સુચવેલ વિકાસ કામ થતા નહી હોવાનો રોષ વિસનગર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યાએ રાજીનામુ ધર્યુ
ભાજપ શાસીત વિસનગર તાલુકા પંચાયતના વહિવટ ઉપર ચુંટાયેલા સભ્યોને અવગણી અત્યારે એક હથ્થુ શાસન થતા સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક મહિલા સદસ્યાએ તો એપ્રીલ માસમાં રાજીનામુ ધરી દીધુ હતુ. પરંતુ સ્વિકારાયુ નથી. ગ્રામ પંચાયતો અને લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિકાસ કામ મુદ્દે સભ્યોના રોષને ઠારી ડેમેજ કંટ્રોલ નહી કરે તો મોટો હોબળો થયાની પુરેપુરી શક્યતા છે.
વિધાન સભાની ચુંટણીની ગરજ પુરી થતા, રાજીનામુ આપતા હોય તો લઈ લો એવા અપમાનજનક જવાબથી સભ્યોમાં નારાજગી
વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ ઉપર ઋષિભાઈ પટેલ જંગી મતોથી વિજયી થતા અને ફરીથી કેબીનેટ મંત્રી પદે શપથ લીધા બાદ તેમની પાછળ ભાજપ શાસીત વિસનગર તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સદસ્યોની સત્તાઓ કાપી નાખતા સભ્યોમાં ભારે કચવાટ અનુભવાઈ રહ્યો છે. મંત્રી ઋષિભાઈ પટેલની શેહ અને શરમમાં કોઈ સભ્ય બોલતા નથી પરંતુ હવે માથા ઉપરથી પાણી વહેતુ થતા ગુંગણામણ અનુભવતા સભ્યો નાછુટકે હોદ્દા ઉપરથી રાજીનામુ આપવાના નિર્ણય કરી રહ્યા છે. વિસનગર તાલુકા પંચાયતના કાંસા એન.એ.-૧ સીટ ઉપર ચુંટાયેલા અનુ.જાતિના વર્ષાબેન વિરલકુમાર જોષીએ તાલુકા પંચાયતના પ્રમુખને તા.૪-૪-૨૦૨૩ ના રોજ હોદ્દા ઉપરથી રાજીનામુ ધર્યુ હતુ. તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલના પતિ કે.સી.પટેલને રાજીનામુ આપ્યુ હતુ. પરંતુ હજુ વિધિવત સ્વિકારવામાં આવ્યુ નથી.
સદસ્યા પતિની વેદના- પક્ષ માટે દોડતા હોઈએ અને વિસ્તારના કામ થતા ન હોય તો હોદ્દા ઉપર રહેવાનો શુ મતલબ
તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન હોય, વિધાનસભાની વિસનગર સીટ ઉપર ભાજપના ધારાસભ્ય કેબીનેટ મંત્રી હોય ત્યારે પંચાયતના સદસ્યોને તો હોદ્દાનુ ગૌરવ હોવુ જોઈએ. તેની જગ્યાએ રાજીનામુ આપવા કેમ મજબુર થવુ પડ્યુ તે બાબતે મહિલા સદસ્યાના પતિ વિરલકુમાર જોષીએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અનુસુચિત જાતિની સીટ ઉપર ચુંટાયાના બે વર્ષ પુરા થવા આવ્યા છતા અમારા મત વિસ્તારમાં એક પણ વિકાસ કામ થયુ નથી. રસ્તામાં મોટા ખાડા પડ્યા છે, ગટરો ઉભરાય છે, દર ચોમાસામાં પાણી ભરાયછે, ગટરો બેક મારે છે. હમણા માવઠુ થતા આખા વિસ્તારની ગટરોના પાણી બેક માર્યા હતા. મત આપનાર મતદારો વિવિધ પ્રશ્નોના નિકાલ માટે ઘરે રજુઆત કરવા આવે છે. મતદારોની રજુઆત સંદર્ભે રોડ બનાવવા, ખાડા પુરવા, લાઈટ નાખવા, પાણીની લાઈન નાખવા, ગટર લાઈન નાખવા માટે ઘણી વાર લખીને આપ્યુ છે. પરંતુ બે વર્ષથી એકપણ કામ થતા નથી. મતદારો આગળ કેટલી વખત જુઠ્ઠુ પડવાનુ.
બે વર્ષ થવા છતાં સોસાયટીમાં કે વિસ્તારમાં કામ નહી થતા ચોથી એપ્રીલે રાજીનામુ લખીને કે.સી.પટેલને આપ્યુ છે. વિરલભાઈ જોષીએ એ પણ જણાવ્યુ હતું કે, આગળ રાજીનામાની વાત કરવાનુ જણાવતા કે.સી.પટેલ સંજયભાઈ પટેલને મળ્યા હતા. ત્યારે સંજયભાઈ પટેલે કહ્યુ હતું કે, રાજીનામુ આપતા હોય તો લઈ લો, કશો વાંધો નથી તેવુ કે.સી.પટેલે જણાવ્યુ હતુ. ચોથી એપ્રીલે રાજીનામુ આપ્યુ છે પરંતુ રાજીનામુ સ્વિકારવામાં આવતુ નથી અને કે.સી.પટેલ આશ્વાસન આપે છેકે શાંતી રાખો કોઈ રસ્તો કાઢીશુ. રાજીનામુ ધર્યા બાદ પણ કોઈ કામ થતા નથી. ચુંટાયેલા સભ્યોની જો કોઈ કિંમતજ ન હોય, ચુંટાયેલા સભ્યોનુ જો સ્વમાન જળવાતુ ન હોય તો હોદ્દા ઉપર રહેવાનો કોઈ મતલબ નથી. અત્યારે કોરા દિવસોમાં નિકળી શકાતુ નથી તો ચોમાસામાં આ સમગ્ર વિસ્તારની શુ હાલત થશે.
રાજીનામુ ધરનાર સદસ્યાના પતિ વિરલભાઈ જોષીએ એ પણ રોષ વ્યક્ત કર્યો હતો કે, ભાજપનુ કામ હોય ત્યારે દોડીને મતદારોને હાથ જોડીને કામ કરીએ છીએ. મારા ઘર માટે કોઈ કામ કરવાનુ નથી, પક્ષ માટે દોડતા હોઈએ અને ચુંટાયેલા સભ્ય હોવા છતા કામ થતા ન હોય તો હોદ્દા ઉપર રહેવાનો શુ મતલબ.