વડાપ્રધાનના વોકલ ફોર લોકલના અભિયાન અંતર્ગત કેબીનેટ મંત્રીનુ રોડ સાઈડના ગરીબ વેપારીઓને પ્રોત્સાહન
નાના શહેરો તથા ગામડાના વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદી તેમને મહત્વ અને પ્રાધાન્ય આપવાના વડાપ્રધાન મોદીના અભિગમથી સ્થાનિક નાના વેપારીઓને ઘણો ફાયદો થયો છે. વોકલ ફોર લોકલના વડાપ્રધાનના સમર્થનમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રોડ સાઈડમાં વેપાર કરતા એક નાના વેપારી પાસેથી વસ્તુ ખરીદી પ્રોત્સાહન આપ્યુ હતુ.
દેશમાં એવા અનેક લોકો છે જેમની પાસે હુન્નર છે પરંતુ આર્થિક સ્થિતિના કારણે હુન્નર પ્રમાણેનો વ્યવસાય કરી શકતા નથી. થોડુ ઘણુ ઉત્પાદન કરી ગામડા, શેરી મહોલ્લાઓમાં ફેરી કરીને કે રોડની સાઈડમાં ઉભા રહીને વેચાણ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. આવા નાના વેપારીઓને આગળ વધવા કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકી છે. યોજનાઓની સાથે વડાપ્રધાન મોદીએ ફેરીયા કે રોડ સાઈડના નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી પ્રોત્સાહન આપવા માટે પણ દેશવાસીઓને અપીલ કરી છે.
નાના ગરીબ વેપારીઓને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના પ્રયત્નોને ચરિતાર્થ કરવા વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સતત પ્રયત્નશીલ રહે છે. કેબીનેટ મંત્રી તરભ વાળીનાથ ધામમાં દર્શનાર્થે ગયા હતા. પૂજ્ય જયરામગીરી બાપુના આશિર્વાદ મેળવી પરત ફરતા હતા ત્યારે રોડની સાઈડમાં એક ગરીબ વેપારી ખજુરીની સાવરણી વેચવા બેઠા હતા. આપણે તો ગુનામાં સંડોવાયેલા આરોપી પાછળ પણ ભાઈ શબ્દપ્રયોગ કરી માન આપીએ છીએ. ત્યારે ગરીબ વ્યક્તિ મહેનત કરીને પરિવારનુ ગુજરાન ચલાવે તો તેને માન આપવામાં શુ વાંધો. સાવરણી વેચતા વેપારીને જોઈ કેબીનેટ મંત્રીએ તુર્તજ ગાડી રોકી હતી અને ગરીબ વેપારી પાસે જઈ મુલાકાત કરી સાવરણી ખરીદી હતી. રોડ સાઈડ ઉનાળાના બળ બળતા તાપમાં વેપાર કરતા નાના વેપારીઓને પ્રોત્સાહન આપતા કેબીનેટ મંત્રીને જોઈ સાથેના કાર્યકરો પણ આવાક થઈ ગયા હતા. આપણે મોજ શોખ પાછળ ખોટા ખર્ચા કરીએ છીએ, ત્યારે આવા નાના વેપારીઓ પાસેથી ભાવ તાલની રકજક વગર ખરીદી કરવામાં આવે તો વેચાણ થયેલી વસ્તુમાંથી થયેલી થોડી ઘણી આવકથી પરિવારના ગુજરાન ચલાવી શકવાની સાથે વ્યવસાયમાં આગળ વધવાનુ પણ પ્રોત્સાહન મળે છે. કેબીનેટ મંત્રીના નાના ગરીબ વેપારીઓને આવકાર સાથે પ્રોત્સાહન આપવાની નીતિ બીરદાવાઈ હતી.