કેન્દ્રની ભાજપ સરકારના શાસનમાં
મુઠ્ઠી જારનો ચોર દેવડીએ દંડાય છે, લાખો ખાંડી લૂંટનાર મહેફીલે મંડાય છે
તંત્રી સ્થાનેથી…
કેન્દ્રની ભાજપ સરકાર સત્તા ટકાવી રાખવા માટે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુવાદ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ મુસ્લીમ, મંદિર મસ્જીદ, રામ મંદિર જેવા મુદ્દાઓની ચર્ચા કરે છે અને ચુંટણીમાં પરિણામો મેળવે છે. પરંતુ ચુંટણી સમયે દેશને આર્થિક પાયમાલ કરનાર, મોગલો અને અંગ્રેજોની જેમ દેશને લુંટનાર, બેંકોમાં આર્થિક કૌભાંડો કરીને અબજો રૂપિયા ઘરભેગા કરનાર બીઝનેસમેન કે ઉદ્યોગપતિઓ સામે શુ કાર્યવાહી કરી, કેટલા વસુલ્યા તે મુદ્દે કોઈ ચર્ચા થતી નથી કે ભાષણો થતા નથી. નાણાંકીય કૌભાંડો કરનાર સામે દેશની જનતાની નિરસતા જોઈ હવે નાણા મંત્રાલય દેશના કહેવાતા બીઝનેસમેન અને ઉદ્યોગપતિઓએ બેંકોનુ કેટલુ કરી નાખ્યુ તે કહેવામાં પણ શરમ અનુભવતુ નથી. નાણા મંત્રી નિર્મલા સીતારામને રાજ્યસભામાં કબુલ્યુ છેકે દેશની માતબર બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં ૧૦,૦૯,૫૧૧ કરોડ રૂપિયાની લોન માંડીવાળી છે. ર્ડા.મનમોહન સીંઘની યુ.પી.એ સરકારે કરોડો રૂપિયાના કૌભાંડો આચર્યા હોવાનુ જગ જાહેર કરીને એન.ડી.એ સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળી. ત્યારે રૂા.૧૦.૦૯ લાખ કરોડની રકમ માંડવાળ કરવાનો નિર્ણય છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારમાં લેવાયો છે. દેશના મોટા ઉદ્યોગપતિ કે બીઝનેસમેન વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી વિગેરે જેમણે આર્થિક કૌભાંડ કર્યા છે તેમની એકજ મોડસ ઓપરેન્ડી છેકે બેંકોના રૂપિયે ઐયાસી કરવી, વિદેશોમાં જલસા કરવા અને વિદેશોમાં રહેવાની વ્યવસ્થા કરવી. કહેવાતા આ માધાંતાઓએ ભલે યુ.પી.એ.ના શાસનમાં બેંકોમાંથી લોનો લીધી હોય પરંતુ આ બીઝનેસમેન કે ઉદ્યોગપતિઓ ખઈશ નહી કે ખાવા દઈસ નહી તેવુ કહેનાર મોદી સરકારના શાસનમાં દેશમાંથી નાસી ગયા છે. પ્રજાના પૈસાની કમાણીથી ચાલતી બેંકોનો વહીવટ ભ્રષ્ટાચારી અધિકારીઓ કરી રહ્યા છે. રૂપિયાની લાલચમાં આવીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડીયા જેવી સરકારી તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. જેવી ખાનગી બેંકોના અધિકારીઓ નીતિ નિયમો નેવે મુકીને અબજો રૂપિયાની લોન પાસ કરે છે. આ લોન મંજુર કરતી વખતેજ પરત નહી ભરવાનો ઈરાદો હોય છે. બેંક લોનનુ કૌભાંડ ચાર પાંચ મહિનાનુ નહી પરંતુ ચાર પાંચ વર્ષનુ હોય છે. લોન મંજુર કરવામાં આવી હોય અને પરત કરવાનો સમય પાકી ગયો હોય ત્યારથીજ બેંકોને ચૂનો લગાડવાની વૃત્તી શરૂ થાય છે. લોન લેનાર મોટા બીઝનેસમેન કે ઉદ્યોગપતિઓ બેંક લોન ભરવામાં કાચા પડતા હોવાની તમામને જાણ હોય છે. તેમ છતાં બેંકના અધિકારીઓ કે સરકાર ચુપ રહે છે અને બેંકોનુ કરૂભગતો દેશ છોડી નાસી જાય ત્યારે કોઈને છોડવામાં આવશે નહી તેવા ભાષણો કરવામાં આવે છે. જ્યારે કોઈ નાના વેપારીએ હોમલોન, કાર લોન કે બીઝનેસ લોન લીધી હોય અને હપ્તા ભરવામાં કાચા પડે તો બેંકના અધિકારી કે સ્ટાફ વારંવાર ફોન કરીને લોન નહી ભરનાર નાના વેપારીને ધમકાવે છે. પોલીસ ફરિયાદ, કોર્ટ કેસ કરવાની કે માર્ગેજ કરેલી મિલ્કત જપ્ત કરવાની ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે કેટલાક કિસ્સામાં કેસ પણ કરવામાં આવે છે. જ્યારે બેંકો દ્વારા ઉદ્યોગપતિ કે બીઝનેસમેનને આપવામાં આવતી અબજો રૂપિયાની લોન ભરવામાં ચુક થાય તો બેંકો સાથે ફ્રોડ કરનાર દેશ છોડીને જતો ન રહે ત્યા સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દેશમાં આર્થિક ગેરરીતી કે કૌભાંડો કરનાર કે તેમાં સંકળાયેલ સામે કાર્યવાહી કરવા માટે કડક કાયદો બનાવવામાં આવે તે જરૂરી છે. બેંકો દ્વારા જે લોન માંડવાળ કરી તે રૂા.૧૦.૦૯ લાખ કરોડ ખુબજ મોટી રકમ છે. જેની જાહેરાત રાજ્યસભામાં થાય ત્યારે છપ્પનની છાતીના ભાષણો કરનારના શાસન સામે વિશ્વાસ ડગમગી જાય છે.