Select Page

સરકારની રીસર્વે ભૂલના ભોગે ખેડૂતને રૂા.૫૦૦૦નુ નુકશાન

સરકારની રીસર્વે ભૂલના ભોગે ખેડૂતને રૂા.૫૦૦૦નુ નુકશાન

અરજી આપવા છતા ઉતારામાં ફેરફાર ન કરતા માલિકીનો ખોટો દાવો કરી ખેતર ખેડી નાખ્યુ

  • મહેસાણા ડી.આઈ.એલ.આર.શાખા ભ્રષ્ટમાં ભ્રષ્ટ

ભાજપ સરકાર દ્વારા જમીન રીસર્વેમાં મોટા પ્રમાણમાં ભૂલો થતા હજુ સુધી ખેડૂતોને સહન કરવુ પડે છે. પૈસા ધર્યા વગર મહેસુલ વિભાગના અધિકારીઓ કામ કરતા નથી અને ખેડૂતોને ઝઘડાનો ભોગ બનવુ પડે છે. વિસનગર તાલુકાના ધામણવા ગામમાં જમીન રીસર્વે ભૂલના કારણે ૭-૧૨ ના ઉતારામાં ખોટા નામ બોલતા હોવાના આધારે માલિકીનો દાવો કરી ખેતર ખેડી નાખતા ખેડૂતને નુકશાન સહન કરવુ પડ્યુ છે. ફેરફાર માટે આધાર પુરાવા સાથે અરજી કરી હોવા છતા કયા કારણસર સુધારો થયો નથી અને કયા અધિકારી કે કર્મચારીની મેલી મુરાદ રહેલી છે તેની પણ તપાસ થવી જોઈએ. ખેડૂતની પોલીસ ફરિયાદ આધારે માલિકીનો દાવો કરી નુકશાન કરનાર સામે ગુનો નોધાયો છે.
વિસનગર તાલુકાના ધામણવા ગામના સુરેશભાઈ પ્રહલાદભાઈ મોતીદાસ પટેલે ગામની સીમમાં કોમલપુર(ખ) રોડ બાજુની પળથારા આંટામાં આવેલ સર્વે નં.૮૧૨ ની જમીન વર્ષ ૨૦૧૩ માં મુળ માલિક ઠાકોર નાથાજી મથુરજી પાસેથી વેચાણ રાખી હતી. સુરેશભાઈ પટેલે તેમના પત્ની જ્યોત્સનાબેન પટેલના નામે જમીન ખરીદી હતી. વેચાણ રાખી ત્યારથી આ જમીન ઉપર સુરેશભાઈ પટેલનો કબજો છે. ત્યારે સરકારના રીસર્વે કાર્યક્રમમાં રીસર્વે ભૂલના કારણે આ સર્વે નંબરની જમીન ઠાકોર મગનજી કાળીજીના જમીનના ૭-૧૨ના ઉતારામાં દર્શાવવામાં આવેલ. જે બાબતે સુરેશભાઈ પટેલે વર્ષ ૨૦૧૮ માં મહેસાણા ડી.આઈ.એલ.આર. શાખામાં જમીનના સર્વે નંબર ફેરફાર થવા બાબતે આધાર પુરાવા સાથે અરજી કરી હતી. જેનો નકશો સુધારવામાં આવેલો. પરંતુ ડી.આઈ.એલ.આર.શાખાની ભ્રષ્ટાચારી રીત રસમના કારણે ૭-૧૨ના ઉતારામાં કોઈ ફેરફાર કરેલ નહોઈ હાલમાં પણ સાત બારમાં આ જમીન ખોટી જગ્યાએ બતાવવામાં આવેલ છે.
સુરેશભાઈ પટેલે તેમના ખેતરમાં ગવારનું વાવેતર કર્યુ હતુ. ત્યારે ધામણવા ગામના મુકેશજી ઉર્ફે પરબતજી મગનજી ઠાકોર પોતાની ટ્રેક્ટર લઈ ગવારના વાવેતરવાળુ ખેતર ખેડી નાખ્યુ હતુ. ખેતરમાં નુકશાન કરતા જ્યોત્સનાબેન પટેલ મુકેશજી ઠાકોરના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારે સરકારની રીસર્વેની ભૂલના કારણે માલિકીનો દાવો કરનાર મુકેશજી ઠાકોરે ધમકીઓ આપી હતી કે તમારી જમીન, તેના ઉતારા મારા સર્વે નંબરના નિકળે છે. જમીનનો માલિક હું છુ. હવે તમે કે તમારા પતિ જમીન ખેડવા જશો તો જીવતા નહી છોડીએ. આમ સરકારની રીસર્વેની ભુલોમાં મહેસુલ શાખાના ભ્રષ્ટ અધિકારીઓ ફેરફાર નહી કરતા મુળ માલિકોને હેરાન થવુ પડે છે. સુરેશભાઈ પટેલની ફરિયાદ આધારે પોલીસે માલિકીનો ખોટો દાવો કરી ખેતર ખેડી નાખનાર મુકેશજી ઉર્ફે પરબતજી મગનજી ઠાકોર વિરુધ્ધ રૂા.૫૦૦૦/- નુ નુકશાન કરવા બદલનો ગુનો દાખલ કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts