રેલ્વે બ્રીજની તૈયારીઓ-ભૂગર્ભ જમીનની ક્ષમતા માટે સોઈલ ટેસ્ટ લેવાયા જવાહર તરફ ૩૮૦ મી.-મારવાડીવાસ તરફ ૩૬૨ મી.બ્રીજનો પ્લાન
રેલ્વે બ્રીજની તૈયારીઓ-ભૂગર્ભ જમીનની ક્ષમતા માટે સોઈલ ટેસ્ટ લેવાયા
જવાહર તરફ ૩૮૦ મી.-મારવાડીવાસ તરફ ૩૬૨ મી.બ્રીજનો પ્લાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ગંજબજાર ફાટક ઉપરના રેલ્વેબ્રીજનો લે આઉટ પ્લાન કન્સલ્ટન્ટ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડમાં ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તથા અન્ય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બ્રીજ માટે તૈયાર કરેલ લે આઉટ પ્લાન અને નકશા બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બ્રીજ માટે ભૂગર્ભ જમીનની ક્ષમતા ચકાસવા સોઈલ ટેસ્ટ પણ શરૂ થઈ ગયો છે. ગંજબજારનો આ બ્રીજ ૭૭૨ મીટરનો બનશે.
કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ દ્વારા સમગ્ર દેશમાં નો મેન એલ.સી.(માનવ રહીત ફાટક) બનાવવાનો અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત ગુજરાતના પાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા જરૂરીયાત પ્રમાણે ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. જી.યુ.ડી.સી.ના કન્સલ્ટન્ટ દ્વારા ગંજબજાર ફાટક ઉપરના બ્રીજનો લે આઉટ પ્લાન નકશો તૈયાર કરવામાં આવતા માર્કેટયાર્ડ ઓફીસમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, માર્કેટના ડીરેક્ટર પરેશભાઈ પટેલ, બકુલભાઈ ત્રીવેદી વિગેરેની ઉપસ્થિતિમાં સમજ આપવામાં આવી હતી.
કન્સલ્ટન્ટે રજુ કરેલા બ્રીજના નકશા પ્રમાણે ૭૪૨.૭૦ મીટરનો બ્રીજ બનશે. રેલ્વે ટ્રેકના સેન્ટરથી જવાહર સોસાયટી તરફ ૩૮૦.૩૦ મીટરનો અને મારવાડી વાસ તરફ ૩૬૨.૪૦ મીટરનો બ્રીજ બનશે. જવાહર સોસાયટીથી તાલુકા સેવા સદનના વચ્ચેના ભાગે બ્રીજની શરૂઆત થશે. જ્યારે મારવાડી વાસ તરફ હિરોહોન્ડા વાળા મનુભાઈ પટેલના ઘર આગળના ખુલ્લા પ્લોટથી બ્રીજની શરૂઆત થશે. બ્રીજની બન્ને બાજુ ૩.૫૦ મીટરનો સર્વિસ રોડ બનશે. બ્રીજની શરૂઆતથી ૬૦ મીટર સુધી ૩.૫૦ મીટરનો રસ્તો ઉપયોગમાં લઈ શકાશે. ત્યારબાદ બ્રીજની ઉંચાઈ વધશે અને બ્રીજના વચ્ચેના પીલ્લર સીવાય તમામ ભાગ વાહન વ્યવહારના ઉપયોગમાં લઈ શકાશે. બન્ને બાજુના સર્વિસ રોડ રેલ્વે ટ્રેક આગળ પુરા થશે. આગળ જઈ શકાશે નહી. જી.ડી.રોડ કે ડી.ડી.રોડથી ગંજબજાર તરફ આવવુ હોય તો મારવાડી વાસ તરફના બ્રીજથી ગંજબજાર તરફ આવી શકાશે. એવીજ રીતે ગંજબજાર, કરમુક્ત વખાટ પ્લોટ, દગાલા વિસ્તાર તરફથી જી.ડી.રોડ, ડી.ડી.રોડ તરફ આવવુ હશે તો જવાહર સોસાયટી તરફથી બ્રીજથી ચઢીને મારવાડી વાસ તરફ ઉતરી સર્વિસ રોડથી પરત આવવુ પડશે. બ્રીજનો નકશો રજુ કરતી વખતે બ્રીજની આસપાસના સર્વિસ રોડ માટે નડતર રૂપ મિલ્કતો, દુકાનોના છજા, ઓટલા વિગેરે દબાણોની પણ ચર્ચા કરવામાં આવી હતી. લે આઉટ પ્લાન નકશો રજુ કરાયો તેના અઠવાડીયા પહેલાજ માપણી કરી એરીયા રીપોર્ટ તૈયાર કરાયો હતો. લે આઉટ પ્લાન તૈયાર થયો કે તેની સાથેજ ભૂગર્ભ જમીનની ક્ષમતા માટે સોઈલ ટેસ્ટ શરૂ થયો. આમ બ્રીજ માટે અસાધારણ ગતિથી કામગીરી ચાલી રહી છે. દોઢેક વર્ષમાં બ્રીજનુ કામ શરૂ થાય તેવુ કન્સલ્ટન્ટે જણાવ્યુ હતુ.
ગંજબજારના બ્રીજના લે આઉટ પ્લાનની ચર્ચા કરતા સમયે એમ.એન.કોલેજ ફાટકના બ્રીજ બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ છેકે, બ્રીજ માટે એમ.એન.કોલેજ તરફ સર્વિસ રોડની જગ્યા મળતી નહી હોવાથી કોલેજની ૧૦ ફૂટ જગ્યા મેળવવા પાલિકા દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગમાં માગણી કરવામાં આવી છે. કોલેજના દાતાના વારસદારોની પણ સંમતી મેળવી છે. કોલેજની જગ્યાની મંજુરી મળ્યા બાદ તાત્કાલીક ઓવરબ્રીજની કામગીરી શરૂ થશે.