વડનગર-વિજાપુર-ખેરાલુ પાલિકાની ચુંટણીમાં ભાજપ નો-રિપીટ થિયરી લાગુ કરશે?
ગુજરાત વિધાનસભાની ચુંટણીમા ભાજપે ૧પ૬ સીટો જીતી છે. તેમજ તે પછી કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડીયા અને સી.જે.ચાવડા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેના કારણે ગુજરાત વિધાનસભામા ભાજપના કુલ ૧૬૧ની બહુમતી થઈ છે. ગુજરાત રાજ્યમાંથી કોંગ્રેસ લગભગ નામશેષ થઈ ગયુ છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપની એન્ટીઈન્કમ્બસીને દૂર કરવા નોરીપીટ થિયરી લાગુ થશે. તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ખેરાલુ, વડનગર અને વિજાપુર નગરપાલિકાની ચુંટણીમા ભાજપ દ્વારા નો રીપીટ થીયરી લાગુ થાય તેવી શક્યતાઓ જોવા મળે છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા નાનામા નાના કાર્યકરને સંપૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવે છે. નવા કાર્યકરોને નેતા બનાવવા માટે નોરીપીટ થિયરી લાગુ થાય તે જરૂરી છે. વર્ષો જુના આગેવાનો જ દર વર્ષે નગરપાલિકામા ચુંટાય તો નવા આગેવાનોને ચાન્સ કયારે મળશે ? તેવુ વિચારી ભાજપ મોવડી મંડળ પણ જુના સભ્યોને ઘર ભેગા કરવા તૈયાર હોય તેવુ લાગે છે. ભાજપ સંગઠનના જિલ્લાના એક હોદ્દેદારે નામ ન આપવાની શરતે જણાવ્યુ છે કે તેઓ પણ પાલિકાની ચુંટણીમા નો રીપીટ થીયરીનુ સમર્થન કરવાના છે. ર૦૦ર પછીની ગુજરાતમાં પાલિકાની ચુંટણી યોજાઈ ત્યારે મહેસાણા જિલ્લા સહીત રાજ્યની મોટાભાગની પાલિકાઓમાં નોરીપીટ થિયરી લાગુ થઈ હતી જો કે તે સમયે વર્ષોથી પાલિકા સભ્ય પદને પોતાની જાગીર સમજતા આગેવાનો દ્વારા તેમના પરિવારના સભ્યોને ટિકીટ અપાવી ચુંટણી લડાવી હતી. જેમાંથી કેટલાક આગેવાનો સફળ થયા જ્યારે કેટલાક આગેવાનો નિષ્ફળ ગયા હતા.
પાલિકાના રાજકારણમાંથી ભ્રષ્ટાચાર હટાવવો હોયતો નો રીપીટ થિયરી શ્રેષ્ઠ ઉપાય છે. તેવુ શહેર/ તાલુકા સંગઠનના આગેવાનો પણ જાણે છે પરંતુ હાલ ભાજપની શિસ્તને કારણે છે જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી. પાલિકાઓમાં ભ્રષ્ટાચાર જગ જાહેર છે. લોકો સભ્યો વિરૂધ્ધમાં અંદરખાને ખુબજ ટીકાઓ કરે છે. તેવુ ભાજપ મોવડી મંડળ પણ જાણે છે. ડિસેમ્બરથી ફ્રેબુઆરી વચ્ચે યોજાનાર નગરપાલિકાઓની ચુંટણીમા ભાજપમાંથી ટિકીટ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અત્યારથી લોંબિગ શરૂ કરી દિધુ છે. કોંગ્રેસ દ્વારા પણ ભાજપનો પાલિકામાં થતો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે મુદ્દા એકત્ર કરી દીધા છે. જેથી જુના સભ્યોને ભાજપ ટીકીટ આપશે તો કોંગ્રેસને ફાવતુ જડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમા કોંગ્રેસ કે વિરોધ પક્ષો દ્વારા એકપણ કૌભાંડ ઉજાગર કરી શક્યા નથી માત્ર આક્ષેપો કરેછે જયારે તેની સામે નગરપાલિકાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર જગ જાહેર છે તેવુ નિયમિત અખબારોમાં જાણવા મળે છે. જેથી ગુજરાતમાં નગરપાલિકાઓથી ચુંટણીમાં કોંગ્રેસને હંફાવવા માટેનો રીપીટ થિયરી લાવવી જરૂરી છે. ભાજપ મોવડીઓનો નગરપાલિકાના સાશકો ઉપર કોઈ કંટ્રોલ નથી તે આખુ ગુજરાત જાણે છે નો રીપીટ થિયરી જ ભાજપ માટે નગરપાલિકાઓમા વિજય મેળવવાનુ બ્રહ્માસ્ત્ર સાબિત થશે તે નિશ્વિત લાગે છે.