Select Page

માલધારીઓના આંદોલનથી સરકાર ફફડી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેશે

માલધારીઓના આંદોલનથી સરકાર ફફડી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેશે

તંત્રી સ્થાનેથી…

દર વર્ષે ચોમાસામાં રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વર્તાય છે. માટીમાં જીવાત કરડતી હોવાથી રખડતા ઢોર રોડ ઉપર બેસવાનું વધારે પસંદ કરે છે. ચોમાસાના ચાર માસ દરમ્યાનજ રખડતા ઢોરના હુમલાથી અકસ્માત, ઈજા અને ક્યારેક મૃત્યુના બનાવ બને છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા બનાવ સોશિયલ મિડીયામાં ફરતા થતા રખડતા ઢોર ઉપર અંકુશ આવે તેવી નાગરિકોની માગણી બાદ ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ બીલ વિધાનસભામાં રજુ થયુ હતુ. બીલ વિધાનસભામાં રજુ થતાની સાથેજ માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. વિધાનસભાની ચુંટણી આવતાજ વિરોધ પક્ષોનો ટેકો મળતા ઢોર નિયંત્રણ બીલ સામે માલધારી સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થયો. માલધારી મહાપંચાયત દ્વારા તા.૨૧-૯-૨૦૨૨ ના રોજ સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ ભરાવવુ નહી તેમજ દૂધ વિતરણ કરવુ નહી તેવો નિર્ણય કરાયો. ગોપાલકોના આ એક દિવસના નિર્ણયથીજ મોટા શહેરોમાં આંદોલનના આગળના દિવસે દૂધ લેવા માટે રીતસરની પડાપડી થઈ. આંદોલનના દિવસે કેટલાક ગોપાલકોએ રોડ ઉપર દૂધ ઢોળીને વેડફી નાખીને વિરોધ કર્યો તો કેટલાક ગોપાલકોએ દૂધની ખીર બનાવી હોસ્પિટલોમાં દર્દિઓને તેમજ રાહદારીઓમાં વિતરણ કરી સમાજ સેવાનું કાર્ય કર્યુ. આ એક દિવસના આંદોલનથી સરકાર પણ ફફડી ઉઠી અને ઢોર નિયંત્રણ વિધેયક બીલ પાછુ ખેચવાનો નિર્ણય કર્યો. જ્યાં લાલચ હોય ત્યા કડક અને નક્કર નિર્ણયો લઈ શકાતા નથી. વિધાનસભાની ચુંટણી આવતી હોવાથી મતના રાજકારણમાં ગોપાલકોને રીઝવવા માટે સરકાર દ્વારા ઢોર નિયંત્રણ બીલ પાછુ ખેચવા માટેનો નિર્ણય કરાયો છે. પરંતુ આ નિર્ણયથી ફક્ત ગોપાલકોનેજ ફાયદો થવાનો છે. રખડતા ઢોરનો સમગ્ર સમાજને ત્રાસ વર્તાઈ રહ્યો છે તેનુ શું? આ નિર્ણય ઉપરથી સરકારને ફક્ત ગોપાલકોના મતનીજ પડી છે. રખડતા ઢોરનો ત્રાસ સહન કરતા અન્ય સમાજના લોકોની દરકાર નથી એમ કહી શકાય. તાલુકા કક્ષાના નાના શહેરો અને મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધારે જોવા મળે છે. ઢોર નિયંત્રણ બીલ પાછુ ખેચતા પાલિકા અને કોર્પોરેશન પણ ઢોર પકડવામાં ઢીલી નીતિ રાખશે તે ચોક્કસ વાત છે. જોકે ઢોર નિયંત્રણ વિધેયકમાં ગોપાલકોના વિરોધ પાછળ સરકારની પણ બેવડી નીતિ જવાબદાર છે. એક તરફ ગૌચરોમાં થતા દબાણ અટકાવી શકાતા નથી. ગૌચરોની ઉદ્યોગોને લ્હાણી કરવામાં આવે છે. હિન્દુત્વની વાતો કરતી સરકાર દ્વારા ગૌરક્ષાની વાતો કરવામાં આવે છે અને ગૌવંશને કતલખાને જતુ બચાવી શકતી નથી. આવી નીતિના કારણે સરકાર ચોરતરફથી ઘેરાયેલી છે. રખડતા ઢોરનો ત્રાસ તમામ સમાજને છે ત્યારે સરકારે ગોપાલકોને વિશ્વાસમાં લઈ આ સળગતા પ્રશ્નનો નિકાલ કરવા શું કરી શકાય તે બાબતે નિર્ણય કરવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us