રૂા.૧૧૭ લાખના ખર્ચે ગંજબજારથી કાંસા ચાર રસ્તા કેનાલ બનશે
મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પ્રમુખ વર્ષાબેન પટેલની સતત દેખરેખમાં
વિસનગર ગંજબજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત લાવતી કેનાલની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ થઈ છે. મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની સતત દેખરેખમાં કેનાલનુ કામ ચાલી રહ્યુ છે. ચોમાસા પહેલા કેનાલનુ કામ પૂર્ણ થવુ અશક્ય દેખાઈ રહ્યુ છે. ત્યારે આ વર્ષે પણ ગંજબજારમાં વરસાદી પાણી ભરાવાની ભીતી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગંજબજાર વિસ્તારનુ ચોમાસુ પાણી પહેલા રેલ્વે ફાટકની બાજુમાંથી કરમુક્ત વખાર પ્લોટના પાછળના ભાગેથી એમ.એન.કોલેજ ફાટક તરફ જતુ હતુ. જ્યારે બીજી તરફ સુખડીયા સ્વીટ માર્ટની આગળથી રેલ્વે નાળા થઈ મારવાડી વાસ તરફની કેનાલમાં જતુ હતુ. પરંતુ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પુરાણ થતા તેમજ મારવાડી વાસ તરફની કેનાલ બ્લોક હોવાથી ગંજબજાર આગળ વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની છે. બે વર્ષ પહેલા ગંજબજારના સેક્રેટરી કમલેશભાઈ પટેલના સુચનથી પ્રમુખ વર્ષાબેન પટેલે મારવાડી વાસ તરફની કેનાલની સફાઈ કરાવી હતી. પરંતુ ગંજબજાર ફાટકથી નૂતનના મેઈન ગેટ સુધી કેનાલની સફાઈ નહી થતા આ કેનાલમાં પાણીનો નિકાલ થતો નથી.
ગંજબજાર વિસ્તારના વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી જ્યારે પણ ત્રણ થી ચાર ઈંચ સામટો વરસાદ ખાબકે ત્યારે ગંજબજારમાં પાણી ઘુસી જાય છે. જેના કારણે પેઢીઓ આગળ પડેલા માલસામાનને ભારે નુકશાન થાય છે. ગંજબજારના વરસાદી પાણીનો નિકાલ કરવા માટે મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી અને પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પ્રયત્નોથી ગંજબજાર ભોજનાલયથી કાંસા ચાર રસ્તા સુધી કેનાલ બનાવવા રૂા.૧૧૭.૩૪ લાખનુ ટેન્ડર પાડી તા.૨-૧૧-૨૨ ના રોજ ઓરબીસ એન્જીકોન લી.અમદાવાદને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ અન્ય વિકાસ કામ કરતા કોન્ટ્રાક્ટરોને જે રીતે રોકવામાં આવે છે તેજ રીતે આ કેનાલનુ કામ કરતા પણ કોન્ટ્રાક્ટરને જાણે રોકવામાં આવ્યો હોય તેમ કેનાલનુ કામ શરૂ કરતો નહોતો.
લગભગ એક માસ પહેલા માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલે ધારાસભ્ય કાર્યાલયમાં મંત્રી ઋષિભાઈ પટેલને ચોમાસા પહેલા કેનાલનુ કામ પૂર્ણ થાય તે માટે રજુઆત કરી હતી. મીટીંગમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી તથા શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયાને કેનાલનુ કામ ઝડપી શરૂ કરવા માટે મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા સુચન કરાયુ હતુ. આ મીટીંગમાં નારાયણભાઈ પ્રગતિએ પણ ધરોઈ રોડનુ કામ ઝડપી શરૂ કરવા રજુઆત કરી હતી. જેમાં બે-ચાર દિવસમાં કોન્ટ્રાક્ટર કામ શરૂ કરશે તેવુ વોટર વર્કસ ચેરમેન તેમજ આ વોર્ડના સભ્ય જગદીશભાઈ પટેલે જણાવ્યુ હતુ. પરંતુ હજુ સુધી કામ શરૂ થયુ નથી.
ગંજબજાર ભોજનાલયથી અત્યારે કેનાલનુ ધમધોકાર કામ શરૂ થયુ છે. પ્રમુખ વર્ષાબેન પટેલ યુવા મોરચાના પ્રમુખ મોતીસીંહ પુરોહિત, પૂર્વ કોર્પોરેટર ગળીયા ટ્રાન્સપોર્ટવાળા જગદીશભાઈ ગળીયા હાજર રહીને કામગીરીની સમીક્ષા કરી હતી. કોન્ટ્રાક્ટર એક પણ દિવસ કામ બંધ રાખ્યા વગર યુધ્ધના ધોરણે કામ કરશે તોજ ચોમાસા પહેલા કેનાલનુ કામ પૂર્ણ થવાની શક્યતા છે.