ખેરાલુમાં મોંઘજીભાઈ ચૌધરીના સમર્થનમાં રેલી સાથે આવેદન
દૂધસાગર ડેરીની જનરલસભામાં પ્રવેશ બાબતે ઘાતકી હુમલા પ્રકરણમાં
મહેસાણા દૂઘ સાગર ડેરીની સાધારણ સભામાં પ્રવેશવા બાબતે થયેલી બોલાચાલીમાં લાકડીથી હુમલો કરી ડેરીના પુર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ તથા તેમના પુત્ર હર્ષદ અને તેમના ભાણીયા પિયુષ ઉપર થયેલા ઘાતકી હુમલાથી ખેરાલુ શહેર તથા તાલુકાના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હુમલો થયો તે પછી બીજા જ દિવસે લોક આક્રોશ સાથે ખેરાલુ તાલુકાના ખેડુતો મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા રેલી સ્વરૂપે લોકો પહોચ્યા હતા. જેમાં કોંગ્રેસ તથા ખેડુતોએ આવેદન પત્ર આપ્યુ અને બીજુ આવેદન પત્ર આમ આદમી પાર્ટી દ્વારા નાયબ મામલતદાર ભરતભાઈ બી. બ્રહ્મભટ્ટને આપ્યુ હતુ.
ખેરાલુ શહેરમાં આક્રોશ સાથે સુત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી. જેમાં લોકો સ્વયંભુ જોડાયા હતા. રેલીમાં સુત્રોચ્ચાર કરતા હતા કે ૩૦૭ની કલમ દુર કરો, દુર કરો,ના સુત્રોચ્ચાર સાથે રેલી તાલુકા સેવા સદન રેલી પહોંચી હતી અને મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમા જણાવ્યુ હતુ કે તાલુકાના તમામ સમાજોના આગેવાનોની રજુઆત છે કે ૧૪-૬-ર૦રરના રોજ દૂધ સાગર ડેરી મહેસાણાની જનરલ સભા મળી હતી. જેમા વિવિધ મંડળીઓમાં ઠરાવ થયેલા પ્રતિનિધિઓ હાજર હતા. ખેરાલુની જોડીયા દુધ મંડળીના પ્રતિનિધિ તરીકે ખેરાલુના સામાજીક આગેવાન અને દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી પણ હાજરી આપવા પહોચ્યા હતા. તેમને ગેટ આગળ રોકી જનરલ સભામાં ન જાય તે માટે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમયે તેમનો પુત્ર બચાવવા જતા તેને પણ માર માર્યો હતો. આ હુમલો નિંદનીય છે. આ રેલીમાં ૩૦૦ થી ૪૦૦ આગેવાનો હતા. તમામે હુમલાને સખ્ત શબ્દોમાં વખોડ્યો હતો. મોઘજીભાઈ તેમના પુત્ર અને ભાણાને ન્યાય મળે તેમની ફરીયાદ તેમના જણાવ્યા મુજબ લેવામાં આવે અને જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરાઈ છે. નહી તો પશુપાલકો આંદોલન કરશે ડેરીના સી.સી.ટીવી કેમેરા ચેક કરી ગુનેગારો ઉપર ફરીયાદ દાખલ કરવી તેમજ ટી.વી.મિડીયા સુધી આ પુરાવાના વિડીયો પ્રસિધ્ધ થયા છે તેની નોંધ લેવી આવુ જ આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્કેલીના સમયમાં મદદ કરવા આવેલા કોંગ્રેસના ખેડુતોએ કયાંય કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યો નહોતો પરંતુ આમ આદમી પાર્ટી એ પક્ષના લેટર પેડ ઉપર આવેદનપત્ર આપતા ઈતિહાસમાં પહેલીવાર એક રેલીમાં બે આવેદન પત્ર આપવાનો બનાવ જોવા મળ્યો હતો. લોકોમાં ચર્ચા હતી કે પક્ષને બાજુમાં રાખી મદદ કરવી જોઈએ. આમ આદમી પાર્ટીવાળા મુશ્કેલીમાં મદદ કરવા આવ્યા હતા કે રાજકરણ કરવા આવ્યા હતા તેવી રાજકીય લોકો ચર્ચા કરી રહ્યા હતા.