વડનગરમાં પોલીસ અને પાલિકાની નિષ્ક્રીયતાથી પ્રજા પરેશાન
૧૪મી જાન્યુઆરીના રોજ વડનગર શહેરમાં ટુરીસ્ટ સાથે બનેલા બનાવને પગલે સુઈગામ ડીપાર્ટમેન્ટ સચિવે શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, વડનગરના સામાજીક કાર્યકર સોમભાઈ મોદી સહિત શહેરના આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વડનગર શહેરમાં જાન્યુઆરી મહિનામાં કેટલાક અસામાજીક તત્વોએ શહેરના ઐતિહાસિક સ્થળો જોવા આવેલા ટુરીસ્ટો સાથે અણછાજતુ વર્તન કર્યુ હતુ. આ બનાવને પગલે સુઈગામ ડીપાર્ટમેન્ટના સચિવે શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, સામાજીક કાર્યકર્તા સોમભાઈ મોદી તથા અધિકારીઓ સાથે તોરલ હોટલમાં બેઠક યોજી હતી. જેમાં શહેરના ઐતિહાસિક સ્થળોના વિકાસની ચર્ચા કરી શહેરના ઐતિહાસિક સ્થળો જોવા માટે આવતા ટુરીસ્ટો સાથે ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા પી.આઈ. બી.એમ.પટેલ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી. આ સાથે શહેરના ટાવર બજારની પોલીસ ચોકી ચોવીસ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અગાઉ મહેસાણા જીલ્લા પોલીસ વડા ડા.પાર્થરાજસિંહ ગોહિલે વડનગર શહેરમાં અસામાજીક તત્વોની અને ટ્રાફીક સમસ્યા દુર કરવા તાત્કાલીક ધોરણે પી.આઈ. બી.એમ.પટેલની નિમણુંક કરી હતી. ત્યારે પી.એસ.આઈ. તરીકે દેસાઈ હતા. અને બીજા પી.એસ.આઈ.ની નિમણુંક કરવામાં આવી હતી. આમ વડનગર શહેર પોલીસ સ્ટેશનમાં અત્યારે ત્રણ પોલીસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. છતાં શહેરમા ટ્રાફીક સમસ્યા અને અસામાજીક તત્વોનો ત્રાસ છે. વડનગર નગરપાલિકાના સત્તાધીશો અને પોલીસ અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રીય થઈ ગયા હોય તેવુ લોકો માની રહ્યા છે. વડનગર ટાવરની પોલીસ ચોકી ચોવીસ (૨૪) કલાકના બદલે અમુક સમયે નિયમિત ખુલ્લી જોવા મળે છે. પોલીસ સ્ટેશનમાં કોઈ કર્મચારી જોવા મળતા નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં ટુરીસ્ટો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવાની જવાબદારી પોલીસ અને પાલિકાના સત્તાધીશોની છે. પોલીસ અને પાલિકાના સત્તાધીશો શહેરમાં ટ્રાફીક સમસ્યા અને અસામાજીક તત્વો સામે કડક પગલા ભરે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.
અત્રે ઉલ્લ્ખનીય છે કે, મહેસાણા જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વડનગર પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજવામાં આવે છે. જેમાં પોલીસ દ્વારા પોતાની કામગીરીની વાહવાહી કરે તેવા લાગતા વળગતા લોકોનેજ બોલાવવામાં આવે છે. આ સાથે કેટલાક પત્રકારોને જ જાણ કરાય છે. પોલીસ અધિકારી લોક દરબારના કાર્યક્રમમાં આવો ભેદભાવ કેમ રાખે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.