ખેરાલુ પાલિકા વહિવટદારનો ચાર્જ પ્રાન્ત અધિકારીને સોપવા રજુઆત
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ભાજપ ટીમ દ્વારા
- વિધાનસભામા ભાજપના ૧૫૬ ધારાસભ્યો હોવાથી બદલીની રજુઆતો કોઈ સાંભળતુ નથી
ખેરાલુ પાલિકાના અટકી ગયેલા વિકાસ કામો બાબતે ભાજપ અગ્રણીઓ દ્વારા મામલતદાર ખેરાલુને બદલવા માટે મહિના પહેલા રજુઆત કરાઈ હતી. જેમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને લઈને પ્રતિનિધિ મંડળે રજુઆત કરી હતી. પરંતુ ભાજપના આગેવાનોની રજુઆતનુ કાંઈ પરિણામ આવ્યુ ન હોતુ. હવે ભાજપના આગેવાનો ફરીથી મુખ્યમંત્રી સમક્ષ પહોચ્યા ત્યારે ખેરાલુ પાલિકાના વહિવટદારનો ચાર્જ મામલતદાર પાસેથી છિનવીને પ્રાંત અધિકારીને ચાર્જ સોંપવા રજુઆત કરાઈ છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા અગાઉ ખેરાલુ એસ.ટી.ડેપોના ડેપો મેનેજરની બદલી માટે ઉગ્ર રજુઆત કરતા મહિના પછી ખેરાલુ ડેપો મેનેજરની બદલી કરવામાં આવી હતી. પરંતુ મામલતદાર જેવી મુખ્ય પોસ્ટના અધિકારીની બદલી થતી નથી. જેથી ભાજપી આગેવાનો દ્વારા મામલતદાર પાસેથી વહિવટદાર તરીકેનો ચાર્જ છીનવી લેવા રજુઆત કરી સંતોષ માન્યો છે.
ગુજરાત વિધાનસભામાં ૧૮૩ ધારાસભ્યો છે. જે પૈકી ૧૫૬ ધારાસભ્યો ભાજપમાંથી ચુંટાયા છે. જેથી વિધાનસભામાં ભાજપના ૮૫.૭૧ ટકા ધારાસભ્યો થયા છે. એટલે કે ૨/૩ કરતા પણ વધુ બહુમતી ભાજપ પાસે છે. ૧૫૬ ધારાસભ્યો દર અઠવાડીયે એક વ્યક્તિની બદલી કરાવવા રજુઆત કરે તો મહિનાના ચાર અઠવાડીયામાં ૬૨૪ બદલીઓ કરવી પડે. ભાજપી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યના મુખ્ય હોદ્દેદારો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને એવી સુચના આપી છે કે ધારાસભ્યો કોઈની બદલીની વાત લઈને આવે તો વિચાર્યા વગર બદલી કરી દેવી નહી. જેથી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે ખેરાલુ શહેર / તાલુકા ભાજપના હોદ્દેદારો મુખ્યમંત્રી સમક્ષ ખેરાલુ મામલતદારની બદલીની રજુઆત મહિના પહેલા કરી હતી. ભાજપના આગેવાનો જાહેરમાં ખેરાલુ મામલતદારની ૧૦ દિવસમા બદલી થઈ જશે તેવી વાતો કરતા હતા. મહિના સુધી ખેરાલુ મામલતદારની બદલી બાબતે કાંઈ ન થતા હવે મામલતદાર ખેરાલુની બદલી કરવાને બદલે હવે ખેરાલુ મામલતદારનો પાલિકાના વહીવટદારનો ચાર્જ છીનવી લઈ પ્રાન્ત અધિકારી ખેરાલુને આપવા રજુઆત કરવા મુખ્યમંત્રી સમક્ષ બીજી વખત જઈ આવ્યા છે.
ખેરાલુ પાલિકામાં ૨.૨૬ કરોડનુ ટેન્ડર વહીવટદાર મામલતદારે અટકાવ્યુ છે. જે બાબતે ચિફ ઓફિસર ઉમા રામિણાને પુછતા તેમણે જણાવ્યુ કે, આર.સી.એમ.માં રૂા.૨.૨૬ કરોડના ટેન્ડર બાબતે સલાહ માંગી છે. જવાબ બે-ત્રણ દિવસમાં આવશે ત્યારે કાર્યવાહી કરીશુ. આ જવાબને પણ ૧૫ દિવસ ઉપરાંતનો સમય થયો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રાજ્ય સરકારના આર.સી.એમ. વિભાગ ને પાલિકાના અટકેલા વિકાસકામો ઝડપથી શરૂ થાય તેમાં રસ હોય તેવુ લાગતુ નથી. ખેરાલુ શહેર ભાજપના આગેવાનો વિકાસ કામો બાબતે ચિંતિત છે. કારણકે હાલ ફરીથી ટેન્ડર પાડવામાં આવે તો પણ ૧૫ જૂન પહેલા વિકાસ કામો થાય તેમ નથી. આગામી દિવાળી પહેલા ગ્રામ પંચાયતોની ચુંટણી સાથે ખેરાલુ નગર પાલિકાની ચુંટણી આવશે. ચોમાસા દરમ્યાન વિકાસ કામો નહી થયા હોય તો પાલિકાની ચુંટણીમાં ભાજપને ભારે નુકશાન થશે. ભાજપના આગેવાનો હવે રૂા.૨.૨૬ કરોડનું ટેન્ડર ફરીથી જાહેર થાય તે માટે ધમપછાડા કરે છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ભલે મામલતદારની બદલી કરાવી શકતા નથી. પરંતુ આર.સી.એમ.માં રજુઆત કરીને કેમ યુધ્ધના ધોરણે કાર્યવાહી કરાવતા નથી? ખેરાલુમાં વહીવટદારનુ સાશન હોવાથી હવે શહેરનો વિકાસ કરવાની જવાબદારી ધારાસભ્યની કહેવાય. ધારાસભ્યને ખેરાલુ શહેરમાંથી વિધાનસભાની ચુંટણીમાં ઓછા મત મળ્યા હોવાથી શહેરના વિકાસમાં ધ્યાન આપતા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.