Select Page

વિસનગર તાલુકા પંચાયતની જનરલ સભામાં વિવાદ તાલુકા પંચાયત પ્રમુખનો બળાપો મારા હોદ્દાની ગરીમા જળવાતી નથી

વિસનગર તાલુકા પંચાયતની જનરલ સભામાં વિવાદ તાલુકા પંચાયત પ્રમુખનો બળાપો મારા હોદ્દાની ગરીમા જળવાતી નથી


વિસનગર તાલુકા પંચાયત ભવનમાં પ્રમુખ પુષ્પાબેન વણકરની અધ્યક્ષતામાં અને ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં મંગળવારના રોજ તાલુકા પંચાયતની જનરલ સભા મળી હતી. આ જનરલમાં એજન્ડાના મુદ્દાઓની ચર્ચા થતી હતી તે દરમિયાન અચાનક પ્રમુખ મીટીંગમાંથી બહાર નિકળી જતા વિવાદ થયો હતો. આ અંગે પ્રમુખ પુષ્પાબેન વણકરે જણાવ્યુ હતુ કે, તાલુકા પંચાયતમાં મારા હોદ્દાની ગરીમા જળવાતી નથી અને મને જાણ કર્યા વગર કેટલાક વિકાસકામોના નિર્ણયો લેવાય છે.
વિસનગર તાલુકા પંચાયત ભવનમાં પ્રમુખ પુષ્પાબેન વણકરની અધ્યક્ષતામાં અને ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બપોરે ૧-૩૦ વાગે તાલુકા પંચાયતની જનરલ સભા મળી હતી. જેમાં નવિન તાલુકા પંચાયત ભવનમાં થયેલ ફાયર સેફ્ટી સિસ્ટમ ખર્ચ, નવિન વિજ મિટર ખર્ચ, તિજોરી ખર્ચ, તથા અન્ય પરચુરણ ખર્ચ મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પંચાયતના પથિકાશ્રમની દુકાનોની નવી સીડી અને રીપેરીંગ કરવા, આઈ.આર.ડી. શાખાની કચેરીનુ રંગરોગાન કરવા, તાલુકા પંચાયત ભવનમાં આઉટસોર્સથી ચોકીદારની નિમણૂંક કરવા, વાહન પાર્કિંગ માટે નવિન પતરાનો શેડ બનાવવા તથા તાલુકા પંચાયત ભવન ફરતે બાઉન્ડ્રી કોર્ડન કરવાની મંજુરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન અચાનક પ્રમુખ પુષ્પાબેન વણકરે મારે ઘરે કામ છે તેવુ કહી ચાલુ સભામાંથી નિકળી જતા વિવાદ થયો હતો. આ અંગે પ્રમુખ પુષ્પાબેન વણકરે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, જનરલ સભાનો સમય ૧૨-૩૦ કલાકે હતો. એટલે હું સમયસર તાલુકા પંચાયતમાં પહોચી હતી પરંતુ ૧-૩૦ વાગ્યા સુધી મીટીંગ ચાલુ કરી નહોતી છતાં હું બેસી રહી. તાલુકા પંચાયતમાં મારા(પ્રમુખ) હોદ્દાની કોઈ ગરીમા જળવાતી નથી. અત્યારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ અને ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી ત્રણેય જણા ભેગા થઈ બધા નિર્ણયો લે છે. અત્યારે તાલુકા પંચાયત ભવનની સામે ડીવાયએસપી કચેરી હોવાથી અહી સિક્યુરીટી ગાર્ડ રાખવાની, બગીચો તૈયાર ન હોવા છતાં માળી રાખવાની અને ગેટની બાજુમાં વાહનો પાર્કિંગની જગ્યામાં શેડ બનાવવાની જરૂર ન હોવા છતાં મારી જાણ બહાર આ ત્રણેય મુદ્દા એજન્ડામાં લીધા હતા. અને વિષ્ણુભાઈ, અંકિતભાઈ તથા ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી ભેગા થઈ એજન્ડામાં મારી સહી કરાવવા આવ્યા હતા. પરંતુ મેં તેમાં સહી કરી નહોતી. આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલની હાજરીમાં અંકિતભાઈ તેમની ખુરશીમાં બેસે છે. અંકિતભાઈ બાજુની ખુરશીમાં કેમ બેસતા નથી? કાલે મારી ગેરહાજરીમાં કોઈ વ્યક્તિ પ્રમુખની(મારી) ખુરશીમાં બેસી જશે. આવુ થોડુ ચલાવી લેવાય? તાલુકા પંચાયતમાં અંકિતભાઈ, વિષ્ણુભાઈ અને ટીડીઓ ત્રણની મિલીભગત છે. તાલુકા પંચાયત ભવનનું કામ ચાલતુ હતુ ત્યારે ચોકીદારની જરૂર હતી. તો તે સમયે ચોકીદારનો વિચાર કેમ ન આવ્યો? આ ત્રણેય જણા ભેગા મળી તાલુકા પંચાયતમાં બિનજરૂરી ખર્ચા કરે છે. આજે તાલુકા પંચાયતમાં મારી સતત અવગણના થાય છે. આ બાબતે મેં મંત્રીશ્રીને જાણ પણ કરી છે.
અમે તાલુકા પંચાયતના તમામ સદસ્યો પ્રમુખના હોદ્દાની ગરીમા જાળવીએ છીએ, છતાં પ્રમુખ પુષ્પાબેનને વારંવાર ખોટુ કેમ લાગે છે તેની અમને કોઈને ખબર પડતી નથી-કારોબારી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ
જ્યારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અમારી કારોબારીની મીટીંગનો સમય ૧૨-૦૦ વાગે હતો. પરંતુ કેટલાક મુદ્દાઓની ચર્ચામાં થોડો વધુ સમય થયો હતો. અમે પ્રમુખને કારોબારીની મિટીંગમાં બેસવાનુ કહ્યુ હતુ પણ તેઓ આવ્યા નહોતા.અમે તમામ સદસ્યો પ્રમુખના હોદ્દાની ગરીમા જાળવીએ છીએ છતાં તેઓ નાની-નાની બાબતે રિસાઈ જાય છે. અમે પ્રમુખને પુછ્યા વગર પાણી પણ પીતા નથી તેવુ કહીએ તો પણ ચાલે. પ્રમુખને વારંવાર ખોટુ કેમ લાગે છે તેની અમને કોઈને ખબર પડતી નથી.