Select Page

ટ્રકમાં મગફળીના કોથળા નીચે સંતાડેલ ૩૦૧ પેટી દારૂ પકડાયો

ટ્રકમાં મગફળીના કોથળા નીચે સંતાડેલ ૩૦૧ પેટી દારૂ પકડાયો

વિસનગર તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઈ-એલ.સી.બી.ની રેડ

ટ્રકમાં મગફળીના કોથળા નીચે સંતાડેલ ૩૦૧ પેટી દારૂ પકડાયો

• ગુંજાળા દારૂ કટીંગનુ પીઠુ હતુ. અગાઉ બે વખત આ સ્થળેથી દારૂનું કટીંગ થયુ હતુ
• એલ.સી.બી.ની રેડ બાદ તુર્તજ તાલુકા પોલીસે રેડ કરી અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી ૩૦૦ બોટલો પકડી આબરૂ બચાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ગુંજાળા ગામેથી ઉદલપુર તરફ જતા રસ્તા બાજુના ખરાબામાં વિદેશી દારૂના કટીંગનુ પીઠુ બનતા એલસીબી પોલીસે અટકાવ્યુ છે. એલસીબી પોલીસે બાતમી આધારે રેડ કરી ટ્રકમાં મગફળીઓના કોથળા નીચે સંતાડેલ ૩૦૧ પેટી વિદેશી દારૂ ઝડપ્યો હતો. વિદેશી દારૂની ૬૬૧૨ તથા બીયર ટીન ૧૩૨૦ મળી કુલ ૧૧,૭૦,૦૦૦/- ના કિંમતનો દારૂ, ટ્રક, મોબાઈલ, એક્ટીવા સહીત કુલ રૂા.૨૨,૧૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. એલ.સી.બી.ની આ રેડની ગણતરીના કલાકોમાં તાલુકા પોલીસે ફરીથી રેડના સ્થળે રેડ પાડી અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૩૦૦ બોટલો ઝડપી આબરૂ જતી બચાવી છે. વિસનગર તાલુકામાં દારૂ કટીંગનુ પીઠુ ઝડપી એલસીબી પોલીસે તાલુકા પોલીસને ઉંઘતી ઝડપી છે.
મહેસાણા એલ.સી.બી.પોલીસના પી.આઈ.એસ.એસ.નિનામા, પી.એસ.આઈ. આર.જી.ચૌધરી વિગેરે સ્ટાફ દશેરાના તહેવાર નિમિત્તે મહેસાણા રામપુરા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે ગુંજાળા ગામેથી ઉદલપુર જતા રસ્તા બાજુના ખરાબામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી કટીંગ થઈ રહ્યુ છે. મહેસાણાનો ઠાકોર જીતેન્દ્રજી શકરાજી તથા રાજપૂત આરબસિંહ ઉર્ફે સોનુ રામવીરસીંગ બન્ને મોટા જથ્થામાં ટ્રકમાં દારૂ ભરી લાવી દારૂ મંગાવી કટીંગ(ડીલેવરી) કરાવે છે. જ્યારે ગુંજાળાનો ઠાકોર દિલીપજી લક્ષ્મણજી પોતાના ઘર પાસે ઉભો રહી પોલીસ ઉપર વૉચ રાખી રહ્યો છે.
બાતમી મળતાજ તુર્તજ એલસીબી સ્ટાફ દારૂના કટીંગ સ્થળે પહોચ્યો હતો. પોલીસ સીકોતર માતાના મંદિરની બાજુમાં જતા નેળીયામાં થઈ ખરાબામાં જતા વાહનની લાઈટના અજવાળે ટ્રક ઉભી રહેલી જણાઈ હતી. ટ્રકની પાછળ ચાર થી પાંચ માણસો હતા. જે પોલીસને જોઈને કારમાં બેસી નાસી ગયા હતા. પોલીસે દિલીપજી લક્ષ્મણજી ઠાકોરને પકડ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા સડેલી મગફળીના કોથળા નીચે વિદેશી દારૂની બોટલો સંતાડી હતી. નનો નામનો વ્યક્તિ એક્ટીવા ઉપર વિદેશી દારૂની પેટીઓ લેવા આવતો હતો. એલસીબી પોલીસે દિલીપજી ઠાકોરની કડક પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, મહેસાણાના રાજપૂત આરબસિંહ ઉર્ફે સોનુ તથા જીતેન્દ્રજી ઠાકોરે ટ્રકમાં વિદેશી દારૂ મંગાવ્યો હતો. આ સ્થળેથી અગાઉ બે વખત કટીંગ કરાયુ હતું. પોલીસ ઉપર વૉચ રાખવા એક વખતના રૂા.૫૦૦૦ આપતા હતા. અગાઉ બે વખત કટીંગ કરાયુ હતુ.
એલસીબી પોલીસે ટ્રકની આર.સી. બુક જોતા જી.જે.૦૭ એક્સ ૫૦૭૪ નંબરની આ ટ્રક બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના અણવાડા ગામના અશોકભાઈ લક્ષ્મણજીના નામે હોવાનુ જણાયુ હતુ. તા.૮-૧૦-૧૯ ના રોજ બપોરે ૩-૧૯ કલાકે રણજીત ટોલ રોડ પ્રા.લી. કંસારી ટોલ બુથમાંથી પસાર થઈ હતી. રાજસ્થાન રાનીવાડાના વકાલ વે બ્રીજમાં ગાડીનુ વજન કરાવ્યુ હતુ. મગફળીના માલની બીલ્ટી પણ બતાવી હતી. એલ.સી.બી.પોલીસે વિદેશી દારૂની ૨૪૬ પેટીમાંથી ૬૬૧૨ બોટલો કિં.રૂા.૧૦,૩૮,૦૦૦/- તથા બીયર પેટી નંગ ૫૫ માંથી ૧૩૨૦ ટીન બીયર કિં.રૂા.૧,૩૨,૦૦૦ મળી કુલ રૂા.૧૧,૭૦,૦૦૦/- ની કિંમતની વિદેશી દારૂની ૩૦૧ પેટી પકડી હતી. ટ્રક, એક્ટીવા, મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂા.૨૨,૧૦,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ગોવિંદભાઈની ફરિયાદ આધારે ઠાકોર દિલીપજી લક્ષ્મણજી ગુંજાળા, રાજપૂત આરબસિંહ ઉર્ફે સોનુ રામવીરસીંગ માલગોડાઉન મહેસાણા, ઠાકોર જીતેન્દ્રજી શંકરજી ટીબી રોડ મહેસાણા, એક્ટીવા ચાલક નનો નામનો વ્યક્તિ તથા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts