સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા વિસનગર પાલિકા દ્વારા તા.૨૧-૨ થી ૧-૩ સુધી સ્વદેશી મેળાનું આયોજન
વોકલ ફોર લોકલના અભિગમને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકારે સ્વદેશી મેળા શોપીંગ ફેસ્ટીવલ માટે સુચના આપી છે. જે અંતર્ગત વિસનગર પાલિકાએ સ્વદેશી મેળાનુ આયોજન કર્યુ છે. જેમાં મંડપ, લાઈટીંગ, બેઠક માટે ખુરશી વિગેરે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે. મેળાના શુભારંભે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મુલાકાત લઈ નાના વેપારીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ.
રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યુ છે. ત્યારે સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સ્થાનિક બજાર મળી રહે, સ્થાનિક ગ્રાહકો પણ પોતાના વિસ્તારના ઉત્પાદક વેપારીઓના ઉત્પાદનની વસ્તુઓથી પરિચિત થાય, વોકલ ફોર લોકલના અભિગમને પ્રાધાન્ય મળે તેવા અનેક હેતુથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પાલિકા કક્ષાએ સ્વદેશી મેળા- શોપીંગ ફેસ્ટીવલ માટે સુચના આપી છે. જે અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા મહેસાણા રોડ આદર્શ વિદ્યાલય સામેના કંમ્પાઉન્ડમા તા.૨૧-૨ થી ૧-૩ સુધી ૯ દિવસ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વદેશી મેળાના આયોજનની સમજ તથા માર્ગદર્શન માટે વિસનગર પાલિકાના સભાખંડમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તેમજ ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ એક મિટીંગનું આયોજન કર્યુ હતુ. જેમાં વિસનગર મિશન મંગલમ યોજનાના ટી.એલ.એમ. જયશ્રીબેન આર.રાવલ પણ હાજર રહ્યા હતા. મિટીંગમાં ઉપસ્થિત નાના વેપારીઓ અને સખીમંડળની બહેનોને સ્વદેશી મેળા આયોજનની જાણકારી આપી હતી.
સ્વદેશી મેળાના આયોજન બાબતે ચિફ ઓફિસરે જણાવ્યુ છે કે તોરણ, સાબુ, અગરબત્તી, માટીના કોડીયા વિગેરે હસ્ત કલાની વસ્તુઓ બનાવનાર વેપારીઓ તથા ફાસ્ટ ફૂડના વેપારીઓને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. મહેસાણા રોડ આદર્શ હાઈસ્કુલ સામેના કંમ્પાઉન્ડમા સ્ટોલ માટે મંડપ, લાઈટીંગ, બેઠક માટે ખુરશી, સ્વચ્છતા વિગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વદેશી મેળા માટે વિનામુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સમૃધ્ધ વારસાને જાળવવા તેમજ અનુભવવા ભાર આપવામાં આવ્યો છે. આ દિશામાં સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા દેશના કારીગરો, કલા સર્જકો અને નાના ઉદ્યોગો તેમજ સાહસોના ઉત્પાદનોનો સ્થાનિક કક્ષાએ ઉપયોગ વધે તે માટેનુ મહત્વ આપ્યુ છે. આ સ્વદેશી મેળાથી કલાત્મક વસ્તુઓ ખરીદીના શોખીન તેમજ સ્વાદપ્રીય લોકોને એકજ સ્થળે તમામ વસ્તુઓ લાભ મળશે. સ્વદેશી મેળાના શુભારંભ દિને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપ્યુ હતુ. કેબીનેટ મંત્રીએ કાંસાની થાળીથી પગના મસાજના આયુર્વેદિક ઉપચાર કર્યો હતો. ઉપરાંત્ત ફૂડ કોર્ટમાં પાણીપુરી તથા અન્ય ફાસ્ટફૂડનો સ્વાદ માણ્યો હતો. સખીમંડળના સ્ટોલમાં વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. જે દરેકનુ ઓનલાઈન પેમેન્ટ કર્યુ હતુ. કેબીનેટ મંત્રી સાથે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન ર્ડા.જયંતીભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, પાલિકા સભ્યો અને ભાજપના હોદ્દેદારો વિગેરે હાજર રહ્યા હતા.