Select Page

કોન્ટ્રાક્ટરો માટે લાલ જાજમ બીછાવાઈ રહી છે-શામળભાઈ દેસાઈ વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરોને મુદત વધારાની લ્હાણી

કોન્ટ્રાક્ટરો માટે લાલ જાજમ બીછાવાઈ રહી છે-શામળભાઈ દેસાઈ વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરોને મુદત વધારાની લ્હાણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર
વિસનગરમાં વિકાસ કામ કરતા કોન્ટ્રાક્ટરોને મુદત વધારી આપતા આગામી જનરલના ઠરાવને લઈ એમ જરૂર કહી શકાય કે કોન્ટ્રાક્ટરોની ઈચ્છા પ્રમાણે પાલિકા તંત્ર ચાલી રહ્યુ છે. વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ આક્ષેપ કર્યો છેકે પાલિકા કોન્ટ્રાક્ટોની મનમાની પ્રમાણે ચાલે છે અને કોન્ટ્રાક્ટરો માટે લાલ જાજમ બીછાવવામાં આવે છે. માગ્યા મુજબ મુદત વધારો આપવામાં આવતા કામ ઝડપી થતા નથી અને નગરજનો હેરાન થઈ રહ્યા છે. ધીમી ગતિની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કોઈ નોટીસ આપવામાં આવતી નથી. પ્રમુખ અને ચીફ ઓફીસર શહેરમાં ઝડપી વિકાસ ઈચ્છતા હોય તો નોટીસ આપી મુદતમાં વધારો કરવો જોઈએ. જ્યારે નવા ટેન્ડરમાં મુદતમાં કામ કરવાની કડક સુચના આપી વર્ક ઓર્ડર આપવા જોઈએ.
માગ્યા મુજબ મુદત વધારાતી હોવાથી કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ નહી કરતા નગરજનો હેરાનગતી ભોગવી રહ્યા છે
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વિકાસની કામગીરી ધીમી ગતિથી થતા અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પોતાની ઈચ્છા પ્રમાણે કામ ચાલુ કરે છે અને બંધ રાખે છે. થોડા સમય પહેલાજ કોન્ટ્રાક્ટરો પાલિકા તંત્રને ગણકાર્યા વગર કામ કરતા હોવાની ચર્ચા થઈ હતી. જે પાલિકાના આગામી જનરલના એજન્ડાના ઠરાવ ઉપરથી સાબીત થાય છે. વિસનગર પાલિકાની આગામી જનરલ તા.૩૦-૪-૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે. જેમાં એજન્ડાના ઠરાવ નં.૧૮,૧૯,૨૦ અને ૨૧ મા કોન્ટ્રાક્ટરોને મુદત વધારાના મુદ્દા છે, પાઈપલાઈન, સેક્શન ફીટીંગ, રોડ પુશીંગની કામગીરી કરતી મા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી, ગંજબજારથી વિશાલ પાર્ટી પ્લોટ સુધી વરસાદી પાઈપલાઈન નાખતી એજન્સી રાજ કોર્પોરેશન, આર.સી.સી. કેનાલ, આંગણવાડી, પેવર બ્લોકની કામગીરી કરતી એ.જે.કન્સ્ટ્રક્શન એન્ડ એન્જીનીયરીંગ સર્વિસ એજન્સી તથા ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવાની કામગીરી કરતી એજન્સી મા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મુદત વધારો માગતા તેની જનરલ સભામાં ચર્ચા કરવામાં આવશે. જોકે અગાઉ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને માગ્યા મુજબ એક વખત નહી પરંતુ બબ્બે વખત મુદત વધારો કરી આપવામાં આવ્યો હોવાથી આ એજન્સીઓને પણ માગ્યા મુજબ મુદત વધારાની લ્હાણી કરવામાં આવશે તેમાં કોઈ બેમત નથી.
વિકાસ કામના ટેન્ડરમાં મુદત વધારો માગતી કોન્ટ્રાક્ટરોની માગણી સંદર્ભે વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે, ગંજબજાર વરસાદી લાઈન માટે તા.૧૫-૧૦-૨૪ ના રોજ ૬ માસની મુદત સાથે, આર.સી.સી. કેનાલ પેવર બ્લોકની કામગીરી માટે તા.૨૬-૬-૨૪ ના રોજ ૯ માસની મુદત સાથે તથા, દેળીયા તળાવની પાઈપલાઈન માટે તા.૧૫-૩-૨૦૨૪ ના રોજ ૧૧ માસની મુદતમાં કામ પૂર્ણ કરવાનો વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરો ટેન્ડર પ્રમાણે સ્થળ નિરિક્ષણ કરીને તેમજ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તેનુ મલ્યાંકન કરીનેજ ટેન્ડર ભરતા હોય છે. ત્યારે મુદત વધારો માગનાર આ કોન્ટ્રાક્ટરો પોતાની ઈચ્છા અને સવલત પ્રમાણે કામ કરતા હોવાથી ટેન્ડરની સમયમર્યદામાં કામ કરતા નથી. વિકાસ કામ જરૂરી છે પરંતુ ધીમી ગતિથી કામ કરતા હોવાથી શહેરના નાગરીકોને પરેશાની ઉઠાવવી પડે છે. ભાજપ શાસીત પાલિકાનો કોન્ટ્રાક્ટરોની આળપંપાળ કરવાનો પ્રથમથીજ શિરસ્તો રહ્યો છે. ઘણા કિસ્સમાં કોન્ટ્રાક્ટરોની માગણી મુજબ એક થી વધુ વખત મુદત વધારો કરવામાં આવ્યો છે. ટકાઉ અને મજબૂત તેમજ મુદત પ્રમાણે કામ કરવાનો કોન્ટ્રાક્ટરોને જે ડર રહેવો જોઈએ તે જોવા મળતો નથી. પાણીની પાઈપલાઈન નાખવાની તથા દેળીયા તળાવમાં પાઈપલાઈન નાખવાની કામગીરી આ બન્ને ટેન્ડરમાં મા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી કામ કરી રહી છે. એકજ એજન્સી એકથી વધુ ટેન્ડર ભરતી હોવાથી કામમાં પહોચી વળતા નથી. એજન્સીના મજૂરો ફીક્સ હોય છે. જેથી એક જગ્યાએ કામ કરે તો બીજી જગ્યાએ કામ બંધ રાખે છે. જેના કારણે પણ સમયમર્યાદામાં કામ પૂર્ણ થતા નથી. પાલિકામાં કોન્ટ્રાક્ટરોની ખોટી આળપંપાળ તથા લાલ જાજમ પાથરવાની રીતી નીતિ બંધ કરવી જોઈએ. પાલિકાને કોન્ટ્રાક્ટરોની મુદત વધારાની માગણી સ્વિકાર્યા વગર છુટકો નથી ત્યારે અલ્ટીમેટમ આપી મુદત વધારો આપવો જોઈએ. જ્યારે નવા ટેન્ડરમાં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની કડક સુચના સાથે વર્કઓર્ડર આપવા જોઈએ. પાલિકા મુદત વધારી આપતા કોન્ટ્રાક્ટરોનેજ ફાવતુ મળે છે અને છેવટે શહેરના નાગરીકોજ હેરાન થાય છે.