વિસનગર પોલીસ વસાહતના કામમાં લાખ્ખોનુ બીલ ગટર કરવાનુ કૌભાંડ
એસ.પી.મનિષસિંહની બદલી થતા ખોટા બીલો મંજુર કરાવવાનુ ષડયંત્ર કોના ઈશારે?
વિસનગર પોલીસ વસાહતના કામમાં લાખ્ખોનુ બીલ ગટર કરવાનુ કૌભાંડ
• પોલીસ આવાસ નિગમના અહેવાલ પ્રમાણે રૂા.૧.૪૧ લાખનુજ કામ થયુ છે
• વિસનગર પોલીસના અહેવાલ પ્રમાણે થયેલ કામનો એસ્ટીમેટ રૂા.૧.૯૦ લાખ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દબંગ પોલીસ અધિકારીની છાપ ધરાવતા એસ.પી.મનિષસિંહની કડી દારૂકાંડમાં રાજકીય બદલી થતા તેમના સમયકાળમાં અટકાવાયેલા ખોટા બીલો મંજુર કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જગાવી છે. વિસનગર પોલીસ વસાહતની ગટરલાઈનના કામનુ જે બીલ એસ.પી.એ અટકાવ્યુ હતુ. તે લાખ્ખોનુ બીલ મંજુર કરાવવા હિલચાલ થતા કોના ઈશારે આ કૌભાંડ કરવામાં આવનાર હતુ તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે.
વિસનગર પોલીસ લાઈનના ચાર બ્લોકની ગટરલાઈન બગડતા નવી ગટર લાઈન નાખવા માટે દરખાસ્ત કરાઈ હતી. તે સમયે તત્કાલીન એસ.પી. નિલેશ જાજડીયાએ ખોદકામ અને માલ સામાન સાથે એક ફૂટના રૂા.૧૦૦૦/- નો ભાવ મંજુર કરી રીન્કેશ કનૈયાલાલ સોની નામના કોન્ટ્રાક્ટરને તા.૨૬-૯-૧૯ ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં ખોદકામ કરી નવી ગટરલાઈન નાખવાની હતી. કામ પૂર્ણ થતા કોન્ટ્રાક્ટરે બીલો મુકતા રૂા.૪,૯૦,૦૦૦/- ના બીલ મંજુર થયા હતા. ત્યારબાદ જાણવા મળેલી માહિતી પ્રમાણે હેડ ક્વાટરમાં બેસતા કોઈ ક્લાર્કના ઘરનુ નળ ફીટીંગનુ કામ બાકી હોવાથી આ કોન્ટ્રાક્ટરના બીલો અટક્યા હતા. એસ.પી.નિલેશ જાજડીયાની બદલી થતા મનિષસિંહે ચાર્જ સંભાળતા તેમના સમયકાળમાં ગટરલાઈનનુ આ બીલ મંજુરી માટે મુકવામાં આવ્યુ હતુ. બીલ શંકાસ્પદ જણાતા એસ.પી.મનિષસિંહે તા.૨૫-૧૦-૨૦૧૯ ના પત્રથી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી.ને રીપોર્ટ કરી સ્થળ વિઝીટ કરી થયેલ કામનો સ્પષ્ટ રીપોર્ટ માગ્યો હતો. જેમાં પોલીસ આવાસ નિગમની સુચનાથી કોન્ટ્રાક્ટર, વિસનગર પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેરની હાજરીમાં થયેલ કામની તપાસ અને માપણી કરવામાં આવી હતી. જેમાં એસ.ઓ.આર. રેટ પ્રમાણે થયેલ કામનો કુલ ખર્ચ રૂા.૧,૪૧,૭૩૩.૬૪ થયો હોવાનો અહેવાલ તા.૨-૧૨-૧૯ ના રોજ એસ.પી.ને મોકલી આપ્યો હતો. આ સીવાય એસ.પી.એ વિસનગર પોલીસ સ્ટેશનમાં થયેલ કામની વિગતો માગી હતી. જેમાં વિસનગરના સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને આ કામના જાણકાર માણસો દ્વારા જાન્યુઆરી ૨૦૨૦ માં સ્થળ તપાસ કરવામાં આવી હતી. થયેલ કામગીરીની તપાસ કરવામાં આવતા ચાર બ્લોકનુ ખોદકામ આશરે ૧૪૩૮ મીટર થયુ હતુ. જેનુ ખોદકામ અને મટેરીયલ્સ નાખવા સાથેનો એસ્ટીમેટ રૂા.૧,૯૦,૦૦૦/- આપવામાં આવ્યો હતો. થયેલ કામનુ દસગણુ બીલ મંજુરી માટે આવતા એસ.પી.મનિષસિંહે આ બીલ અટકાવ્યુ હતુ.
ગટરલાઈન નાખવા જે ખર્ચ થયો હતો તેના કરતા રૂા.૩,૦૦,૦૦૦/- કોન્ટ્રાક્ટરને વધારે બીલ પેટે આપવામાં આવ્યા હતા. પરંતુ ફૂટે રૂા.૧૦૦૦/- નો ભાવ મંજુર કર્યો હોવાથી વધારાની રકમ પરત લઈ શકાય તેમ નહોતી. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા બાકી બીલની રકમ રૂા.૯,૪૩,૦૦૦/- ની માગણી કરવામાં આવી હતી. જે બીલ એસ.પી.મનિષસિંહે અટકાવ્યુ હતુ. એસ.પી.ની બદલી થતાજ અટકેલુ બીલ મંજુર કરાવવા ષડયંત્ર થતા પોલીસ ખાતામાં બજાર ભાવ અને એસ.ઓ.આર રેટ કરતા ૧૦ ગણા ભાવે કામ થતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોના ઈશારે બીલ મંજુર કરવાનો કારસો રચાયો તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે.