Select Page

કોંગ્રેસને મનરેગા યોજનાનો નહીં પણ રામનો વિરોધ છે-મંત્રી ઋષિભાઈ પટેલ

કોંગ્રેસને મનરેગા યોજનાનો નહીં પણ રામનો વિરોધ છે-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો

  • મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હતો.હું એવું નથી કહેતો કે “જી રામ જી”યોજનામાં ભ્રષ્ટાચાર નહીં થાય.પણ નહિવત થશે-પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા
  • આજે ભારતની કૃષિ અને ઋષિ બે સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.સરકારે ભ્રષ્ટાચારનું તાળું મારવા મનરેગા યોજનાનું નામ બદલી “જી રામ જી” કર્યું છે-પ્રદેશ ભાજપ નેતા જયરાજસિંહ પરમાર

વિસનગર એપીએમસીના સરદારગંજના કોટન શેડ ખાતે શુક્રવારના રોજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત શ્રમિક સંવાદ સંમેલન યોજાયું હતું.આ પ્રસંગે મંત્રી ઋષિભાઈ પટેલ અને ભાજપના તેજાબી વકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસની મનરેગા યોજનાને ભ્રષ્ટાચારી યોજના હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકેલી નવી “જી રામ જી” યોજનાથી ગ્રામ્યના ખેડૂતો અને બેરોજગારોને થતા આર્થિક ફાયદાની જાણકારી આપી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ “જી રામ જી”(ય્ ઇછસ્ ય્)નામ આપ્યું તેમાં કૉંગ્રેસને વાંધો પડ્યો છે. કૉંગ્રેસને ગાંધીજીના નામની જગ્યાએ રામનું નામ કર્યું તેમાં પેટમાં દુઃખે છે.પરંતુ મનરેગા યોજના ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગઈ હતી.મનરેગાના નામે કોંગ્રેસના મળતીયાઓએ બહુ મજા કરી છે.પણ હવે જી રામ જી યોજનામાં માત્ર માટીકામ નહીં, પણ કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે.આ યોજનામાં ખાડા ખોદવાના બદલે પાકા મકાનો અને ગોડાઉનો બનશે.અને ગ્રામ્યના શ્રમિકોને ૧૦૦ દિવસના બદલે હવે ૧૨૫ દિવસની રોજગારી મળશે.વધુમાં મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે આજ સુધી મોદી સાહેબે દેશના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નિર્ણયો લીધા છે.અમેરિકાના ટેરિફ વોરમાં પણ તેમણે દેશના ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થવા દીધું નથી.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ ભારત સાથે વ્યાપારી સંબંધો નહીં રાખવાથી પોતાના દેશને કેટલું નુકસાન થશે તેની ચિંતા સતાવી રહી છે.વડાપ્રધાને દેશના ખેડૂતો અને પશુપાલકોની સતત ચિંતા કરી છે.અગાઉ કોંગ્રેસે અયોધ્યા રામમંદિરના નવનિર્માણ વખતે પણ વિરોધ કર્યો હતો.કોંગ્રેસને મનરેગા યોજનાનો નહીં પણ રામનો વિરોધ છે.જ્યારે પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને તેજાબી વકતા જયરાજસિંહ પરમારે મનરેગા યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોઈપણ યોજના અમલમાં મૂકે ત્યારે ગ્રામ્યના છેવાડામાં રહેતા માનવીને ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખે છે.સરકારે ભ્રષ્ટાચારનું તાળુ મારવા માટે મનરેગા યોજનાનું નામ બદલ્યું છે.”જી રામ જી” યોજનામાં ગ્રામ્યના શ્રમિકો અને ખેડૂતોને આર્થિક રીતે મોટો લાભ થશે.આજે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે.આપણા દેશનું અર્થતંત્ર ખેડૂતો સાથે જોડાયેલું છે.ત્યારે સરકારે દેશના ખેડૂતોની ચિંતા કરીને દરેક નિર્ણયો લીધા છે.આજે ભારતની કૃષિ અને ઋષિ બે સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.આ સાથે જયરાજસિંહ પરમારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે કરેલા વિવિધ યાદગાર વિકાસ કાર્યોને યાદ કરી તેમની વિકાસલક્ષી કાર્યશૈલીને બિરદાવી હતી.જ્યારે પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાએ મનરેગા યોજનાની માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ જી”રામ”જી કરીને ગામડાના શ્રમિકોને ૧૦૦ દિવસના બદલે ૧૨૫ દિવસ રોજગારી આપવાનું કામ કર્યું છે.સરકારે ગામડાના ખેડૂતોની પીડા દૂર કરવા જી રામ જી યોજના અમલમાં મૂકી છે.મનરેગા યોજનામાં માટીકામ સિવાય કઈ થયું નહોતું.મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હતો.જોકે નવી “જી રામ જી”યોજનામાં પણ સો ટકા ભ્રષ્ટાચાર નહીં થાય તેવું હું નથી કહેતો.પણ જી રામ જી યોજનામાં નહિવત ભ્રષ્ટાચાર થશે. “જી રામ જી” યોજનામાં ગામડાઓમાં થયેલો વિકાસ લોકોને દેખાશે. આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન ડૉ. જયંતિભાઈ પટેલ,તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી ગુંજાળા,તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ,તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ,ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ, એપીએમસીના વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી, બોર્ડના ડિરેક્ટરો, શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહયા હતા. કાર્યક્રમનું સફળ એન્કરિંગ વિજાપુરના હાસ્ય કલાકાર અને ભાજપના કાર્યકર અજયભાઈ બારોટે કર્યું હતું.