Select Page

પાલિકામાં કામ થતા નહી હોવાનો બીજા સભ્યપતિનો બળાપો

પાલિકામાં કામ થતા નહી હોવાનો બીજા સભ્યપતિનો બળાપો

ભાજપના મહિલા સભ્યના પતિએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

  • વોર્ડના કામ નહી થાય તો મહિલા સભ્ય સપનાબેન જોષી રાજીનામુ આપે તેવી શક્યતા
  • કેયુરભાઈ જોષીને પ્રથમ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ ત્યારબાદ સરકારી વકીલમાંથી દૂર કરાતા ભાજપથી નારાજ હતા

વિસનગર પાલિકામાં કામ થતા નહી હોવાની અને રજુઆતો પ્રત્યે ધ્યાન આપવામાં આવતુ નહી હોવાની મહિલા સભ્યના પતિદેવોની નારાજગીથી ચુંટણી વર્ષમા ભાજપના શાસનનો વહિવટ વિવાદમાં સપડાયો છે. જેમાં વોર્ડ નં.૭ ના મહિલા સભ્યના પતિ એડવૉકેટ કેયુરભાઈ જોષીએ ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસ સાથે હાથ મીલાવતા વિસનગર ભાજપ હચમચી દોડતુ થઈ ગયુ છે. મહિલા સભ્ય પણ ક્યાંક રાજીનામુ ધરી ન દે તે માટે ભાજપના અદના હોદ્દેદારોએ કેયુરભાઈ જોષીનો સંપર્ક કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. વોર્ડના વિકાસ માટે ત્રણ વર્ષથી કરવામાં આવેલી માગણીઓ ન સંતોષાય તો ભાજપના મહિલા સભ્ય પણ રાજીનામુ આપવા વિચારતા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.
વિસનગર પાલિકામાં નાના સમાજના વિસ્તારોની સમસ્યા અને વિકાસ પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવતા હવે ઈતર સમાજના મહિલા સભ્યના પતિદેવો વિફર્યા છે. દેણપ રોડ ઠાકોર સમાજના ધુળીમાના પરા આગળ ગટર ઉભરાવાથી સફાઈ કરવા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના વોર્ડ નં.૧ના જ મહિલા સભ્ય તારાબેન ઠાકોરના પતિ ઘેમરજી ઠાકોર દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હતી. ગટરલાઈન રીપેરીંગ કરવામાં નહી આવતા ઠાકોર સમાજની ચાર જેટલી જાનના જાનૈયાઓને ગંદા પાણીમાંથી પસાર થવુ પડતા ઘેમરજી ઠાકોરે ભારે બળાપો કાઢ્યો હતો. જે વિવાદનો હજુ અંત આવ્યો નહોતો ત્યા વોર્ડ નં.૭ ના મહિલા સભ્ય સપનાબેન જોષીના પતિ એડવૉકેટ કેયુરભાઈ જોષીએ તો વિકાસ કામ થતા નહી હોવાની અને રજુઆતો સંભળાતી નહી હોવાની નારાજગી વ્યક્ત કરી ભાજપ સામે રીતસરનો બળવો કર્યો છે. કડી વિધાનસભા સીટની પેટા ચુંટણીમાં રાજપુરમાં કોંગ્રેસની સભા મળી હતી. જેમાં કેયુરભાઈ જોષી ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તેમને આવકાર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, પાલિકાના વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈ, વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના ઉપસ્થિત આગેવાનોએ કેયુરભાઈ જોષીને કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો. રાજીનામુ આપવા બાબતે કેયુરભાઈ જોષીએ જણાવ્યુ હતું કે, અમારા વોર્ડ નં.૭ માં સરસ્વતી-એ વિભાગમાં સીસી રોડ બનાવવા છેલ્લા ત્રણ વર્ષથી માગણી છે, પરંતુ રોડ બનાવવામાં આવતો નથી. વિવિધ સમસ્યાની રજુઆતો પણ સાંભળવામાં આવતી નથી. સોસાયટીના રહીશો પણ પાલિકામાં ઉપજતુ ન હોય કે કામ થતુ ન હોય તો રાજીનામુ આપી દો તેવો ટોણો મારતા હતા. કેયુરભાઈ જોષીના રાજીનામા બાદ તેમના પત્ની મહિલા સભ્ય સપનાબેન જોષી રાજીનામુ ન આપી દે તેવા ડરથી ભાજપના અદના હોદ્દેદારો દોડતા થઈ ગયા હતા. સપનાબેન જોષીના રાજીનામા બાબતે કેયુરભાઈ જોષીએ જણાવ્યુ હતું કે, હાલમાં રાજીનામા આપવા બાબતે કંઈ વિચાર કર્યો નથી, કામ નહી થાય તો વિચારીશુ.
નોંધપાત્ર બાબત છેકે, કેયુરભાઈ જોષી અગાઉ જિલ્લા સરકારી વકીલ તરીકે જવાબદારી સંભાળતા હતા. જેમને જિલ્લા સરકારી વકીલની જવાબદારીમાંથી છુટા કરી સરકારી વકીલમાંથી રીમૂવ કરવામાં આવતા છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા.