Select Page

મોદીની ટાર્ગેટ કિલિંગ અટકાવવાની ગેરંટી નહી ત્યા સુધી કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાનો કોઈ મતલબ નહી

મોદીની ટાર્ગેટ કિલિંગ અટકાવવાની ગેરંટી નહી ત્યા સુધી કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાનો કોઈ મતલબ નહી

તંત્રી સ્થાનેથી…
વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાનની જવાબદારી સંભાળી ત્યારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદી, અયોધ્યા રામમંદિરનું નિર્માણ, ત્રિપલ તલાક, સમાન સિવિલ કોડ વિગેરે દેશની એકતા અને અખંડીતતા ને લગતા નિર્ણયો લેવા માટે વચન આપ્યુ હતુ. જેમાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરવાનો નિર્ણય છપ્પનની છાતીનુ માપ કાઢનાર હતો. કલમ ૩૭૦ હટાવવાનો મુદ્દો જ્યારે હાથ ઉપર લેવાયો ત્યારે કાશ્મીરને પોતાનુ રજવાડુ બનાવી દેનાર નેતા ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી વિગેરે નેતાઓની ધમકી હતી કે આ કલમ હટાવવામાં આવશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. તેમ છતા મોદીના લોખંડી મનોબળ અને કાશ્મીરને દેશનો હિસ્સો બનાવવા મક્કમ નિર્ધારથી કલમ ૩૭૦ રદ કરતુ બીલ બહુમતીથી મંજુર કરવામાં આવ્યુ. અલગતાવાદીઓને ઉશ્કેરનાર નેતાઓને નજક કેદ કરવામાં આવ્યા. પાંચ ઓગસ્ટ ૨૦૧૯ ના દિવસે ૩૭૦ ની કલમ રદ કરતો નિર્ણય કરવામાં આવ્યા બાદ ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩ થી વધુ અરજીઓ થઈ. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા હવે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ બની ગયુ છે. ભારત દેશના કાયદાજ હવે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડશે. આ કલમ રદ થયા બાદ કાશ્મીરના મુસ્લીમો વિરુધ્ધ ભાજપ સરકારના અત્યાચાર વધશે. કાશ્મીરમાં રહેતા મુસ્લીમોને હેરાન કરવામાં આવશે તેવુ અલગતાવાદીઓ દ્વારા સ્થાનિકોને ભરમાવી ભડકાવવામાં આવ્યા હતા. એ પહેલા ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં ૧૫૦ થી વધુ મંત્રીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક મુસ્લીમોનો વિશ્વાસ કેળવવા પ્રયત્ન કર્યો હતો. જમ્મુ કાશ્મીરની જરૂરીયાતોને પહોચી વળવા વર્ષ ૨૦૧૫ માં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ પેકેજ આપવામાં આવ્યુ તે મહત્વપૂર્ણ પગલુ હતુ. જેમાં માળખાગત વિકાસ, રોજગારીનુ સર્જન, પ્રવાસને પ્રોત્સાહન, હસ્તકળા ઉદ્યોગને સાથ સહકાર આપવાની પહેલ સામેલ હતી. દેશ આઝાદ થયો ત્યારથી જમ્મુ કાશ્મીરના લોકોને વિકાસનો કોઈ લાભ મળ્યો નહોતો. કાશ્મીરના લોકોની જરૂરીયાતો અને સુવિધાઓ માટે ફળવાતી ગ્રાન્ટમાંથી ૫૦ ટકા રકમ પણ વપરાતી નહોતી. તેની જગ્યાએ કલમ ૩૭૦ ની નાબુદી બાદ કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓએ સંતૃપ્તિનુ સ્તર હાસલ કર્યુ છે. જેમા સૌભાગ્ય અને ઉજ્જવલા યોજનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને કાશ્મીરના ખીણ વિસ્તારના લોકોને આવાસ, નળના પાણીના જોડાણ, હેલ્થકેરનો મોટો લાભ મળ્યો. જમ્મુ કાશ્મીરના બધા ગામમાં ઓડીએફ પ્લસના આંકડા પ્રાપ્ત કર્યા. વહિવટી તંત્ર વેગવંતુ બનાવાવ માટે સરકારી ખાલી જગ્યાઓ પારદર્શક રીતે ભરવામાં આવી. પહેલા જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સ્થિતિ ખુબજ ખરાબ હતી. હવે રેકોર્ડ વૃધ્ધી, રેકોર્ડ વિકાસ અને રેકોર્ડ પ્રવાસીઓનો પ્રવાસ જોવા મળી રહ્યો છે. કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરમાં આવેલ સુધારા અને વિકાસના કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ ૨૦૧૯ પહેલા જમ્મુ કાશ્મીર ૧ લાખ કરોડ જી.એસ.ટી. ભરતુ હતુ. અત્યારે ૨.૨૭ લાખ કરોડ જી.એસ.ટી. ચુકવે છે. પહેલા ૬ લાખને મધ્યાહન ભોજન મળતુ હતુ અત્યારે ૯.૧૩ લાખ મધ્યાહન ભોજનનો લાભ લે છે. ૭૦ વર્ષમાં ગરીબોના ૨૪ હજાર ઘર બન્યા અને પાંચ વર્ષમાં ૧.૪૫ લાખ ઘર બન્યા. કોલેજોની સંખ્યા વધી. સ્માર્ટ સીટી પ્રોજેક્ટના કામ થયા. ઈન્ડસ્ટ્રીયલ મોટા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. ૩૭૦ ની કલમ રદ કરવામાં આવી તે પહેલા કાશ્મીરમાં પથ્થરમારા અને બંધના અસંખ્ય બનાવ બનતા હતા. ૨૦૧૮ માં ૩૪૯ અને ૨૦૧૯ માં ૩૫૫ પથ્થરમારાના બનાવો બન્યા હતા. ૨૦૧૮ માં હડતાળ અને બંધના કુલ બાવન બનાવ નોધાયા હતા. આતંકવાદી હુમલા વારંવાર થતા હતા. પરંતુ વર્ષ ૨૦૨૩ માં આવા બનાવોના આંકડા શુન્ય થઈ ગયા છે. મોદીની નીતિ સામે ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાની બોલતી બંધ થઈ ગઈ છે. જ્યારે જે અલગતાવાદી નેતા માટે કોંગ્રેસના શાસનમાં લાલ જાજમ પાથરવામાં આવતી હતી તે યાસીન મલીકને જેલ ભેગો કરવામાં આવ્યો છે. કાશ્મીર સરહદે પહેલા પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવતુ હતુ જે હવે બંધ થઈ ગયુ છે. જમ્મુ કાશ્મીરના વિકાસ ઉપરાંત્ત કાશ્મીરી પંડીતોને પોતાનો હક્ક અપાવવાનો પણ ૩૭૦ હટાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ હતો. પરંતુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો અંત આવતો નથી. રોજગારી માટે નોકરી ધંધાર્થે ગયેલા હિન્દુઓની હત્યા કરવામાં આવે છે. આ સ્થિતિમાં કાશ્મીરી પંડીતોની લાખ્ખો કરોડોની માલ મિલ્કતો હોવા છતા જીવની કોઈ ગેરંટી નહી મળતા પરત જવા માગતા નથી. કાશ્મીરમાં વડાપ્રધાન મોદીની ટાર્ગેટ કિલિંગ અટકાવવાની કોઈ ગેરંટી નહી મળે ત્યા સુધી કલમ ૩૭૦ હટાવવાનો કોઈ મતલબ નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us