટીમ સાથે સઘન તપાસ
- મોટરથી પાણી ખેચતા હોય કે પાણીનો વેડફાટ કરનારની બાતમી આપનારનુ નામ ગુપ્ત રાખવામાં આવશે
વિસનગર પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ પાણીનો વેડફાટ કરનાર સામે લાલ આંખ કરી છે. વહેલી સવારે પાણીના સમયે ચીફ ઓફીસર પાલિકા ટીમ સાથે નીકળી સઘન તપાસ શરૂ કરી છે. જે લોકો પાણીનો બગાડ કરવા ટેવાયેલા છે તેમના કનેક્શન કાપતા અત્યારે કોટ વિસ્તારના મોટાભાગના રોડ ચોખ્ખા ચણક જોવા મળી રહ્યા છે. ચીફ ઓફીસરની આ કામગીરીને શહેરના લોકો સરાહના કરી રહ્યા છે.
વિસનગર માયાબજારને ગટરના પાણીની ગંદકીથી મુક્ત કરવા માટે છેલ્લે પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીને ફિલ્ડમાં ઉતરવુ પડ્યુ હતુ. જેમની દેખરેખમાં બાપુના ચોરાથી ભૂતવાડા તરફના રોડ ઉર ગોસાવાડના નાકે ગણપતિદાદાના મંદિર સામેની ઉભરાતી ગટર સાફ થતા આ સમગ્ર વિસ્તાર ગટરના પાણીની દુર્ગંધમાંથી મુક્ત થયો છે. ગટરના પાણીની સાથે પીવાના પાણીના વેડફાટથી પણ શહેરના ઘણા વિસ્તારમાં બારેમાસ ગંદકી થતી હતી. પાણીનો વ્યય કરનાર લોકોને વારંવાર સૂચના આપવા છતા સુધરવાનુ નામ લેતા નહોતા. કેટલાક લોકો એવા પણ હતા કે પાલિકા કર્મચારીઓને ગાઠતા નહોતા. પાણીના બગાડ સાથે સતત ગંદકી રહેતી હોવાથી તા.૯-૧૧-૨૦૨૫ ને રવિવારથી ચીફ ઓફીસરે પાલિકા ટીમ સાથે જે વિસ્તારોમાં વધુમાં વધુ પાણીનો બગાડ થતો હતો તે વિસ્તારમાં સઘન ચેકીંગ શરૂ કર્યુ છે. શિયાળાની ઠંડીમાં પાણીના સમયે વહેલી સવારે ૫-૩૦ કલાકે ચીફ ઓફીસર પાલિકા કર્મચારીઓની ટીમ સાથે નીકળે છે અને પાણીનો બગાડ કરનારનુ કનેક્શન કાપવામાં આવે છે. પાણીના બગાડથી બારેમાસ સીસી રોડ ઉપર પાણીના રેલા જોવા મળે છે તે ગુંદીખાડ મનારો, ભાટવાડો, ગુંદીખાડ પરૂ, આથમણો ઠાકોરવાસ, બુલા રોડ, બાપુનો ચોરો, સુથારનો માઢ, ગોસાવાડ, નારાયણદાસ પટેલની પોળ, નાની વ્હોરવાડ, ફતેહ દરવાજા, ફતેહ દરવાજા રબારીવાસ, રંગરેજની પોળ, નવોવાસ, લાલ દરવાજા, વડનગરી દરવાજા વિગેરે વિસ્તારમા લગભગ ૧૦૦ જેટલા કનેક્શન કાપવામાં આવ્યા છે. પાણી એ જીવન જરૂરીયાતની વસ્તુ છે. તેના વગર ચાલે તેમ ન હોઈ જેના કનેક્શન કપાયા તે દંડ ભરીને કનેક્શન ચાલુ કરાવી રહ્યા છે. ચીફ ઓફીસરની આ ડ્રાઈવથી ગામતળના જે વિસ્તારોના રોડ બારેમાસ વેડફાયેલા પાણીની ગંદા જોવા મળતા હતા તે અત્યારે સ્વચ્છ જોવા મળી રહ્યા છે.
ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે જેમના કનેક્શન કપાયા છે અને દંડ ભરીને ફરીથી ચાલુ કરાયા છે તે હવે પાણીનો બગાડ કરતા પકડાશે તો કનેક્શન ધારકના ખર્ચે અને જોખમે વોટર મીટર લગાવવામાં આવશે. પર વ્યક્તિ ૧૪૦ લી. પાણી આપવામાં આવે છે. ત્યારે ઘરમાં રહેતા લોકો કરતા વધારે પાણીનો વપરાશ જણાશે તો કનેક્શનમાં પ્રેશર ઘટાડવા રિડ્યુસર મુકવામાં આવશે. જેમનુ કનેક્શન એક વખત કપાયુ છે તેવા કનેક્શન ધારકના ત્યા આ કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે. ચીફ ઓફીસરે વધુમા એ પણ જણાવ્યુ હતુ કે, શહેરમાં ઘણા લોકો મોટરો મુકીને પાણી ખેચે છે અને પાણીનો બગાડ કરે છે. જેની જાણ કરવામાં આવશે તો કનેક્શન કાપવામાં આવશે. મોટરો મુકીને પાણી ખેચનારનુ કે પાણીનો બગાડ કરનારની માહિતી આપનારનુ નામ ગુપ્ત રાખવામાં આવશે.