Select Page

માર્ગ અને મકાન વિભાગ હાઈવેના ખાડા પુરશે?

માર્ગ અને મકાન વિભાગ હાઈવેના ખાડા પુરશે?

નાયબ મુખ્યમંત્રી એકવાર ખેરાલુ-વડનગરમાં આવે તો જ

માર્ગ અને મકાન વિભાગ હાઈવેના ખાડા પુરશે?

• પદાધિકારીઓની જીદ પુરી કરતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી પ્રજાની તકલીફોનું ધ્યાન કયારે રાખશે ?
• મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી જે રસ્તેથી પસાર થાય તે રોડ રાતોરાત રીપેર થાય આવી માનસિકતા કયાં સુધી ચાલશે?
• ખેરાલુ-વડનગર-વિસનગર રોડ ઉપરના ખાડા ન પુરતા અધિકારીઓ ઉપર પગલાં લેવાનો નિયમ કયારે બનશે?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ પ્રજાની તકલીફોને બાજુમાં રાખી માત્ર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓની સરભરા કરવામાં જ રચ્યા પચ્યા રહે છે. જેઓ પ્રજાની તકલીફો જાણતા હોવા છતા ઈરાદાપુર્વક આંખ આડા કાન કરે છે. જેનો ઉત્તમ દાખલો ખેરાલુ-વડનગર-વિસનગરના રોડ ઉપર જોવા મળ્યો છે. અગાઉ ખેરાલુ વિધાનસભાની ચુંટણી વખતે ખેરાલુમાં સ્પાન બજાર સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સભાનું આયોજન કરાયુ હતું ત્યારે વિસનગર-વડનગર અને ખેરાલુ સુધીના રસ્તા ઉપરના ખાડા યુધ્ધના ધોરણે પુરી દેવાયા હતા. કેટલીક જગ્યાએ પ૦ કે ૧૦૦ મીટર સુધીના બિસ્માર રોડ રાતોરાત નવા બનાવી દીધા. ઠેરઠેર રાતોરાત ખાડા પુરાવા થીંગડા માર્યા હતા. પરંતુ આડેધડ ડામરના થીંગડા મારવાથી ભારે વાહનો રોડ ઉપરથી પસાર થતા ફરીથી ખાડા પડી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગામ પાસેથી પસાર થતા હાઈવે ઉપર વિસનગર તરફથી વડનગરમાં પ્રવેશવાના સાયન્સ કોલેજ જવાના રસ્તે બન્ને બાજુ ખાડા પડયા છે. રાત્રીના સમયે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. ખેરાલુથી વડનગરના રસ્તે વે-વેઈટ હોટલ પાસે એક મોટો ખાડો બે-મહિનાથી પડયો છે છતાં માર્ગ અને મકાન વિભાગ ખાડો પુરવાની તસ્દી લેતો નથી. વડનગરથી વિસનગર વચ્ચે પણ આવા નાના-મોટા ખાડા પડયા છે. આ રસ્તા ઉપરના ખાડાના કારણે કાયમી અવર-જવર કરવાવાળા લોકો રોગ સાઈડ ગાડી ચલાવી રસ્તો પસાર કરે છે. કોઈ વ્યક્તિને અકસ્માત થશે અને મૃત્યુ થશે તો જવાબદારી કોની ? માર્ગ અને મકાન વિભાગ દ્વારા જયાં રોડના ખાડા પડયા છે ત્યાંથી ડામર હટાવી બાજુમાં ઢગલો કરાયો છે. પરંતુ ખાડા પુરવાની તસ્દી લેતા નથી. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓની સરભરામાં વ્યસ્ત માર્ગ અને મકાન વિભાગને સીધી સુચના આપી શકે તેવા ઉત્તર ગુજરાતમાં કોઈ પાણીદાર અને આખાબોલા નેતા હોય તો તે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ છે. નિતિનભાઈ પટેલનો અધિકારીઓ ઉપર એવો અંકુશ છે કે તેઓ ખાલી એક વખત ખેરાલુની મુલાકાતે આવવાના છે તેવી જાહેરાત કરે તો પણ આ ખાડા રાતોરાત પુરાઈ જાય. ખેરાલુ-વડનગર અને વિસનગર રોડ ઉપર સવારે અને સાંજે ભારે ટ્રાફિક રહે છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. પ્રજાની તકલીફોમાં આંખ આડા કાન કરનારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેવો કાયદો વિધાનસભામાં પસાર થાય તો જ આ અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવશે તેવીઆ કમરતોડ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોનું માનવું છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us