પીંડારીયામાં ભારે વરસાદથી ઢાંકપીછોડ ધોવાતા ભ્રષ્ટાચાર ખુલ્યો
પાણીની આવકથી વર્ષો જૂની દિવાલ ધરાશાયી
પીંડારીયામાં ભારે વરસાદથી ઢાંકપીછોડ ધોવાતા ભ્રષ્ટાચાર ખુલ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આગવી ઓળખની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલ પીંડારીયા તળાવનો ભ્રષ્ટાચાર ખુલ્યો પડે છે. શરમની બાબતનો એ છેકે ભ્રષ્ટાચાર દેખાય છે તેમ છતાં પાલિકા દ્વારા આંખો બંધ કરી કોન્ટ્રાક્ટરના બીલ મંજુર કરવામાં આવે છે. પાલિકા દ્વારા ભ્રષ્ટાચારને પોષવામાં આવી રહ્યો છે. તળાવ ભરાતા વર્ષો જૂની દિવાલ પણ ધારાશાયી થતાં તળાવ કિનારે જોખમ વધ્યુ છે.
વિસનગર પંથકમાં ગત અઠવાડીયે ભારે વરસાદ પડતા પીંડારીયા તળાવમાં ભારે નુકશાન થયુ છે. તળાવમાં પાણી ભરાતા હનુમાનજીના મંદિર સામે આવેલા આંબાની પાસેની લગભગ ૧૦૦ ફૂટ જેટલી વર્ષોજૂની દિવાલ પડી ગઈ છે. આ દિવાલ ઘણા સમય પહેલા બનાવી હશે. જે તે વખતે ખાયકી વગર અને કોન્ટ્રાક્ટરોના બીલ મંજુર કરી ખીસ્સા નહી ભરનાર શાસકોના વહીવટમાં દિવાલ બનતા વર્ષો પછી જુની દિવાલ પડી ગઈ હતી. જ્યારે અત્યારે ખાયકીના શાસનમાં આગવી ઓળખની રૂા.૪ કરોડની ગ્રાન્ટમાંથી નવી બનેલી દિવાલાને એક વર્ષ પણ થયુ નથી અને ભારે વરસાદમાં દિવાલમાં તિરાડો પડી ગઈ છે. પીંડારીયા તળાવના મેઈન ગેટમાંથી પ્રવેશ કરતાજ જમણી સાઈડે આવતા વડલાની પાસેની તળાવની નવી બનેલી દિવાલમાં તિરાડો પડી ગઈ છે. દિવાલ તળાવ બાજુ નમી ગઈ છે. દિવાલમાં ઉપરનો લાકડા જેવો શોનો ભાગ છુટો પડી ગયો છે. આ દિવાલ તળાવમાં અંદરના ભાગે પડવાની તે ચોક્કસ વાત છે. ગત વર્ષે પણ ભારે વરસાદના કારણે તળાવની પાળે કરવામાં આવેલ પથ્થર પીચીંગમાં નીચેથી માટી ધોવાતા પોલાણ થઈ ગયુ હતુ. ૪૦૦-૫૦૦ ફૂટની દિવાલ તુટી ગઈ હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવ્યુ હતુ. ન જાણે દેવસ્થાનની જગ્યાના વિકાસ કામમાં કોના ખીસ્સા ભરવા કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવ્યુ હશે?
પીંડારીયા તળાવના વિકાસમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. કુદરત દર વર્ષે વિસનગર પંથકમાં ચોમાસામાં ભારે વરસાદ કરી પાલિકાની અને કોન્ટ્રાક્ટરની મીલીભગતની ઢાંક પીછોડનું ધોવાણ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે. જોકે આ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં કુદરત પણ હારી થાકી છે. ચોમાસામાં દર વર્ષે પીંડારીયા તળાવના વિકાસના હલકી ગુણવત્તાના કામનો પર્દાફાશ થાય છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરના રાબેતા મુજબના બીલો મંંજુર થાય છે અને ચુકવાય છે. પાલિકા અને કોન્ટ્રાક્ટરની આ રીતેજ મીલીભગતનો વિકાસ થતો રહેશે તો પીંડારીયા તળાવનો વિકાસ આવનાર ચોમાસામાં ધોવાઈ જવાનો છે તે ચોક્કસ વાત છે.