Select Page

સ્વાગત કાર્યક્રમમાં ૧૭૪ માંથી ૫૦ અરજદારોની રજુઆત

સ્વાગત કાર્યક્રમમાં ૧૭૪ માંથી ૫૦ અરજદારોની રજુઆત

વિસનગરમાં જીલ્લા વિકાસ અધિકારી અને પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ

વિસનગર પ્રાન્ત કચેરી ખાતે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો અને મામલતદાર એવમ્‌ ઈન્ચાર્જ પ્રાન્ત અધિકારી ગજેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગ્રામ્ય કક્ષાનો ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાના ૧૧ માંથી ૯ અને ગ્રામ્ય કક્ષાના ૧૬૩ માંથી ૪૧ અરજદારોએ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી પોતાના પ્રશ્નોની રજુઆતો કરી હતી. ત્યારે જીલ્લા વિકાસ અધિકારી અને પ્રાન્ત અધિકારીએ તેનો ઝડપી નિકાલ કરવા જે તે વિભાગના અધિકારીને સુચના આપી હતી.
ગુજરાત સરકારે રાજ્યના છેવાડાના ગામોમાં વસતા નગરિકોના વિવિધ પ્રશ્નોનો ઝડપી, સરળતાથી અને સકારાત્મક રીતે ઉકેલ આવે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૪-૪-૨૦૦૩ થી ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમની પધ્ધતિ અમલમાં મુકી હતી. જેમાં નાગરિકોના જે પ્રશ્નોનો તાલુકા કે જીલ્લા કક્ષાએ કોઈ ઉકેલ ન આવ્યો હોય તેવા પ્રશ્નો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમમાં આવરી લેવામાં આવતા હતા. સરકારના આ ફરિયાદ નિવારણ સેવાની સફળતાના૨૦ વર્ષ પુર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે વિસનગર તાલુકા સેવાસદનમાં આવેલ પ્રાન્ત કચેરીમાં જીલ્લા વિકાસ અધિકારી ડા. ઓમપ્રકાશ અને ઈન્ચાર્જ પ્રાન્ત અધિકારી ગજેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મંગળવારના રોજ સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી તાલુકા અને ગ્રામ્ય કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા કક્ષાના ૧૧ માથી ૯ અને ગ્રામ્ય કક્ષાના ૧૬૩ માંથી ૪૧ અરજદારોએ પોતાની તથા ગામની સમસ્યા બાબતે રજુઆતો કરી હતી. આ રજુઆતકર્તાઓમાં ક્યા અરજદારે કયા પ્રશ્નની રજુઆત કરી તે જોઈએ તો વિસનગરમાં રહેતા અંકિતકુમાર અરવિંદભાઈએ સર્વજ્ઞાતિ મેરેજ બ્યુરો વિરૂધ્ધ ફરિયાદ નોંધવા બાબત, બાકરપુરના ચૌધરી રામાભાઈ કરશનભાઈએ ચૌધરીવાસમાં પાણીની ટાંકીમાં ઝડપી પાણી ચડતુ ન હોવા બાબત, સુંશી ગામના પટેલ રાકેશકુમાર ભાયચંદભાઈએ જમીન રિ-સર્વમાં થયેલા માપમાં ભુલ સુધારવા બાબત, ઉદલપુર ગામના દેવીપુજક અશોકભાઈ ખોડાભાઈએ ગામની સ્મશાનની જગ્યામાં ફેરફાર કરવા બાબત, વિશ્વગ્રામ ટ્રસ્ટ બાસણા દ્વારા બાસણા ગામથી મહેસાણા- વિસનગર લીંક રોડનુ કામ ચાલુ કરવા બાબત, ગુંજાળા ગામના હંસાબેન એમ.