કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોની ભેટ ધરી
વિસનગરમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુરૂવારના રોજ શહેરમાં રૂા.૩૨૩.૬૫ લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા બાંધકામ સમિતીના ચેરમેન વિજયભાઈ પટેલ, કારોબારી ચેરમેન આશાબેન પટેલ, વોટર વર્કસ કમિટિના ચેરમેન જગદીશભાઈ પટેલ, જીલ્લા ભાજપ મંત્રી નેહાબેન દવે, પાલિકા શિક્ષણ સમિતીના ચેરમેન મનિષભાઈ બારોટ, શહેર ભાજપ મહામંત્રી આર.ડી.દેસાઈ, પાલિકા સભ્ય કિરીટભાઈ પરમાર, જે.એમ.ચૌહાણ, પાલિકા દંડક મેહુલભાઈ પટેલ, ભરતભાઈ પટેલ(જે.ડી) સહિત પાલિકા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ શહેર અને તાલુકાના ગામોમાં વિકાસ કામો કરવા સતત સક્રીય રહ્યા છે. પરંતુ કેબીનેટ મંત્રી બન્યા ત્યારથી તેઓ શહેર અને તાલુકાના ગામોમાં રોકેટ ગતિએ વિકાસ કરી રહ્યા છે. મંત્રી ઋષિભાઈ અત્યારે શહેર અને તાલુકામાં એવા વિકાસ કામો કરી રહ્યા છે કે આવનારા સમયમાં કોઈપણ ધારાસભ્યને વિકાસકામો ક્યાં કરવા તે શોધવુ પડે. વિસનગરમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુરુવારના રોજ સરકારના ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.૧૦૭.૨૯ લાખના ખર્ચે શહેરના દરબાર રોડ ઉપર નિર્માણ પામનાર નવિન પાંચ લાખ લીટરની પાણીની ઓવરહેડ ટાંકી તથા ૧૦ લાખ લીટરના ભુગર્ભ સંપનુ ખાતમુહુર્ત તથા શહેરના ઐતિહાસિક દેળીયા તળાવમાં ધરોઈનુ પાણી લાવવા માટે રૂા.૧૨૬.૯૩ લાખના ખર્ચે ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી એન.પી.-૩ પાઈપ લાઈન નાંખવાનું ખાતમુહુર્ત તેમજ નગરપાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કુલમાં રૂા. ૮૯.૪૩ લાખના ખર્ચે નવનિર્માણ કરાયેલ પ્રાથમિક શાળાના ભવનનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, શિક્ષણના સંસ્કાર થકી ઉત્તમ સમાજનુ નિર્માણ થાય છે. શિક્ષણ, સમજ, અને સંસ્કાર હોય તે વ્યક્તિ હંમેશા જીવનમાં પ્રગતિ કરી શકે છે. ભાજપ સરકારમાં ગુજરાત શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. અગાઉની સરકારમાં ૧૦૦ માંથી ૩૬ બાળકો અધવચ્ચે અભ્યાસ છોડી જતા રહેતા હતા. જ્યારે અત્યારે ગરીબ અને મધ્યવર્ગના બાળકોને સુવિધા સાથે સારા વાતાવરણામાં શિક્ષણ મળતુ હોવાથી બાળકો અધવચ્ચે શિક્ષણ છોડવાનુ વિચારતા નથી. જેમાં સરકારે ખાનગી શાળાની જેમ જી.ડી.ના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં સુવિધા સાથે શિક્ષણ આપવાનો પ્રયત્ને કર્યો છે. જોકે કોરોનાના કારણે આખી એક પેઢી પાછળ પડે તેટલુ શિક્ષણને નુકશાન થયુ છે છતાં શિક્ષકોના અથાગ પ્રયત્નોથી શિક્ષણ કાર્યમાં ઉત્સાહ આવ્યો છે.
વધુમાં ઋષિકેશભાઈએ જણાવ્યુ હતુ કે, સરકારના પ્રયત્નોથી વિસનગરની તમામ સરકારી કચેરીઓના બિલ્ડીંગ કરોડોના ખર્ચે નવનિર્માણ થયા છે. અને આજે પણ થઈ રહ્યા છે. જેના કારણે શહેર- તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો થયો છે. સરકારે વંચિતોના વિકાસ માટે મહત્વપુર્ણ કામ કર્યુ છે. સરકાર સુઝલામ- સુફલામ યોજના દ્વારા પુરતુ પાણી વહન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા તથા અંબાજીનો ઔદ્યોગીક ક્ષેત્રે વિકાસ કરવા રૂા.૩૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર તારંગા- આબુરોડ રેલ લાઈનની ભેટ આપી છે. જોકે કોંગ્રેસના શાસનમાં મહેસાણા- તારંગા રેલ લાઈન બંધ કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ જે તે વખતના સેવાભાવી કાર્યકરોએ રેલ્વેના પાટા નીચે સુઈને તેનો સખત વિરોધ કરી અટકાવ્યુ હતુ. આ કાર્યક્રમનુ સુંદર એન્કરીંગ શાળાના શિક્ષિકા ભાવિનીબેન મોદીએ કર્યુ હતુ.