Select Page

વડનગર-ઉજ્જૈન અને ચેન્નઈ ટ્રેન શરૂ થવાની શક્યતા

વડનગર-ઉજ્જૈન અને ચેન્નઈ ટ્રેન શરૂ થવાની શક્યતા

વિસનગર રેલ્વે સ્ટેશનની સામેની સાઈડે બીજુ પ્લેટફોર્મ તૈયાર થશે

વડનગર-ઉજ્જૈન અને ચેન્નઈ ટ્રેન શરૂ થવાની શક્યતા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા-વડનગર બ્રોડગેજ લાઈન ઉપર જે અસાધારણ ગતિથી ઈલેક્ટ્રીફીકેશન કામ થયુ તે જોતા વડનગર ઉજ્જૈન અને વડનગર ચેન્નઈ ટ્રેન ટુંક સમયમાં શરૂ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વિસનગર રેલ્વે સ્ટેશનની સામેની સાઈડે બીજુ પ્લેટફોર્મ બનાવવા ટેન્ડરીંગ થઈ ગયુ છે. રેલ્વે સ્ટેશનમાં બીજા બે ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. ટુંક સમયમાં લાંબા રૂટની ટ્રેન શરૂ થાય તેવુ જાણવા મળ્યુ છે.
૧૫ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ વિસનગર રેલ્વે સ્ટેશને મહેસાણા-વડનગર બ્રોડગેજ લાઈન ઉપર શરૂ થયેલ ટ્રેનનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ટ્રેનના શુભારંભ સમયે જે લોકોએ વિસનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી તેના કરતા અત્યારે ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ટ્રેનનો શુભારંભ થયો તે વખતે એકજ ટ્રેક હતો. અત્યારે બીજા બે ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. એમ.એન.કોલેજ અને ર્ડા.મહિપતભાઈના દવાખાના વચ્ચેના ભાગથી બીજો એક ટ્રેક નાખવાની કામગીરી ચાલુ છે. ઓક્ટોબર માસમાં ટ્રેનનો શુભારંભ થયો તે વખતે ઈલેક્ટ્રીક ટ્રેન માટેની તૈયારીનો કોઈ અણસાર પણ નહોતો. ત્યારે ત્રણ માસના ટુંકા ગાળામાં અસાધારણ ગતિથી મહેસાણાથી વડનગર સુધી વિજળીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તા.૨૯-૧ ના રોજ ઈલેક્ટ્રીક ટ્રેનનુ ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યુ હતુ. જેનુ રેલ્વે સેફ્ટી કમિશ્નર આર.કે. શર્માએ નિરિક્ષણ કર્યુ હતુ. સીગ્નલનુ કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. પસાર થતા ઈલેક્ટ્રીક કેબલને કોઈ મોટુ વાહન અડવાથી અકસ્માત ન થાય તે માટે વિસનગરના ત્રણ રેલ્વે ફાટકની આસપાસ ગડરો પણ નંખાઈ ગયા છે.
અગાઉ લોકસભાની ચુંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહેસાણા વડનગર રેલ્વે લાઈનનો શુભારંભ કરવાના હતા. પરંતુ રેલ્વે ટ્રેકની કામગીરી પૂર્ણ નહી થતા ટ્રેનનો પ્રારંભ કરી શકાયો નહોતો. ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરીથી વડનગરથી લાંબા રૂટની ટ્રેન શરૂ થવાની ચર્ચાઓ હતી. જે વિજળીકરણની કામગીરી પૂર્ણ નહી થતા લાંબા રૂટની ટ્રેન શરૂ થઈ શકી નથી. પરંતુ મહેસાણા-વડનગર રેલ્વે લાઈનમાં હાલ જે યુધ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે તે જોતા હવે ટુંક સમયમાં વડનગરની લાંબા રૂટની ટ્રેન સેવા શરૂ થાય તેમ જણાય છે. ગાંધીનગરથી ઉજ્જૈન જવા માટે શાંતી એક્ષપ્રેસ ઉપડે છે. જે ટ્રેન વડનગરથી શરૂ થશે. આ ઉપરાંત્ત અમદાવાદથી ચેન્નાઈ એક્ષપ્રેસ ટ્રેન ઉપડે છે. જે ટ્રેન પણ વડનગરથી શરૂ થઈ રહી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
લાંબા રૂટની ટ્રેનો જે રેલ્વે સ્ટેશનથી શરૂ થાય ત્યાં ટ્રેનની સફાઈની, પાણી ભરવાની વિગેરે સગવડો હોવી જરૂરી છે. જે માટે પૂરતો સ્ટાફ પણ જોઈએ. વડનગરમાં અત્યારે આ સગવડ નથી. ત્યારે હાલ પૂરતુ મહેસાણા રેલ્વે સ્ટેશને લાંબા રૂટની ટ્રેનની જરૂરીયાતો પૂરી પાડવામાં આવશે. મહેસાણા વડનગર રેલ્વે લાઈનમાં અત્યારે વિસનગર રેલ્વે સ્ટેશનની પણ કાયાપલટ થઈ રહી છે. હાલ ૪૨૫ મીટરનુ જે પ્લેટફોર્મ છે તેની સામે બીજુ ૪૨૫ મીટરનુ પ્લેટફોર્મ બનાવવા ટેન્ડરીંગ થઈ ગયુ છે. જે ટેન્ડરો ટુંક સમયમાં ખુલશે. વિસનગર શહેરના ત્રણ રેલ્વે ફાટક ઉપર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. હવે ટુંક સમયમાં વડનગર હાટકેશ્વરદાદાના દર્શન કરી ટ્રેનમાં બેસી ઉજ્જૈન મહાકાળેશ્વર મહાદેવના દર્શન કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us