Select Page

પ્રકાશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ વેવાઈ બની મોં મીઠુ કર્યુ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનો યાદગાર પ્રસંગ ઉજવાયો

પ્રકાશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ વેવાઈ બની મોં મીઠુ કર્યુ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનો યાદગાર પ્રસંગ ઉજવાયો

બ્લડ બેંકના લાભાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનો અદ્‌ભૂત નજારો જોવા મળ્યો હતો. પ્રકાશભાઈ પટેલ પરિવાર રૂક્ષ્મણીજી કન્યા પક્ષના અને રાજુભાઈ પટેલ પરિવાર શ્રીકૃષ્ણ વર પક્ષના યજમાનનો લાભ લીધો હતો. જ્યારે સ્વ.રૂગનાથભાઈ મુળાભાઈ રબારી પરિવારે મામેરાનો લાભ લીધો હતો. કન્યા પક્ષ અને વર પક્ષ વાગતા ઢોલે કથા સ્થળે પધાર્યા હતા. જ્યારે મામેરા પક્ષના યજમાને ભવ્ય શોભાયાત્રા સાથે મામેરૂ કર્યુ હતુ.
સ્વ.રૂગનાથભાઈ મુળાભાઈ રબારી પરિવારે ભવ્ય શોભાયાત્રા સાથે
પાંચ લાખનુ મામેરૂ કર્યુ
બ્લડ બેંકના લાભાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમા શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ યાદગાર બની ગયો હતો. આ પ્રસંગ જેમને નહી જોયો હોય તેમને જરૂર વસવસો રહેશે. સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સંસ્થામાં નૂતન મેડિકલ કોલેજની બ્લડ બેન્ક હોવા છતા સર્વ સમાજની વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના વિકાસમાં તન, મન, ધનથી સહયોગ આપ્યો છે. પ્રકાશભાઈ પટેલે રૂા.૫૧ લાખનુ દાન બ્લડ બેન્કમાં આપ્યુ છે. રૂક્ષ્મણી વિવાહમાં પ્રકાશભાઈ પટેલ અને તેમના પત્ની આરતીબેન પટેલ કન્યા પક્ષના યજમાન બન્યા હતા. જેમને જે ઉત્સાહ દાખવ્યો તે લગ્નપ્રસંગથી ઓછો નહોતો. શેરવાની, કોટ અને સાફા પહેરી કન્યા પક્ષના યજમાનો ઢોલ નગારા અને શહેનાઈ સાથે મંડપમાં પ્રવેશ કરતા અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો. કન્યા પક્ષના આ યજમાનોને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા. જ્યારે વોલન્ટરી બ્લડ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલ શ્રીકૃષ્ણ વર પક્ષના યજમાન બન્યા હતા. શુટ, બુટ અને સાફામાં સજ્જ થઈ રાજુભાઈ પટેલ સહિતના જાનૈયાઓ બેન્ડ વાજા સાથે નાચતા ગાતા મંડપમાં પ્રવેશ્યા હતા. જ્યા કન્યા પક્ષના યજમાનોએ વરપક્ષના યજમાનોનુ સ્વાગત કર્યુ હતુ. પ્રકાશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલે એક બીજાનું મોં મીઠુ કરાવી યજમાન બનેલા વેવાઈનો રીવાજ અદા કર્યો હતો.

જ્યારે સ્વ.શ્રી રૂગનાથભાઈ મુળાભાઈ રબારી તથા સ્વ.માલીબેન રૂગનાભાઈ રબારી સમસ્ત પરિવારે રૂક્ષ્મણજીની મામેરાના યજમાન બન્યા હતા. પાલિકાના પૂર્વ પ્રમુખ લાલાભાઈ રબારી હંમેશા સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં યોગદાન આપે છે.

સ્વ.રૂગનાથભાઈ રબારીના ચાર પુત્ર વિરમભાઈ રબારી, લાલાભાઈ રબારી, કાનજીભાઈ રબારી અને જયરામભાઈ રબારીએ તેમના સરદાર સોસાયટીના નિવાસ્થાનેથી ડીજે સાથે મામેરાની શોભાયાત્રા કાઢી હતી. ગૌરવપથ રોડ, સવાલા દરવાજા, દિપરાના ઢાળ થઈ વાજતે ગાજતે કથા સ્થળે મામેરાની શોભાયાત્રા પહોચી હતી. આ પરિવારે રબારી સમાજના રિવાજ મુજબ રૂા.૫,૦૧,૦૦૦/-નું મામેરૂં, રૂા.૧૧,૦૦૦/- વાસણના તથા રૂા.૧૧,૦૦૦/- કપડાના મામેરામાં આપ્યા હતા. મામેરાની શોભાયાત્રામાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.