Select Page

વિસનગરમાં રૂા.૩૦ કરોડના ખર્ચે નવી ગટરલાઈન પ્રોજેક્ટની તૈયારી

કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં સભ્યોએ રોષ ઠાલવ્યો

  • • ૧૦ વર્ષ પહેલા જી.યુ.ડી.સી.કોન્ટ્રાક્ટર દ્વારા રૂા.૨૫ કરોડના ખર્ચે નાખવામાં આવેલી ગટરલાઈન ફેલ
  • • નાખવામાં આવેલી ફાયબર પ્લાસ્ટીકની જી.આર.પી. પાઈપો દબાઈ જતા મોટાભાગની લાઈનો ચોકઅપ

વિસનગરમાં જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલી ગટરલાઈન સમસ્યાની ચર્ચા માટે કેબીનેટમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલિકા સભ્યોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક સભ્યોએ વિડિયો કોન્ફરન્સમાં નગરપાલિકા કમિશ્નર સમક્ષ ચોકઅપ થયેલ ગટરોના કારણે લોકોને થતી હેરાનગતિનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે જી.યુ.ડી.સી.ના અધિકારીએ રૂા.૩૦ કરોડના ખર્ચે વિસનગરમાં નવી ગટરલાઈનના પ્રોજેક્ટની તૈયારી થઈ રહી હોવાનુ જણાવ્યુ હતુ. ગટરો ઉભરાવાથી લોકો હેરાન થતા હોવાથી કેબીનેટ મંત્રીએ પણ જી.યુ.ડી.સી.ના કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. ૧૦ વર્ષ અગાઉ રૂા.૨૫ કરોડના ખર્ચે વિસનગરમાં જી.યુ.ડી.સી. દ્વારા ફાયબર પ્લાસ્ટીકની જી.આર.પી.પાઈપો નાખતા મોટાભાગની લાઈનો દબાઈ ગઈ છે. ગટરલાઈનો ચોકઅપ થઈ ગઈ છે. જી.યુ.ડી.સી.ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો છે.
વિસનગરમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.યુ.ડી.સી.) દ્વારા જે વિસ્તારમાં ગટરલાઈન નાખવામાં આવી તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં ગટરલાઈન કામ આપતી નથી. ગટરલાઈન ઉભરાવાથી અને ગંદકીની સમસ્યાનો નિકાલ નહી આવતા પાલિકા સભ્યોને જવાબ આપવા કઠીન થઈ ગયા છે. છેલ્લા બે ટર્મના બોર્ડ દ્વારા ગટરલાઈન રીપેરીંગ કરવા, જોઈન્ટ આપવા ગાંધીનગર જી.યુ.ડી.સી.માં વારંવાર રજુઆત કરવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓએ ગટરલાઈન રીપેરીંગ માટે કોઈ તસ્દી લીધી નથી. જ્યારે કોન્ટ્રાક્ટરની લાખ્ખો રૂપિયાની ડિપોઝીટ છુટી થાય તે માટે પ્રોજેક્ટ હેન્ડ ઓવર કરવા પાલિકાને વારંવાર દબાણ કર્યુ છે.
વર્તમાન બોર્ડના પ્રમુખ વર્ષાબેન પટેલ તથા સભ્યો દ્વારા ગાંધીનગર જી.યુ.ડી.સી.માં રૂબરૂ જઈ ગટર સમસ્યાની રજુઆત કરવા છતા કોઈ અધિકારી ગણકારતા નહોતા. ત્યારે વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.૨૮-૭-૨૦૨૨ ના રોજ માર્કેટયાર્ડના મીટીંગ રૂમમાં ગટરલાઈન સમસ્યાનો કાયમી અંત લાવવા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી, પાલિકા સભ્યો, જી.યુ.ડી.સી.ના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરે હાજરી આપી હતી. મંત્રી ઋષિભાઈ પટેલે ગાંધીનગર નગરપાલિકા કમિશ્નર તથા જી.યુ.ડી.સી.ના ઈન્ચાર્જ રાજકુમાર બેનીવાલ સાથે વિડિયો કોન્ફરન્સથી જી.યુ.ડી.સી.ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના વલણથી શહેરની પ્રજાને પડતી મુશ્કેલીનો ચિતાર રજુ કર્યો હતો. મીટીંગમાં ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ બારોટ, ભૂગર્ભ ગટર કમિટિના ચેરમેન કિરીટભાઈ પરમાર, પક્ષના નેતા અમાજી ઠાકોર સહિતના સભ્યોએ પોતાના વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાનુ વર્ણન કરીને જી.યુ.ડી.સી.ના કોન્ટ્રાક્ટર ઉપર ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.
જી.યુ.ડી.સી.ના ગટર લાઈન સમસ્યા બાબતે રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, જે તે વખતે કોન્ટ્રાક્ટરે વોર્ડના સભ્યોને સાથે રાખ્યા વગર આડેધડ ગટરલાઈન નાખવાનુ કામ કર્યુ હતુ. જેના કારણે પાલિકા સભ્યો અને રહીશો ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરે કેટલીક સોસાયટીમાં ગટર કનેક્શન જોઈન્ટ કર્યા નથી. કેટલીક જગ્યાએ પાઈપો દબાઈ ગઈ છે અને ચોકઅપ થઈ ગઈ છે. દબાયેલી લાઈન ખોલવા માટે પાલિકામાં મોટુ જેટીંગ મશીન નથી. કોન્ટ્રાક્ટરનુ જેટીંગ મશીન બંધ હાલતમાં છે. ગટરલાઈનના કોઈપણ કામમાં માર્ગ મકાન વિભાગની મંજુરી લાવવાની જવાબદારી પાલિકાની હોવાનુ જણાવી કોન્ટ્રાક્ટર છટકી રહ્યો હોવાનો પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે તમારી બેદરકારીથી વિસનગર પાલિકાજ નહી પરંતુ આખા શહેરની પ્રજા હેરાન થઈ રહી છે જે નહી ચલાવી લઉ તેમ જણાવી જી.યુ.ડી.સી.ના કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. જ્યાં સુધી નવા પ્રોજેક્ટનુ કામ શરૂ ન થાય ત્યાં સુધી કોઈપણ વિસ્તારમાં ગટર ઉભરાય તો તેનો ઝડપી નિકાલ કરવા તાકીદ કરી હતી. વિડિયો કોન્ફરન્સમાં નગરપાલિકા કમિશ્નર આર.કે.બેનીવાલે જણાવ્યુ હતું કે, જી.યુ.ડી.સી. દ્વારા અગાઉ નાખવામાં આવેલી પાઈપો કાઢી આખો નવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ પાઈપો નાખી તેનુ લેવલીંગ કરાશે તો ફરી ક્યારેય ગટરો ઉભરાવાની સમસ્યા ઉભી થશે નહી. અત્યારે પ્રાથમિક ધોરણે જ્યા પણ ગટરો ઉભરાતી હશે તેનુ નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. કમિશ્નર બેનીવાલે એ પણ જણાવ્યુ હતું કે, વિસનગરમાં પ્રથમ જી.યુ.ડી.સી. દ્વારા સર્વે કરવામાં આવશે. ત્યારબાદ રૂા.૩૦ કરોડના ખર્ચે નવીન પાઈપ લાઈનો નાખવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. મીટીંગમાં કેબીનેટ મંત્રીએ આઈ.ટી.આઈ.ફાટક ઉપર રૂા.૫૦ કરોડના ખર્ચે નવો ઓવરબ્રીજ બનાવવાની મંજુરી મળી છે ત્યારે ટેન્ડરીંગ કરવાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થશે તેમ જણાવ્યુ હતુ. જોકે વિધાનસભાની ચુંટણીના કારણે આચારસંહિતા લાગુ પડે તો વર્ક ઓર્ડર નહી આપી શકાય તેવુ નગરપાલિકા કમિશ્નરે જણાવ્યુ હતુ. મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી જી.યુ.ડી.સી.ની મીટીંગમાં અસરકારક રજુઆત કરવાની તક મળતા પાલિકા સભ્યોએ કેબીનેટ મંત્રીનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us