વિસનગરને પાણી માટે રૂા.૨૭૪.૪૦ કરોડની યોજનામાં બે ફેઝ મંજુર
ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સરકારમાં વગ અને યોજના પાછળ સતત મોનીટરીંગનુ પરિણામ
વિસનગરને પાણી માટે રૂા.૨૭૪.૪૦ કરોડની યોજનામાં બે ફેઝ મંજુર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકાના ગામડામાં આવનાર ૩૦ વર્ષ સુધી પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તેવી રૂા.૨૭૪.૪૦ કરોડની માતબર યોજના મંજુર કરાવવામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સફળતા પ્રાપ્ત કરી છે. ધારાસભ્યની સરકારમાં વગ અને યોજના પાછળ સતત મોનીટરીંગનુ આ પરિણામ કહી શકાય. તાજેતરમાંજ પાણી પુરવઠા બોર્ડની મીટીંગ મળી હતી. જેમાં રૂા.૧૭૭.૫૫ કરોડના બે ફેઝને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેનુ ટેન્ડરીંગ ટૂંક સમયમાં કરવામાં આવશે.
ધરોઈ પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનો અને મશીનરી એક્ષ્પાયરી ડેટની થઈ ગઈ હોવાથી વિસનગર શહેરમાં વારંવાર પાણી પુરવઠામાં રૂકાવટ ઉભી થાય છે. ધરોઈ યોજનાના છેવાડાના ભાગે આવેલ વિસનગર શહેર અને તાલુકાના ગામડા માટે પીવાનુ પાણી પુરો પાડતો બીજો પર્યાય મળે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ છેલ્લા છ માસથી સતત પ્રયત્નશીલ હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાને વિસનગર શહેર અને તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની કેવી સમસ્યા છે તેમજ ધરોઈ પાણી પુરવઠા યોજનાની શુ હાલત છે તેની ગંભીરતા જણાવી એક નવી યોજના માટે રજુઆતો કરવામાં આવી હતી. મહત્વની બાબત તો એ છેકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પોતે ટેકનીકલ જાણકારી ધરાવતા હોવાથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી આખી યોજના ઉપર ચર્ચા કરી. આમ સરકાર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાના અંતે રૂા.૨૭૪.૪૦ કરોડની વિસનગરના ઈતિહાસમાં પ્રથમ વખત, વિસનગર માટે જે યોજના આકાર પામી તેનાથી આવનાર ૩૦ વર્ષ સુધી પીવાના પાણીની કોઈ મુશ્કેલી રહેશે નહી.
શરૂઆતના તબક્કે મોઢેરાથી વિસનગર તાલુકામાં બનનાર ફીલ્ટરેશન પ્લાન્ટ અને હેડ વર્કસ તેમજ વિસનગર સુધી પાઈપલાઈન માટેની આ યોજના રૂા.૨૨૩ કરોડની હતી. પરંતુ તેમાં વધારો કરી આ સમગ્ર યોજના રૂા.૨૭૪.૪૦ કરોડના ખર્ચે તૈયાર થશે. આ યોજનાની ટુંકમાં વિગતો જોતા મોઢેરા પંપીંગ સ્ટેશનથી ૧૨૦૦ એમ.એમ. ડાયાની પાઈપલાઈન દ્વારા મોટીદઉ સુધી નર્મદાનુ પાણી લાવવામાં આવશે. મોટીદઉથી ૨૧ એમએલડી પાણી ઉંઝાને આપવામાં આવશે. જ્યારે મોટીદઉથી ૫૧.૬૦ એમ.એલ.ડી. પાણી વિસનગર તાલુકાના વાલમ ગામ સુધી લાવવામાં આવશે. વાલમમાં ફીલ્ટરેશન પ્લાન્ટમાં પાણી ફીલ્ટર કરી વિસનગર શહેર માટે સર્વે નં.૩૦૫ ના વોટર વર્કસમાં ૨ એમ.એલ.ડી.(બે કરોડ લીટર) તથા તાલુકાના ગામડા માટે ગુંજા હેડ વર્કસ ૩ એમ.એલ.ડી.(ત્રણ કરોડ લીટર) ફીલ્ટર પાણી પહોચતુ કરવામાં આવશે. અગાઉ ખંડોસણમાં ફીલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનુ આયોજન હતુ. પરંતુ વાલમ પ્લાન્ટ બનાવવામાં આવે તો ૯ કી.મી.ની પાઈપલાઈન ઓછી નાખવી પડે તેમ હોઈ યોજનામાં રૂા.૧૦ કરોડનો ફાયદો થતો હોવાથી હવે વાલમમાં પ્લાન્ટ બનાવવામાં આવશે. વાલમ પ્લાન્ટમાં ૫૦ મીટર ઉંચાઈની ૨૫ લાખ લીટરની પાણીની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે.
આ યોજનામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની વગ કઈ રીતે કામમાં આવી તે જોઈએ તો કોરોના મહામારીના કારણે યોજના વિલંબમાં મુકાય તેમ હતી. પરંતુ ધારાસભ્યના યોજના પાછળના સતત પ્રયત્નોથી હમણા તાજેતરમાં મળેલી પાણી પુરવઠા યોજનાની બોર્ડ મીટીંગમાં રૂા.૨૭૪.૪૦ કરોડની યોજનાના બે ફેઝને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેમાં ફેઝ-૧ માં મોઢેરાથી કામલપુર(ધિણોજ) સુધી પંપીંગ મશીનરી અને ૧૬.૨ કિ.મી.ની ડી.આઈ. પાઈપલાઈન માટે રૂા.૮૭.૪૭ કરોડ અને ફેઝ-૨ માં કામલપુરથી મોટીદઉ ૯૦૦ એમ.એમ. ૧૪.૭ કિ.મી.ની ડી.આઈ. પાઈપલાઈન માટે રૂા.૯૦.૦૮ કરોડ ખર્ચ માટે સૈધ્ધાંતિક મંજુરી મળી છે. મોટીદઉથી વાલમ પ્લાન્ટ અને વિસનગર શહેર તથા તાલુકાની પાઈપલાઈન માટેનો સમાવેશ થાય છે. તે રૂા.૯૬.૮૫ કરોડના ખર્ચના કામના ફેઝ-૩ ને ટુંક સમયમાં મંજુરી મળશે.