જગદીશભાઈ મકવાણાની પ્રમાણિકતા-દાગીના સાથેનો થેલો પરત કર્યો
વિસનગરના કાંસા એન.એ.શુભલક્ષ્મી સોસાયટીમા રહેતા હોમગાર્ડ
પ્રમાણિક્તા એ દરેક વ્યક્તિના જીવનનું સૌથી કિંમતી ઘરેણુ છે. આજના સમયમાં પ્રમાણિક અને વફાદાર માણસો ભાગ્યેજ જોવા મળે છે. પાટણમાં રહેતા રાવળ ગીતાબેન ચંદ્રકાન્ત સોમવારે સવારે તેમના પતિ સાથે બાઈક ઉપર ગોઠવા તેમના પિયર જવા નિકળ્યા હતા. આ દરમિયાન સવારે ૧૦-૦૦ વાગે વિસનગર સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાસે બાઈકના હુકમા ભરાવેલો કપડાનો થેલો પડી ગયો હતો. આ સમયે એક્ટીવા લઈને પાછળ જઈ રહેલા વિસનગરના વિષ્ણુભાઈ ગોકળદાસ મોદીની નજર પડતા તેમને થેલો લઈને સવાલા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફીકની ફરજ બજાવતા હોમગાર્ડ જગદીશચંદ્ર કચરાભાઈ મકવાણા રહે. કાંસા એન.એ. શુભલક્ષ્મી સોસાયટીને આપ્યો હતો. ત્યારે જગદીશભાઈ મકવાણાએ આ થેલો શહેર પી.આઈ. કે.બી.પટેલને સોંપ્યો હતો. ત્યારબાદ પી.આઈ.કે.બી.પટેલે થેલાના મુળ માલિક ગીતાબેન રાવળને શોધી તેમની હાજરીમાં થેલો ખોલી તપાસ કરતા અંદરતી સોનાની કાનની બે બુટ્ટીઓ, સોનાની ચુની, પેંડલ, નથણી અને ચાંદીની લકી મળી આશરે દોઢ થી બે લાખ રૂપિયાના દાગીના પરત કર્યા હતા. કપડા અને દાગીના સાથે થેલો પરત મળતા ગીતાબેન રાવળ પોલીસ સ્ટેશનમાં રડી પડ્યા હતા અને દાગીનાનો થેલો પરત કરનાર પ્રમાણિક હોમગાર્ડ જવાન જગદીશભાઈ મકવાણાનો આભાર માન્યો હતો. જ્યારે પી.આઈ. કે.બી.પટેલ સહિત સ્ટાફે હોમગાર્ડ જગદીશભાઈ મકવાણાની પ્રમાણિક્તાને બિરદાવી હતી.