Select Page

હિરાવાવ પાસેના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો તાલુકા સ્વાગતમા

હિરાવાવ પાસેના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો તાલુકા સ્વાગતમા

કોર્પોરેટરને પાલિકામાંથી માહિતી મેળવવામા ફાંફા

વિસનગરમા કડા રોડ ઉપર ઐતિહાસિક હિરાવાવ પાસે થયેલા ગેરકાયદેસર બાંધકામ બાબતે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો થઈ રહી છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકાના કોર્પોરેટર દ્વારા એક વખત નહી પરંતુ અનેક વખત પાલિકામા લેખીત અરજી આપી છે. પરંતુ મહિલા કોર્પોરેટર કે તેમના પતિને કોઈ માહિતી આપવામા આવતી નથી કે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. પાલિકા તંત્ર નહી ગણકારતા છેવટે તાલુકા સ્વાગત કાર્યક્રમમા રજૂઆત કરવામા આવી છે. આગામી તાલુકા સ્વાગત કાર્યક્રમમા આ વિવાદીત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ચમકશે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની નિશ્રામા વિસનગર શહેર અને તાલુકામા લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચેે વિકાસ કામ થઈ રહ્યા છે. પરંતુ જે બાંધકામ ભવિષ્યમા વિકાસમા નડતરરૂપ બને તેમ છે. તેવા ગેરકાયદેસર બાંધકામ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી. કડા રોડ ઉપર શહેરની ઐતિહાસિક હિરાવાવ આવેલી છે. શહેરનુ હેરીટેજ સ્થળ કહી શકાય પરંતુ પાલિકાની નિષ્કાળજીથી આ ઐતિહાસિક વાળ લુપ્ત થવાના આરે છે. વાવની બાજુમા આવેલ માર્જીનની જગ્યામા ગેરકાયદેસર દુકાનો બનાવવામા આવી છે. જેની કોઈ મંજુરી પાલિકામાંથી મેળવી હોય તેવુ જાણમા નથી. નાવી કન્યા વિદ્યાલય સામે નવુ બનેલુ માર્કેટ મેઈન રોડથી લગભગ ૩૦થી ૪૦ ફુટ જેટલુ અંદર છે ત્યારે હિરાવાવ પાસે મેઈન રોડની પાસે બનેલી દુકાનો કાયદેસર હોઈ શકે નહી.
આ દુકાનો કડા તરફ જતા મુખ્ય હાઈવે ઉપર આવેલી છે. દુકાનો ચાલુ થશે અને તેના વાહનો રોડ ઉપર પાર્ક થશે ત્યારે ટ્રાફીકને અડચણરૂપ બનશે. અત્યારે શહેરમા ટ્રાફીક સમસ્યા વકરી છે. ત્યારે ભવિષ્યમા મેઈન રોડ ઉપર વાહનો પાર્કિંગથી અડચણ થાય તેવા બાંધકામો સામે કોઈ કાર્યવાહી થતી નથી. આ ગેરકાયદેસર બાંધકામ વિરૂધ્ધ પાલિકા સભ્ય કૈલાસબેન કડીયા અને તેમના પતિ સામાજીક કાર્યકર ગૌતમભાઈ કડીયા દ્વારા તા.ર૦-૮-ર૪થી તા.૩-૯-રપ સુધીમા અનેક વખત પાલિકામા લેખીત રજૂઆત કરી છે. દુકાનોના બાંધકામ માટે ક્યારે પરવાનગી માગી, મેઈન રોડથી કેટલુ છોડવુ પડે તેવી વિવિધ માહિતી પણ માગવામા આવી છે. પરંતુ પાલિકા દ્વારા મહિલા કોર્પોરેટરને એકપણ જવાબ આપવામા આવ્યો નથી ત્યારે સામાન્ય લોકોને તો પાલિકા શુ જવાબ આપતી હશે ? એક મહિનામા પાલિકાએ બાંધકામ માટે કોઈ પરવાનગી લીધી નથી તેવો જવાબ આપ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ટાઉન પ્લાનીંગમા કોના આશીર્વાદ થી મંજુરી વગર બાંધકામ થઈ ગયુ. ટાઉન પ્લાનીંગમા કાયદેસરના બાંધકામ માટે મંજુરી માંગવામા આવે તો ઘણા દસ્તાવેજ માંગવામા આવે છે. ત્યારે ગેરકાયદેસર બાંધકામ મંજૂરી વગર થઈ ગયુ તેમા કેટલી લેતી દેતી થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે.
વિસનગર પાલિકામાં સત્તાધારી ભાજપના મહિલા સભ્યની ગેરકાયદેસર બાંધકામ સામેની રજૂઆત નહી સંભળતા આ બાબતે મામલતદાર, જિલ્લા કલેકટર, પ્રાદેશિક કમિશ્નર, મુખ્યમંત્રી તથા પી.એમ.ઓ સુધી રજૂઆત કરવામા આવી છે. પાલિકાના મહિલા સભ્ય દ્વારા છેલ્લે તાલુકા સ્વાગત કાર્યક્રમમા રજૂઆત કરવામા આવતા તા.ર૬-૧૧-ર૦રપ ના તાલુકા સ્વાગતમા આ વિવાદીત ગેરકાયેદસર બાંધકામનો મુદ્દો ચર્ચાશે.