Select Page

દેશના લોકો પાસેથી રૂા.૨૨ હજાર કરોડની છેતરપીંડી સરકારનુ સાયબર સેલ ઓનલાઈન ફ્રોડ રોકવામાં લાચાર

દેશના લોકો પાસેથી રૂા.૨૨ હજાર કરોડની છેતરપીંડી સરકારનુ સાયબર સેલ ઓનલાઈન ફ્રોડ રોકવામાં લાચાર

તંત્રી સ્થાનેથી…
ડબ્બા ટ્રેડીંગ, ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન ફ્રોડ, સાયબર ક્રાઈમના ગુના અને બનાવો હવે રોજેરોજ સાંભળવામાં આવે છે તેમજ વાંચવામાં આવે છે. કેન્દ્રની મોદી સરકારમાં ડિજિટલ ઈન્ડીયાની મોટી જાહેરાતો કરવામાં આવે છે અને મોટો જશ લેવામાં આવે છે. પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના વધતા ગુના અને આ ગુનામા લોકો કરોડો અબજો રૂપિયાની છેતરપીંડીનો જે રીતે ભોગ બને છે તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી. સાયબર ફ્રોડ રોકવા માટે સરકાર દ્વારા આખો સાયબર સેલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ટેકનિકલ સ્ટાફના અભાવે આ સાયબર સેલ સાયબર ક્રાઈમ રોકવામાં લાચારી અનુભવી રહ્યુ છે. સાયબર સેલના હાથ સાયબર ફ્રોડ કરનાર સુધી નહી પહોંચતા દેશના લોકો તેનો ભોગ બની રહ્યા છે. સુરતના વાહન ચેકીંગ દરમ્યાન જે સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે તેનાથી આખુ તંત્ર હચમચી ગયુ છે. સુરતની ઉધના પોલીસ વાહન ચેકીંગ કરતી હતી દરમ્યાન ચેકીંગમાં એક મોપેડમાંથી શંકાસ્પદ દસ્તાવેજો તથા સિક્કા મળી આવ્યા હતા. પોલીસને શંકા જતા તેની તપાસ કરતા આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટનો પર્દાફાશ થયો. પોલીસને આરોપીઓ પાસેથી ૧૬૪ જેટલા બેન્ક ખાતા મળ્યા જેમાંથી ૧૧૯ બેન્ક ખાતા ફક્ત આરબીએલ બેન્કના હતા. પોલીસને સામાન્ય વાહન ચેકીંગમાંથી સાયબર ફ્રોડના રૂા.૨૦૫૦ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા. બેન્કમાં ખોલાયેલ દરેક ખાતા દીઠ રૂા.૧ થી ૭ લાખ સુધીનુ કમિશન મળતું હતું. વિસનગર અને વડનગર પંથકમાં શેરબજારમાં રોકાણ કરાવી સારૂ વળતર આપવાની લાલચે જે ડબ્બા ટ્રેડીંગ ચાલે છે તેમાં પણ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવા ટ્રાન્ઝેક્શનના ૧૦ થી ૧૫ ટકા કમિશન આપવામાં આવે છે. સાયબર ફ્રોડમા તમામ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેન્ક એકાઉન્ટ દ્વારાજ થાય છે. સામાન્ય વ્યક્તિને બેન્કમાં એકાઉન્ટ ખોલાવવુ હોય તો ધક્કા ખવડાવવામાં આવે છે અને અનેક ડૉક્યુમેન્ટ પુરાવામા લેવામાં આવે છે. જ્યારે સાયબર ફ્રોડમા સંકળાયેલા લોકોના ધારે એટલા એકાઉન્ટ ખુલે છે. ત્યારે આ રેકેટમાં જે બેન્કના એકાઉન્ટનો ઉપયોગ થતો હોય તે બેન્કના મેનેજર તથા કર્મચારીઓની પણ તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તો સાયબર ફ્રોડ માટેના ખોટા એકાઉન્ટ ખુલતા અટકે. અનેક પ્રકારના સાયબર ફ્રોડ થાય છે તેમાં ડિજિટલ એરેસ્ટ પણ તેનો એક ભાગ છે. અમદાવાદ સેટેલાઈટ આંબાવાડી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના નિવૃત્ત વૃધ્ધ ઉપર હિન્દુ ધર્મ અને સરકાર વિરુધ્ધ અપમાનજનક સંદેશો મોકલવા બાબતે તમારી ઉપર ફરિયાદ થઈ છે તેવો એક ફોન આવ્યો હતો. આ ડિજિટલ એરેસ્ટના કેસમાં મની લોન્ડરીંગમા તમારા બેન્ક ખાતાનો ઉપયોગ થયો છે તેમ કહી વૃધ્ધની ફાઈનાન્સીયલ તથા ગોલ્ડ એસેટસની વિગતો જાણી રૂા.૮૬.૨૨ લાખ ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપીંડી કરી હતી. અમદાવાદના એક યુવાનને ઘેર બેઠા ટાસ્ક પુરા કરી ટેલીગ્રામ ઉપર રોજના રૂા.૧૫૦૦ થી ૨૦૦૦ કમાવવાની લાલચ આપ્યા બાદ ક્રિપ્ટોમાં રોકાણ કરવાના બહાને રૂા.૩૨.૯૫ લાખમાં છેતર્યો હતો. આવાતો ભારત દેશમાં એક નહી પણ અનેક બનાવો રોજના બને છે જેને રોકવામાં ડિજિટલ ઈન્ડીયાની વાતો કરતી સરકાર નિષ્ફળ ગઈ છે. સાયબર ગુના રોકવા માટે જેમની જવાબદારી છે તે સાયબર સેલ વિભાગના હાથ ટુંકા પડતા ભારત દેશ દુનિયામાં સૌથી વધુ સાયબર ક્રાઈમના શિકાર દેશોની યાદીમાં આવી ગયો છે. ઈન્ડીયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરના રીપોર્ટ મુજબ વર્ષ-૨૦૨૪મા ૧૯.૧૮ લાખ સાયફર ફ્રોડની ફરિયાદો એનસીઆરપી ઉપર નોધાઈ છે. જ્યારે વર્ષ-૨૦૨૩ માં સાયબર ગુનાની ૧૫.૫૬ લાખ ફરિયાદ થઈ હતી. ભારત દેશના લોકોએ વર્ષ-૨૦૨૨મા રૂા.૨૩૦૬ કરોડ, વર્ષ-૨૦૨૩મા રૂા.૭૪૯૬ કરોડ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા હતા. દર વર્ષે સાયબર ફ્રોડની રકમનો આકડો વધતો જાય છે. વર્ષ-૨૦૨૪મા તો ૨૦૨૨ની સરખામણીએ ૧૦ ગણા અને ૨૦૨૩ ની સરખામણીએ ત્રણ ગણા રૂપિયા એટલે કે ૨૨૮૧૧ કરોડ રૂપિસયા ભારતીયોએ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે. આમ જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષમાં દેશના લોકોએ રૂા.૩૩,૧૬૫ કરોડ સાયબર ક્રાઈમમાં ગુમાવ્યા. જોકે સાયબર ફ્રોડના વધતા ગુનાની તમામ જવાબદારી સરકાર ઉપર કે સાયબર સેલ ઉપર નાખવી પણ યોગ્ય નથી. સાયબર ગુના વધવા પાછળ દેશના લોકોમાં જાગૃતિનો પણ એટલોજ અભાવ છે. સાયબર ગુના આચરનાર નીત નવા કિમિયા અજમાવતા હોવાથી સરકાર દ્વારા પણ તેની ચેતવણી અપાતી હોય છે. સરકાર દ્વારા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ જાહેર કરવામાં આવ્યો છે. સાયબર ગુનેગારો ફોન કરે અને તુર્તજ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરવામાં આવે તો સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકી શકાય છે.