પરમારે આંગણવાડીનુ રિનોવેશન કરવા બાબત, બાસણા ગામના ચૌધરી લાલજીભાઈ ફુલજીભાઈએ બાસણાથી કંસારાકુઈ વચ્ચે બનેલ નવિન રોડ તથા મહેસાણા- વિસનગર વચ્ચેના રોડને જોડતા અર્બુદાધામવાળા રોડનુ કામ અટકાવવા બાબત, બાસણા ગામના ચૌધરી ચેલજીભાઈ ફુલજીભાઈએ બાસણા ગામથી બેચરપુરા (ધામણવાનો માર્ગ) સુધીનો નવો રોડ બનાવવા બાબત, ગુંજાળાના ઠાકોર ગીરીશજી ઈશ્વરજીએ કુકરવાડીયા વાસમાં પાણીની તંગી દુર કરવા બાબત, ગુંજાળાના ચૌધરી પિયુષભાઈ રામજીભાઈએ ગામના જાહેર રસ્તા ઉપર તેમજ ગૌચરમાં દબાણ કરી રસ્તો બંધ કરવા બાબત, ગુંજાળાના ચૌધરી મહેન્દ્રભાઈ માવજીભાઈએ ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરવા બાબત, રામપુરા (લાછડી) ગામના ચૌધરી જીગ્નેશ મણીલાલે ગ્રામ પંચાયતમાં નવિન કોમ્પ્યુટર સેટ અને ઈન્ટરનેટની સુવિધા આપવા બાબત, સવાલા ગામના સરફરાજખાં અજીમખાં ખોખરે ગામમાં ધો.૯ અને ૧૦ સુધી અભ્યાસ ચાલુ કરવા બાબત, લાછડીના પટેલ રાજેશભાઈ મગનલાલે ગામની જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળે સફાઈ કરાવવા બાબત, ધારૂસણા ગામના રબારી જયરામ માંડણભાઈએ ધારૂસણાથી મેઉ ગામ સુધી ડામરનો રોડ મંજુર કરવા બાબત, ધારૂસણાના પ્રતાપભાઈ વાસીભાઈએ ધારૂસણાથી ગોકળપુરા ખેરવાનો અધુરો ૭૦૦ મીટરનો રોડ મંજુર કરવા બાબત, ધારૂસણાના રબારી રણછોડભાઈ મફતભાઈએ ગામના સર્વે નં.૬૧માં નવિન પાઈપલાઈન નાખી તળાવ ઉંડુ કરવા બાબત, કાંસા એન.એ.માં રહેતા પટેલ નીર ભીખાભાઈએ ઉપવન સોસાયટીમાં ઉભરાતી ગટરલાઈન બાબત, વાલમ ગામના પટેલ સુરેશભાઈ હિરાભાઈએ વાલમ ગામથી પી.એચ.ડી. હાઈસ્કુલ થઈ સાતુસણા ગામ સુધી ડામરનો પાકો રોડ બનાવવા બાબત, દેણપ ગામના પટેલ મુકેશભાઈ ભુદરભાઈએ દેણપથી સિવિલ (વાયા-બાપુનગર) બસ ચાલુ કરવા બાબત, દેણપના પટેલ અમૃતભાઈ મગનભાઈએ દેણપથી છોગાળા પાસે ડામરનો રોડ પહોળો કરવા બાબત, કાજીઅલીયાસણાના ચૌધરી શૈલેષભાઈ ગણેશભાઈએ ગામમાં પુર સંરક્ષણ દિવાલ બનાવવા બાબત સહિત અન્ય અરજદારોએ રજુઆતો કરી હતી. ત્યારે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશ અને ઈન્ચાર્જ પ્રાન્ત અધિકારી ગજેન્દ્રભાઈ પટેલે શાંતીપુર્વક અરજદારોની રજુઆત સાંભળી જે તે વિભાગના અધિકારીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓને તેનો ઝડપી ઉકેલ લાવવા સુચના આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં ૧૭૪ માંથી માત્ર ૫૦ અરજદારો હાજર રહેતા કેટલાક સામાન્ય પ્રશ્નોને આવરી લઈ અરજદારોની સંખ્યા બતાવવામાં આવી હોવાનુ કચેરીમાં ચર્ચાતુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us