Select Page

પાઈપો નાખી જોઈન્ટ ખુલ્લા રાખ્યા-હોબાળો થતા રીંગો ચડાવી

પાઈપો નાખી જોઈન્ટ ખુલ્લા રાખ્યા-હોબાળો થતા રીંગો ચડાવી

કોર્પોરેટર ગીરીશભાઈ પટેલ અને જશુભાઈ પટેલે ગટરલાઈનના કોન્ટ્રાક્ટરની ગેરરીતીનો પર્દાફાશ કર્યો

પાઈપો નાખી જોઈન્ટ ખુલ્લા રાખ્યા-હોબાળો થતા રીંગો ચડાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા તંત્રની દેખરેખ વગર કોન્ટ્રાક્ટરો કેવો ગેરરીતી પૂર્ણ આડેધડ વિકાસ કરી રહ્યા છે તે એમ.એન.કોલેજ રોડ ઉપર નંખાતી ગટરલાઈન ઉપરથી કહી શકાય. ટેન્ડરની શરતથી વિપરીત કોન્ટ્રાક્ટરે પાઈપલાઈન નાખી જોઈન્ટ ખુલ્લા રાખ્યા હતા. ત્યારે કોર્પોરેટર ગીરીશભાઈ પટેલ અને જશુભાઈ પટેલે કોન્ટ્રાક્ટરની ગેરરીતીનો પર્દાફાશ કરતા કોન્ટ્રાક્ટરે પાઈપો કાઢી રીંગો ચડાવી સીમેન્ટથી વાટો કર્યો હતો. વિસનગર પાલિકા દ્વારા થતો કરોડોનો વિકાસ કેવો બમઠસ થઈ રહ્યો છે તે આ બનાવ ઉપરથી કહી શકાય છે.
કોન્ટ્રાક્ટરોની લાલચની પટ્ટીઓથી આંધળા બનેલા વિસનગર પાલિકા તંત્રના વહીવટમાં ગેરરીતીપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે. કરોડોના ખર્ચે વિકાસ કર્યાની બડાશો મારવામાં આવે છે ત્યારે આવો વિકાસ શુ કામનો? એમ.એન.કોલેજ રોડ ઉપર સવાલા દરવાજા નાળાથી પંડ્યાના નાળા સુધીની ગટરલાઈન લીકેજ થવાના કારણે રોડ દબાઈ જતો હતો. વાહનોની અવરજવરના કારણે રોડ ઉપરના મેનહોલના સીમેન્ટના ઢાંકણા તુટી જતા હતા. પાલિકા દ્વારા ઘણી વખત સીમેન્ટના ઢાંકણા બદલવામાં આવ્યા હતા. ગટરલાઈન ફેલ થવાના કારણે રોડ તુટી જતા પાલિકા દ્વારા પંડ્યાના નાળાથી સવાલા દરવાજા નાળા સુધી નવી ગટરલાઈન નાખવામાં આવી રહી છે. જે સોસાયટીની ગટરલાઈન આ ગટર સાથે જોઈન્ટ કરવાની છે તે અમીકુંજ, ગોવિંદચકલા, પટેલનગર સોસાયટીની ગટરલાઈન સાત થી આઠ ફૂટ ઉંડી છે. ત્યારે નવી ગટરલાઈન ચાર ફૂટની ઉંડાઈએ નાખવામાં આવી રહી છે તેથી લેવલની પણ સમસ્યા છે.
વિસનગરમાં આવતી તમામ બસો તથા મોટા વાહનોની આ રોડ ઉપર અવરજવર છે ત્યારે ઝડપથી ગટરલાઈનનુ કામ કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર છેલ્લા પંદર દિવસથી ખોદકામ કરી રહ્યા છે. ખોદકામ બાદ તા.૧૬-૧-૨૦૨૦ ના રોજથી પાઈપો નાખવાનુ શરૂ કર્યુ હતુ. પાઈપો નાખ્યા બાદ જોઈન્ટ ખુલ્લા જોતા કોર્પોરેટર ગીરીશભાઈ પટેલ અને જશુભાઈ પટેલે પ્રશ્ન કર્યો હતો કે, પાઈપોના જોઈન્ટ કઈ રીતે પુરાશે. ત્યારે કોન્ટ્રાક્ટરના માણસે સીમેન્ટથી સાધા પુરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. જોઈન્ટના નીચેના ભાગે કેવી રીતે સાંધા પુરવામાં આવશે તેનો કોન્ટ્રાક્ટરનો માણસ જવાબ આપી શક્યો નહોતો. નવાઈની બાબત છેકે પાલિકાના બાંધકામ વિભાગના સુપરવાઈઝરની દેખરેખ નીચે કામ થવુ જોઈએ ત્યારે સ્થળ ઉપર એકપણ સુપરવાઈઝર જોવા મળ્યો નહોતો.
ગટરલાઈનના ટેન્ડરમાં શરત છેકે જોઈન્ટમાં રીંગ ચડાવી સીમેન્ટના વાટા પુરી સાધા પુરવા. ત્યારે ગટરલાઈન કામમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતી પકડતા ભારે હોબાળો થયો હતો. ગીરીશભાઈ પટેલે અને જશુભાઈ પટેલે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો કે, કામગીરીમાં ગેરરીતી થશે તો બીલ મંજુર થશે નહી. ગીરીશભાઈ પટેલે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકનુ પણ આ બાબતે ધ્યાન દોર્યુ હતુ. ગીરીશભાઈ પટેલે રોષ ઠાલવ્યો હતો કે, આથમણા ઠાકોરવાસમાં પણ ગટરલાઈન કામમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતી કરી છે. જેનુ બીલ અટક્યુ છે. ત્યારે કોન્ટ્રાક્ટરના મળતીયા કેટલાક કોર્પોરેટરો બીલ પાસ કરવા ભલામણ કરી રહ્યા છે. આથમણા ઠાકોરવાસની ગટરલાઈનનો ખર્ચ માથે પડે તેમ છે.
એમ.એન.કોલેજ રોડની ગટરલાઈનમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતીનો પર્દાફાશ કરતા બીજા દિવસે કોન્ટ્રાક્ટરે પાઈપો કાઢી જોઈન્ટમાં રીંગો ચડાવી સીમેન્ટથી સાધા પુર્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છેકે શહેર મધ્યે ચાલતા વિકાસ કામમાં કોન્ટ્રાક્ટરો ગેરરીતી કરવાની હિંમત કરતા હોય તો શહેરની બહારના ભાગમાં થતા વિકાસ કામમાં શુ નહી થતુ હોય?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us