ભાજપના પૂર્વ કોર્પોરેટરો આપમાંથી ચુંટણી લડવાની ફિરાકમાં
પાલિકાની ચુંટણીમાં ટીકીટ નહી મળવાની શક્યતા જોતા
- કેટલાક પૂર્વ કોર્પોરેટરોએ તો પોતાના વિસ્તારમાં ખાણી પીણીના ખર્ચા પણ શરૂ કર્યા
વિસનગર પાલિકાના બોર્ડની મુદત પુરી થવામા હવે એક માસનો સમય બાકી રહ્યો છે. ત્યારે ચુંટણીની રાજ રમતની ચોપાટ ખેલાવાની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે ભાજપમાં કોઈ મત આપશે નહી અને ભાજપમાંથી ચુંટણી લડાય નહી તેવુ કહેવાવાળા વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરોએ ભાજપમાંથી ટીકીટ લેવાના સોગઠા ગોઠવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના ભાજપ સામેના જુવાળમાં પણ કોંગ્રેસ એકલુ ચુંટણી લડવા સક્ષમતા કેળવી શક્યુ નહોતુ અને વિકાસમંચના ટેકાથી ચુંટણી લડવી પડી હતી. ત્યારે આ વખતની ચુંટણીમાં કોંગ્રેસમાંથી પરિણામ મેળવવાનો વિશ્વાસ નહી હોવાથી ભાજપના કેટલાક વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો આપમાંથી ચુંટણી લડવાની ફિરાકમા હોવાનુ ચર્ચાતા પાલિકાની ચુંટણીને લઈ રાજકીય હિલચાલ તેજ બની છે.
વિસનગર પાલિકાની ગત ચુંટણીમાં ભાજપના ૩૧ અને કોંગ્રેસના પાંચ સભ્યો વિજેતા બન્યા હતા. ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા તા.૧૭-૩-૨૦૨૧ ના રોજ વર્ષાબેન એચ.પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જેથી પાલિકાની મુદત તા.૧૬-૩-૨૦૨૬ સુધીની ગણાય. પાલિકાની મુદત પુરી થવામા છે ત્યારે તંત્ર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ચુંટણીના પડઘમનો કોઈ નાદ સાંભળવા મળતો નથી. હાલમાં સંજોગો જોતા પાલિકાની ચુંટણી કદાચ બે મહિના પાછી ઠેલાય તેમ જણાય છે. મે મહિનાની ગરમીમા ચુંટણી થાય તેવી હાલની પરિસ્થિતિ ઉપરથી કહી શકાય. પરંતુ ચુંટણીમાં ટીકીટ લઈ ઉમેદવારીના દાવપેચ અત્યારથીજ શરૂ થઈ ગયા છે. શહેરમાં ચાલતા વિકાસ કામની હાલાકી ભોગવતા લોકોનો મિજાજ જોઈ ભાજપનાજ કેટલાક વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો કહેતા સાંભળવા મળતા હતા કે આ વખતે ભાજપને કોઈ મત આપશે નહી અને ભાજપમાંથી ચુંટણી પણ લડાય નહી. હવે આજ વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો ભાજપમાંથી ટીકીટ મળે તે માટે દોડધામ શરૂ કરી છે. કેટલાક પૂર્વ કોર્પોરેટર પોતાના માટે તો કેટલાક પોતાના પુત્ર માટે ટીકીટ માટે લોબીંગ શરૂ કર્યુ છે. જેમાંથી કેટલાકને આ વખતે ટીકીટ નહી મળવાનો અંદાજ આવી જતા હવે આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડવાની ફિરાકમા છે. આ સિનિયર વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો જાણેજ છેકે કોંગ્રેસને કોઈ સ્વિકારતુ નથી. જેથી પોતાના મત વિસ્તારમાંથી આપનુ ઝાડુ લઈ ભાજપની સફાઈ કરવા સોગઠા ગોઠવી રહ્યા છે. આપમાંથી ચુંટણી લડવાની તૈયારી કરનાર ભાજપના પૂર્વ કોર્પોરેટરો સાથે વિકાસમંચના પણ કેટલાક પૂર્વ કોર્પોરેટરોએ હાથ મિલાવ્યો છે.
પાટીદાર અનામત આંદોલન સમયે ભાજપ સામે પાટીદારોનો ભારે રોષ હતો. ભાજપને મત મળવાના નહોતા તેવુ સ્પષ્ટ ચિત્ર હોવા છતા કોંગ્રેસ આ તકનો લાભ ઉઠાવી શક્યુ નહોતુ અને ૨૦૧૫ ની ચુંટણીમાં વિકાસ મંચના સહકારથી ચુંટણી લડવી પડી હતી. ભાજપના પૂર્વ હોદ્દેદરો એ પરિસ્થિતિથી વાકેફ છેકે કોંગ્રેસને મતદારો સ્વિકારતા નથી. ગત વિધાનસભાની ચુંટણીમાં પણ આમ આદમી પાર્ટીને સફળતા મળી નહોતી. તેમ છતા ભાજપના આ હોદ્દેદારો ટીકીટ નહી મળવાની શક્યતા વિચારી આમ આદમી પાર્ટીમાંથી ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવાર કોણ છે તેના ઉપર મતદારોનો ઝોક રહે છે. જાણવા મળ્યા પ્રમાણે ભાજપના કેટલાક પૂર્વ કોર્પોરેટરોએ તો અત્યારથી પોતાના વિસ્તારમાં આગળ પડતા કાર્યકરો પાછળ ખાણી પીણીના ખર્ચા શરૂ કરી દીધા છે. ભાજપને ટક્કર આપવા આપ અને કોંગ્રેસ હાથ મિલાવે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ચુંટણી લક્ષી ગુપ્ત મીટીંગો શરૂ થતા પાલિકાનુ રાજકારણ ગરમાયુ છે.