તાલુકાના ગામેગામથી લોકો ઉમટી પડયા ખેરાલુમાં CAA સમર્થનમાં જંગી રેલી-મામલતદારને આવેદન
તાલુકાના ગામેગામથી લોકો ઉમટી પડયા
ખેરાલુમાં CAA સમર્થનમાં જંગી રેલી-મામલતદારને આવેદન
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં રાષ્ટ્રીય એક્તામંચ દ્વારા CAA ના સર્મથનમાં જંગી રેલીનું આયોજન સોમવારે કરવામા આવ્યુ હતુ. રેલી પંચમુખી હનુમાનજી મંદિરથી ખારીકુઈ આંબલીચૌટા બજાર, ખોખરવાડા સંઘ પહોચી હતી જયાં ધારાસભ્ય અજમલજી ઠાકોરે CAA વિશે જાણકારી આપી હતી. આ રેલી દરમિયાન વંદે માતરમ્, ભારત માતા કી જય જેવા નારાઓથી ખેરાલુ શહેર ગુંજી ઉઠયુ હતુ. રેલીનુ સ્વરૂપ ખુબ મોટુ હતુ. હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પી.આઈ.પી. જી. ચૌધરીએ સુંદર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી હતી.
મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ સાથે CAA ના સમર્થનનો રાષ્ટ્રીય એક્તા મંચનો ઠરાવ પણ અપાયો હતો. આવેદન પત્ર અને ઠરાવ સંક્ષીપ્તમાં જોઈએ તો ભારતના મહામહિમ રાષ્ટ્ર પ્રમુખને સંબોધી આવેદન પત્ર આપ્યુ છે. જેમા તાજેતરમાં નાગરિક્તા સુધારો વિધેયક પસાર કરી કાયદો બનાવ્યો છે. તેમજ કલમ-૩૭૦, ૩પ-એ નાબુદી, જમ્મુ કાશ્મીર પુનઃ ગઠન, ત્રીપલ તલાક નિષેધ કાયદો જેવા અનેક વિધ રાષ્ટ્રહિતના કાયદા સંસદે પસાર કર્યા જેમા હસ્તાક્ષર કરી આપે કાયદાનું સ્વરૂપ આપ્યુ છે. જેથી ભારતના નાગરિકો આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર સમાન નાગરિક કાયદો, વસ્તી નિયંત્રણ કાયદો, ધર્માતરણ વિરોધી કાયદો જેવા રાષ્ટ્રહિતના અનેક કાયદા ઝડપથી પસાર કરાવી તેનો ઝડપથી અમલ કરાય તે અંગે વિનંતી કરી હતી.
નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનનો ઠરાવ જોઈએ તો CAA કાયદો મહામહિમ રાષ્ટ્રપતિની મંજુરીથી બની ગયો જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી. ખેરાલુ નાગરિક સમિતિ સાથે પ્રજાજનો હાર્દિક સ્વાગત સમર્થન કરે છે તેમજ પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રીનુ અભિવાદન કરે છે. ભારત સ્વતંત્ર થયા પછી અહી દરેક ધર્મ વર્ગ, સમુદાયે પ્રગતિ કરી છે. સ્વતંત્રા પછી ભારત વિભાજનના સમયે થયેલી ઘટનાઓએ પાકિસ્તાન લઘુમતિના અધિકારો પર વિચાર કરવા મજબુર બનાવી દીધા હતા. જેના ફળ સ્વરૂપે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, તથા પાકિસ્તાનના નેતા લિયાકત અલીખાન ૮-૪-૧૯પ૦ના રોજ સ્પષ્ટ રૂપથી બન્ને દેશોએ પોતાને ત્યાં લઘુમતિ નાગરિકોની સુરક્ષા, તેમના અધિકાર તથા હિતોના રક્ષણ માટે આશ્વાસન આપ્યુ હતુ. ભારતદેશમાં લઘુમતિ નગારિકોની તથા તેમના હિતોની રક્ષા થઈ છે. પરંતુ આનાથી એકદમ વિરૂધ્ધ પાકિસ્તાને આ સમજુની ઉપેક્ષા કરી લઘુમતિ હિંદુ, શીખ, પારસી, ખિસ્તી વગેરે સમુદાયોને ધાર્મિક રીતે માત્ર અત્યાચારો નહી પણ તેમના અધિકારોને પણ સમાપ્ત કરી દીધા. આજ સ્થિતિ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની છે. ૧૯૪૭માં પાકિસ્તાનમાં હિદુ સમાજ કુલ જન સંખ્યાના ૧૧% હતા જે અત્યારે ર% રહી ગયા છે. બાંગ્લાદેશમાં હિંદુ ર૪% હતો જે ૮% થઈ ગયો છે ત્યારે અફઘાનિસ્તાનમાં માત્ર ૭૦૦૦ હિંદુ શીખ બાકી રહી ગયા છે. જે બનાવ ધાર્મિક અત્યાચારોની પુષ્ટી કરે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન જાહેર થયેલા મુસ્લિમ રાષ્ટ્ર છે. જયાં ધાર્મિક અત્યાચારોને કારણે માતા-બહેનોની આબરૂ, જીવન અને ધર્મની રક્ષા માટે પોતાની માતૃભુમિ માનનારા હિંદુ વિશેષ રૂપથી અનુસુચિત જાતિ, શીખ, બૌધ્ધ, ખિસ્તી સમાજે ભારતમાં શરણ લીધી છે. જે લોકોને ભારતીય નાગરિક્તા ન મળતા જમીન, શિક્ષણ,રોજગાર વગર ખરાબ પરિસ્થિતિમા જીવન જીવવા મજબુર થવુ પડે છે. જેથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધાર્મિક અત્યાચારો સહન કરી ભારત આવે તો શરણાર્થી બનેલા લઘુમતિઓને નાગરિક્તા આપવાનો નિર્ણય ભારતીય સંસ્કૃતિ તથા સંવિધાનના આત્મા અનુરૂપ છે.
નાગરિક્તા સંશોધન અધિનિયમ કોઈપણ પ્રકારે ભારતીય નાગરિકોના વિરોધમાં નથી ભારતના મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી બિન સાંપ્રદાયિકતાની આડમાં વોટબેંક તથા તૃષ્ટી કરણની રાજનિતી કરવાવાળા કેટલાક પક્ષો દ્વારા ભારતીય મુસ્લીમોમા બિનજરૂરી ભ્રમ નિર્માણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિંસાત્મક વિરોધને કારણે રાષ્ટ્રીય સંપતિને નુકશાન પહોચ્યુ છેે. જેની ખેરાલુ નાગરિક સમિતિ ટીકા કરે છે. ભારત માતા કી જય.