Select Page

કમોસમી વરસાદે ગેરરીતીનો રોડ ધોઈ નાખ્યો હવે તો મુખ્યમંત્રી આવશે તોજ ખાડા પૂરાશેને?

કમોસમી વરસાદે ગેરરીતીનો રોડ ધોઈ નાખ્યો હવે તો મુખ્યમંત્રી આવશે તોજ ખાડા પૂરાશેને?

ખાડામુક્ત વિસનગર શહેરની લોકોની આશાઓ ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યુ છે. ઘણા સમય બાદ દિવાળી ઉપર શહેરમાં ખાડા પુરાયા હતા. ત્યારે માવઠાના મારથી ગેરરીતીના રોડ ધોવાઈ જતા એમ.એન.કોલેજ રોડ ઉપર ફરી ખાડારાજ જોવા મળી રહ્યુ છે. શહેરના ખાડા પુરવા ભારે હોબાળા અને રજુઆત થઈ હતી. ત્યારે મુખ્યમંત્રી આવતા રાતોરાત ખાડા પુરાયા હતા. ફરીથી ખાડા પડતા સોશિયલ મીડિયામા લોકો ટીખ્ખળ કરી રહ્યા છેકે, “હવે તો મુખ્યમંત્રી આવશે તોજ ખાડા પુરાશેને?”
વિસનગરના હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર ખાડારાજથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરિસ્થિતિ તો ત્યા સુધી કથળી હતી કે લોકો વિસનગરને ખાડાનગર તરીકે ઓળખતા થઈ ગયા હતા. બહારગામથી આવનાર લોકો કટાક્ષ કરતા હતા કે, “તમારે તો વિસનગરમાં જબરો વિકાસ થાય છે.” ખાડા તો એપ્રિલ-મે ૨૦૨૫ થી હતા. માર્ગ મકાન વિભાગ અને પાલિકાની લોકોને હેરાનગતી ન થાય તેવી લાગણીના અભાવથી ખાડા પુરાયા નહી. ત્યારબાદ ચોમાસુ શરૂ થતા પરિસ્થિતિ ત્યા સુધી વણસી કે ખાડા વગરના કયા રસ્તે થઈને પસાર થવુ તેની મુંજવણ અનુભવાતી હતી. શહેરમાં ખાડારાજના કારણે ટ્રાફીકની પણ સમસ્યા રહેતી હતી.
હાઈવે અને શહેરના મુખ્ય માર્ગોના ખાડા પુરાય તે માટે લોકોની માગણી ઉગ્ર બનતા તંત્રએ રોડ મરામતની કામગીરી ધીમી ગતિથી શરૂ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિસનગરમાં કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાથી યુધ્ધની ગતિએ હાઈવે અને શહેરના ખાડા પૂરવાનુ કામ શરૂ કર્યુ હતુ. શહેરના લોકોની સુવિધા માટે ખાડા પુરવાની કામગીરી જે રીતે ચાલતી હતી તે જોતા દિવાળી સુધીમાં ખાડા પુરાય તેવુ લાગતુ નહોતુ. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે તંત્રએ ખાડા પુરવા અને રોડ મરમ્મત કરવા ઉજાગરા કર્યા હતા.
શહેરના ખાડા પુરી રસ્તાઓની મરમ્મત થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ દિવાળી બાદ કમોસમી વરસાદ થતા હલકી ગુણવત્તાની કામગીરી ધોવાતા એમ.એન.કોલેજ રોડ ઉપર આકાશ હોસ્પિટલ આગળ ફરીથી મોટા ખાડા સર્જાયા હતા. પંડ્યાના નાળા પાસે અને મહાવિરનગર સોસાયટી આગળ કમોસમી વરસાદથી મોટા ખાડા પડતા ટ્રાફીકમાં ભારે અડચણ ઉભી થઈ રહી છે. શહેરના લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાની તંત્રની તિવ્ર ઈચ્છા શક્તિનો અભાવ હોવાથી શહેરના લોકો સોશિયલ મીડિયામાં કટાક્ષ કરતી કોમેન્ટ્‌સ કરી રહ્યા છેકે, “હવે તો મુખ્યમંત્રી આવશે ત્યારેજ ખાડા પુરાશે ને?”