કૂતરાની લાળથી દર્દીને લીવરમાં ગાંઠ-નૂતન હોસ્પિટલની ટીમે જીવ બચાવ્યો
લાખોમાં એકને ને થતો હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર રોગની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સારવાર
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર દ્વારા સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ વિકસાવેલ અદ્યતન આરોગ્યલક્ષી સેવાઓ સુપર સ્પેશિયાલીટી ડૉક્ટર્સ દ્વારા મળી રહી છે.
તાજેતરમાં પશુપાલક ખાસ કરીને કૂતરાને પાળનાર માટે આંખ ઉઘાડનારો કિસ્સો જોવા મળ્યો છે.જે વ્યક્તિ પાલતુ જાનવર રાખતા હોય તેમણે જાનવરના સંપર્કમાં આવ્યા બાદ સાબુથી ૫ મિનિટ સુધી હાથ ધોવા.જાનવરના મળ મૂત્ર વાળી જગ્યાની યોગ્ય સફાઈ રાખવી.જાનવરનું નિયમિત ચેકઅપ કરાવવું. જાનવરને બાળકથી દૂર રાખવું જેથી લારવા શરીરમાં ન પ્રવેશ કરે એવી ખાસ કાળજી રાખવી તેવી ગંભીર સલાહ નૂતન હોસ્પિટલના સર્જરી વિભાગના ખ્યાતનામ લેપ્રોસ્કોપિક સર્જન ડૉ.કે.કે.પટેલ દ્વારા આપવામાં આવેલ છે.નૂતન જનરલ હોસ્પિટલમાં એક એવા પુરુષ દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેને કૂતરાની લાળ-લારવા (માઇક્રો ઇયલો) ને લીધે લીવરમાં મોટી ગાંઠ થઈ હતી.
નૂતન જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગ માં તા.૧૩-૦૪-૨૦૨૩ ના રોજ કમાણા ગામના દર્દી ચાવડા અશોકભાઇ હરગોવનભાઇ ઉમર વર્ષ ૪૫, પેટમા સખત દુઃખાવો, ઉલટી, ઉબકા જેવી ફરિયાદ સાથે સર્જરી વિભાગમા બતાવવા આવેલ.દર્દીને તપાસતા અને ગંભીરતા જણાતા સર્જરી વિભાગના વડા ડૉ.કે.જી. પટેલ, ખ્યાતનામ લેપ્રોસ્કોપિક સર્જન ડૉ.કે.કે. પટેલ, ડૉ.પંકજ પટેલ, ડૉ.હર્ષદ પરમાર, ડૉ.મીત ત્રિવેદી સહિત સર્વે ડૉક્ટરોની ટીમ દ્વારા જરૂરી રિપોર્ટ,સીટી સ્કેન કરાવી લાખોમા એકાદ વ્યક્તિને થતી કૂતરાની લાળ-લારવાને લીધે હાઇડેટીડ સિસ્ટ Hydatid Cystની ગંભીર બીમારી (લીવરમાં 87x52x72 mmની મોટી ગાંઠ)નું નિદાન થયુ. જેમાં તારીખ ૧૪-૦૪-૨૦૨૩ ના રોજ તાત્કાલિક ઓપરેશન કરી ગાંઠ દૂર કરવામાં આવી.દર્દી અશોકભાઇ કૂતરાને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને લાડ લડાવી માવજત કરતાં. તે દરમિયાન ધીરે ધીરે તેમના પેટમા લારવા પહોચવાના શરૂ થયા અને લીવરમા ગાંઠની ગંભીર બીમારી સાથે હોસ્પિટલ લાવવામાં આવેલ. જ્યાં સર્જરી વિભાગની નિષ્ણાંત સર્જન ડૉક્ટર્સની ટીમ દ્વારા ૩ કલાક સુધી જટિલ અને જોખમી ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી ગાંઠ દૂર કરી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મેળવી.
આ ઓપરેશન પ્રાઈવેટ હોસ્પિટલમા અંદાજિત ૧ લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચે થાય છે. જે સરકારી યોજના PM JAY હેઠળ વિના મૂલ્યે કરવામાં આવેલ. દર્દી સ્વસ્થ થતાં ૨૧-૦૪-૨૦૨૩ ના રોજ રજા આપવામાં આવતા દર્દી અને તેમના સગા સ્નેહીજનો દ્વારા આ જટિલ ઓપરેશન વિના મૂલ્યે સફળતાપૂર્વક પાર પાડનાર નૂતન જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગના તમામ ડૉક્ટર્સ, સ્ટાફ, સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.