સાત જેટલી નૃત્ય કલાકારોની ટીમ આર્કષણ જમાવશે
અષાઢી બીજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી તથા બાલભદ્રજી વિસનગર શહેરની નગરચર્યા માટે રથયાત્રા સ્વરૂપે નિકળે તે માટેના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯મા જે રીતે મોસાળા મહોત્સવ રાખવામાં આવ્યો હતો તે રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યુ છે. રથયાત્રાની તૈયારી માટેની મિટીંગમાં અગાઉના વર્ષો કરતા પણ ભવ્ય રથયાત્રા નિકળે તેની ચર્ચા કરવામાં આવી હતી.
કોરોના કાળમા બે વર્ષ દરમ્યાન વિસનગરમા અષાઢી બીજે પરંપરાગત રથયાત્રાનું આયોજન કરી શકાયુ ન હોતુ. તેમ છતાં હરિહર સેવા મંડળ દ્વારા નિજ મંદિરમા બે વર્ષ દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશના વૈજ્ઞાનિકોએ શોધેલ વેક્સીન તથા ભગવાન જગન્નથાજીની કૃપાથી કોરોનાથી મુક્તી મળતા વિસનગરમા અષાઢી બીજે પરંપરાગત રથયાત્રા નિકળે તે માટે તા.૨-૬-૨૦૨૨ને ગુરુવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે હરિહર સેવા મંડળમા જાહેર મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મિટીંગમાં થયેલી ચર્ચા પ્રમાણે અષાઢી બીજે સવારે ૯-૩૦ કલાકે મહાઆરતી બાદ ૧૦-૦૦ કલાકે રથયાત્રાની શરૂઆત થશે. જે શહેરના માર્ગો ઉપર ફરી બપોરે ૧૨-૩૦ કલાકે પટણી દરવાજા ઉમિયા માતાની વાડીએ પહોંચશે.
વર્ષ ૨૦૧૯મા ઉમિયા માતાની વાડીમાં જે રીતે મોસાળા મહોત્સવ યોજવામાં આવ્યો હતો તે જ રીતે આ વર્ષે પણ ઉમિયા માતાજીના સાનિધ્યમાં મોસાળુ થશે. ભગવાન રથમાથી ઉતારી મંદિરમાં સ્થાન આપી છપ્પનભોગ ધરાવવામાં આવશે. જ્યા ભગવાનને મોસાળામાં આવેલ વસ્ત્રો અને ઘરેણા પહેરાવવામા આવશે. ભગવાનને છપ્પનભોગ ચડાવ્યા બાદ અડધો કલાક પછી મોસાળામા છપ્પનભોગ દર્શનનો લાભ આપવામાં આવશે. આ દરમ્યાન રથયાત્રામા જોડાયેલા યાત્રીઓ માટે જમણવાર પણ કરવામાં આવશે. મોસાળામાં દોઢેક કલાકના વિરામ બાદ ઉમિયા માતાના મંદિરથી રથયાત્રા આગળ વધશે. જે રથયાત્રા નિજ મંદિર હરિહર સેવા મંડળમા સાંજે ૫-૦૦ કલાકે પરત ફરશે.
મિટીંગમાં થયેલ ચર્ચા પ્રમાણે રથયાત્રામા ધંધાના બેનર ડીસ્પ્લે સાથે કોઈ જોડાવા માંગતુ હોય તો હરિહર સેવા મંડળમા ચાર્જ ભરીને જોડાઈ શકશે. રથયાત્રામા ટ્રેક્ટર લઈ આવનારને રૂા.૧૦૦૦ તથા ઉંટલારી લઈ આવનારને રૂા.૭૦૦ ભાડુ આપવામાં આવશે. રથયાત્રામા સાધુ સંતો જોડાવા ઈચ્છતા હોય તો હરિહર સેવા મંડળમા અગાઉથી જાણ કરવામાં આવશે તો બગીની વ્યવસ્થા કરવામાં આવશે. વિસનગર શહેર તાલુકાની ભજન મંડળીઓ, શાળા કોલેજોને વેશભુષા સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે. રથાયાત્રામા આકર્ષણ જમાવતી સાથ થી આઠ નૃત્ય કલાકારોની ટીમ જોડાશે.
મિટીંગમાં દ્વારકેશભાઈ મણીયારે લાગણી વ્યક્ત કરી હતી કે, કોરોનાની મહામારીમાં વિકસીત દેશોમાં ચર્ચા હતી કે ભારત દેશમાં સ્લમ વિસ્તાર વધારે તેમજ ગીચ વસતી હોવાથી કોરોનાનો ક્યારેય અંત આવશે નહી દેશના લોકોએ કોરોના કાળમાં સંયમ રાખતા અને નિયમોનું પાલન કરતા ભારત દેશ કોરોના મુક્ત થવા તરફ છે. જ્યારે વિકસીત દેશોમાં હજુય કોરોનાનો કહેર યથાવત છે. દેશવાસીઓએ જે સંયમ રાખ્યો તેના પરિણામે ભગવાન જગન્નાથની કૃપાથી ધામધુમથી રથયાત્રા નિકળશે. આ મિટીંગમાં નિકેતુભાઈ મણીયાર, જયકૃષ્ણ પટેલ, ઈશ્વરલાલ નેતા, વ્યાયામ શાળાના અશોકભાઈ રામી, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષલભાઈ પટેલ એમ.જે.મેડીકલ, મહેશભાઈ પટેલ ઓમકાર, હાસ્ય કલાકાર અતુલભાઈ પટેલ, બજરંગ દળના કાર્યકરો જેમના થકી રથયાત્રા ચાર ચાંદ લાગે છે તેવા હરિહર સત્સંગ મંડળના યુવાનો, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ વિગેરેએ હાજરી આપી હતી.