ઘરભાડુ ન ચુકવવું તે ફોજદારી ગુનો નથી-સુપ્રીમ
ભારત દેશના વિકાસ માટે
ભાડુઆત કાયદામાં સુધારો જરૂરી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદામાં જણાવ્યું હતું કે, ભાડુઆત તરફથી ભાડુ ન આપવાનો મામલો સીવીલ વિવાદ છે. આ કોઈ ફોજદારી નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો ભાડુઆત ભાડુ ન આપે તેના માટે આઈ.પી.સી.કલમ નીચે કાર્યવાહી થઈ શકે નહિ. સુપ્રીમ કોર્ટે તાજેતરમાંજ સંભળાવેલા પોતાના ચુકાદામાં ભાડુઆત વિરુદ્ધ આઈ.પી.કલમ ૪૦૩, ૪૧૫ મુજબ દાખલ થયેલ કેસની ફરીયાદ (એફ.આઈ.આર.) નકારી કાઢી હતી. અને જણાવ્યું હતું કે, ભાડુઆત ભાડુ ન ચુકવે તે સીવીલ વિવાદ છે. દેશની મોટામાં મોટુ ન્યાયમંદિર સુપ્રીમ કોર્ટ છે. તેનો ચુકાદો એ કાયદો બની જાય છે. દેશની તમામ કોર્ટો આ કાયદા અનુસાર ન્યાય આપે છે. પણ આ કાયદો સુધારો માંગે છે. દેશની લોકસભા, રાજસભા, રાષ્ટ્રપતિ આ કાયદામાં સુધારો લાવે કે ભાડુઆતે ઘરનું ભાડુ ન આપવુ તે ફોજદારી ગુનો બને. અને પોલીસ વચ્ચે રહી મકાનનો કબજો અપાવે. અને જો આને ફોજદારી ગુનો બનાવવામાં આવે તો અનેક વિવાદો ઉકલી જાય. આ કાયદો લાવવામાં આવે તો દેશના રીયલ એસ્ટેટમાં તેજી આવે ખેડૂતોની જમીનોના ભાવ ઊંચા જાય ખેડૂતો સધ્ધર બને અને દેશનો વિકાસ થાય. ભાજપના કોઈપણ નેતાના વક્તવ્યમાં ઓછામાં ઓછો દસ વખત વિકાસ, વિકાસ શબ્દ આવે. ભાજપે ખરેખર જ વિકાસ કરવો હોય તો આ કાયદો સુધારવો રહ્યો. ભારત દેશમાં દરેક વ્યક્તિ પોત પોતાની શક્તિ પ્રમાણે બચત કરવા ટેવાયેલી છે. કરેલી બચતનું બેન્કો ઘણું ઓછું વ્યાજ આપે છે. શેરમાં મૂડીની સલામતી નથી ત્યારે વ્યક્તિની નજર રીયલ એસ્ટેટ તરફ દોડે છે. એ પોતાની શક્તિ મુજબ પ્લોટ, ફ્લેટ, રો-હાઉસ વિગેરેમાં રોકાણ કરે છે. આ કાયદામાં સુધારો આવે તો લોકો ચિંતા મુક્ત રીયલ એસ્ટેટ તરફ વળે તો સીમેન્ટ, કપચી, રેતી, લોખંડ બધાજ સેક્ટરમાં ખરીદી થાય. કડીયા, સુથારો, મજૂરો અને કોન્ટ્રાક્ટરોને રોજી રોટી મળે. રોજેરોજ રેત, સીમેન્ટ, ઈંટો, લોખંડના ભાવો વધે છે. જેથી તૈયાર થયેલા મકાનમાં રોકાણ કરનાર વ્યક્તિને વળતર મળે અને સુધારેલો કાયદો હોય તો મિલ્કત ભાડે આપી ભાડાની આવક પણ કરી શકે. સરકારી બાબુઓ જો કાયદામાં સુધારો આવે તો તેમની બેનામી કમાણી રીયલ એસ્ટેટમાં નાંખી શકે જેથી બેનામી નાણામાં ઘટાડો થાય. આપણે પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરીએ છીએ. પાશ્ચાત્ય દેશોમાં ભાડે આપેલું મકાન ભાડુઆત ખાલી ન કરે તો પોલીસ ખાલી કરાવી આપે છે. તે અમેરીકા સહિત દેશોમાં હજ્જારો ફ્લેટોની ભાડાની સોસાયટીઓ બને છે. જ્યાં તમે ભાડુ ચુકવો એટલે તમામ સગવડો સાથેનું મકાન હોય. મકાન સેન્ટ્રલી એર કન્ડીશન હોય. ગેસ કનેક્શન ફ્રી મળે. ફક્ત લાઈટબીલ ભરવાનુ રહે. કપડાં ધોવાના મશીનો પણ મળે. આવી સગવડો વ્યાજબી ભાડાના મકાનો મળી રહે તો દેશમાં મધ્યમ વર્ગને સારી સગવડો મળી શકે. તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિએ ભાડાના મકાનમાં ફોજદારી ગુનો બને તેવો અને વધારામાં પોલીસતંત્ર દરમ્યાનગીરી કરી ખાલી કરાવી આપે તેવો કાયદો બને તો ભાજપ પક્ષ ઈચ્છે છે તેવો વિકાસ દેશમાં થાય.